ઇટાલીમાં મોંઘવારી વિરુદ્ધ હિંસક પ્રદર્શનો: મિલાનમાં પથ્થરમારો અને તોડફોડ બાદ PM મેલોનીએ બોલાવી હાઈ-લેવલ બેઠક

યુરોપમાં મોંઘવારી અને જાહેર સેવાઓમાં ઘટાડાને લઈને જનતાનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ફ્રાન્સ બાદ હવે ઇટાલીના અનેક મોટા શહેરોમાં પણ વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ખાસ કરીને ઉત્તરી ઇટાલીના અગ્રણી શહેર મિલાનમાં મોંઘવારી અને ખરાબ સેવાઓ સામે રસ્તા પર ઉતરેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર અથડામણો થઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે, જ્યારે ઇટાલી સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે સુરક્ષા એડવાઇઝરી જાહેર કરી છે.
મિલાનમાં પથ્થરમારો, દુકાનોમાં લૂંટફાટ અને પોલીસ કાર્યવાહી
મળતી માહિતી મુજબ, મિલાન, બોલોન્યા, બ્રેસિયા, બર્ગામો અને તુરીન જેવા શહેરોમાં આર્થિક દબાણ અને મોંઘવારી વિરુદ્ધ લોકો મોટા પાયે રસ્તા પર ઉતર્યા હતા. મિલાનમાં પ્રદર્શનો દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને દુકાનોમાં તોડફોડ તેમજ લૂંટફાટ મચાવી હતી. ભીડને વિખેરવા માટે પોલીસે વોટર કેનન અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પોલીસે હિંસા ફેલાવવાના આરોપસર ડઝનબંધ લોકોની અટકાયત અને ધરપકડ કરી છે.
પીએમ જ્યોર્જિયા મેલોનીનું કડક વલણ: "વિરોધ અધિકાર છે, આગ લગાડવી નહીં"
ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ હિંસાની આકરી નિંદા કરતા જણાવ્યું કે, લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ કરવો એ દરેકનો અધિકાર છે, પરંતુ શહેરોમાં આગ લગાડવી કે સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવું કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. તેમણે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને કાયદો-વ્યવસ્થાની સમીક્ષા માટે સરકારની એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી અને હેલ્પલાઇન નંબર્સ
ઇટાલીમાં વણસતી સ્થિતિ વચ્ચે રોમ સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા અને મુસાફરી કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને નાગરિકો માટે સલાહ જારી કરી છે:
-
તમામ ભારતીયોને પ્રદર્શન સ્થળો, સરઘસો અને વધુ ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહેવા જણાવાયું છે.
-
સ્થાનિક વહીવટી તંત્ર અને મીડિયા દ્વારા અપાતી સુરક્ષા સૂચનાઓનું ચુસ્ત પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
-
ઇમરજન્સી હેલ્પલાઇન:
-
રોમ સ્થિત ભારતીય દૂતાવાસ: +39 331 614 2085
-
મિલાન સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ: +39 388 164 7527
-








