US રાષ્ટ્રપતિના અધિકારીઓએ ખોલી પોલી કહ્યું - યુદ્ધ 2029 સુધી લંબાય તેવી શક્યતા

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને લઈને એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. 'વૉલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ મુજબ, અમેરિકન પ્રમુખ ડૉલર ટ્રમ્પના કેટલાક વરિષ્ઠ સલાહકારોએ તેમને ખાનગીમાં ચેતવણી આપી છે કે ઈરાન સાથેનું આ યુદ્ધ લાંબું ખેંચાઈ શકે છે. આ લડાઈ ટ્રમ્પના વર્તમાન કાર્યકાળના અંત એટલે કે જાન્યુઆરી 2029 સુધી પણ ચાલુ રહેવાની પૂરી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
સલાહકારોની ચિંતા અને ટ્રમ્પના દાવાઓમાં મોટો તફાવત
ઉપપ્રમુખ જેડી વેન્સ અને વિદેશ મંત્રી માર્કો રૂબિયો સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ઑફિસ અને સિચ્યુએશન રૂમમાં થયેલી બેઠકોમાં ટ્રમ્પ સાથે આ મુદ્દે ચર્ચા કરી છે. સલાહકારોનું માનવું છે કે ઈરાન અમેરિકાના દબાણ સામે ઝૂકવાથી સ્પષ્ટ ઇનકાર કરી રહ્યું છે, જેના કારણે યુદ્ધ લાંબા સમય સુધી ચાલી શકે છે. જોકે, આ આશંકાઓથી વિપરીત, ટ્રમ્પ જાહેરમાં સતત એવો દાવો કરી રહ્યા છે કે ઈરાન સાથેનો આ સંઘર્ષ ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ જશે. ટ્રમ્પનું માનવું છે કે નવેમ્બરમાં યોજાનારી મિડટર્મ ચૂંટણીના તુરંત પછી આ યુદ્ધનો અંત આવી જશે. સાથે જ તેમણે ઈરાન પર અમેરિકન ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
હોર્મુઝ ખાડી પાસે હુમલાઓ વધતા
બીજી બાજુ, બંને દેશો વચ્ચેનો તણાવ હોર્મુઝની ખાડી આસપાસ વધુ તીવ્ર બન્યો છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે 10 જહાજો પર હુમલા કર્યા છે, જ્યારે અગાઉ અમેરિકાએ પાંચ ઓઇલ ટેન્કરોને નષ્ટ કર્યા હતા. આ ઘાતક હુમલાઓમાં એક નાવિકનું મૃત્યુ થયું છે અને અન્ય એક લાપતા છે. આ ઉપરાંત, ઈરાને જોર્ડનમાં સ્થિત એક અમેરિકન સૈન્ય મથક પર બેલેસ્ટિક મિસાઇલો દાગવાનો દાવો પણ કર્યો છે, જોકે જોર્ડન દ્વારા 10થી વધુ મિસાઇલોને હવામાં જ રોકી દેવામાં આવી હતી.
આ વૈશ્વિક સંઘર્ષની સીધી અસર દુનિયાના ઓઇલ બજાર પર જોવા મળી રહી છે. હોર્મુઝની ખાડી એ દુનિયાના સૌથી મહત્ત્વપૂર્ણ ઓઇલ માર્ગોમાંથી એક છે, જ્યાંથી અગાઉ રોજના 80થી 90 લાખ બેરલ ઓઇલ પસાર થતું હતું. એક રિપોર્ટ મુજબ, વર્તમાન તણાવને કારણે આ સપ્લાય ઘટીને હવે માત્ર 20 લાખ બેરલ પ્રતિદિન આસપાસ પહોંચી ગયો છે. ક્રૂડ ઓઇલની આ કૃત્રિમ અછત અને યુદ્ધના માહોલને કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત 100 ડૉલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે, જેણે સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ વધારી દીધો છે.

