ઇટાલીમાં ગુરુદ્વારાની બહાર બે ભારતીયોની ગોળી મારીને કરપીણ હત્યા, હુમલાખોર ફરાર

ઇટાલીના બર્ગામો પ્રાંતના કોવો (Covo) શહેરમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે મોડી રાત્રે વૈશાખી પર્વની ઉજવણી કરીને ગુરુદ્વારાની બહાર નીકળી રહેલા બે ભારતીય પુરુષોની ગોળી મારીને કરપીણ હત્યા કરવામાં આવી છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, આ હુમલો પૂર્વઆયોજિત કાવતરું હોવાનું જણાય છે.
વૈશાખીની ઉજવણીમાં માતમ છવાયો
આ ઘટના શુક્રવાર, ૧૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ અડધી રાત્રિના થોડા સમય પહેલા બની હતી. ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા માતા સાહિબ કૌર જી ખાતે શીખ સમુદાયના લોકો વૈશાખી નિમિત્તે એકઠા થયા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ જ્યારે લોકો બહાર નીકળી રહ્યા હતા, ત્યારે આ હુમલો થયો હતો.
મૃતકોની ઓળખ
સ્થાનિક સત્તાવાળાઓએ મૃતકોની ઓળખ નીચે મુજબ કરી છે:
રગીન્દર સિંહ (૪૮ વર્ષ): કોવોના રહેવાસી.
ગુરમીત સિંહ (૪૮ વર્ષ): અગ્નાડેલોના રહેવાસી.
ઘટનાક્રમ: પૂર્વઆયોજિત હત્યાની આશંકા
પ્રાપ્ત વિગતો અનુસાર, હુમલાખોર કારમાં આવ્યો હતો અને જિજ્ઞાસાપૂર્વક બંને શખ્સોની નજીક જઈને અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગોળીબાર બાદ હુમલાખોર તરત જ કારમાં ફરાર થઈ ગયો હતો. ઘટનાસ્થળેથી પોલીસને ગોળીઓના ૧૦ ખાલી ખોખા મળી આવ્યા છે. પ્રારંભિક તપાસમાં પોલીસે ‘તાત્કાલિક ઝઘડા’ની શક્યતાને નકારી કાઢી છે અને તેને ‘Coldly Planned Execution’ એટલે કે ઠંડા કલેજે કરેલું હત્યાકાંડ ગણાવ્યું છે.
સાક્ષીની જુબાની: હુમલાખોર પણ ભારતીય હોવાની શંકા
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે શૂટર પોતે પણ ભારતીય મૂળનો હતો અને અવારનવાર આ ગુરુદ્વારામાં આવતો હતો. હુમલા દરમિયાન એક ત્રીજી વ્યક્તિને પણ ગોળી સ્પર્શીને નીકળી ગઈ હોવાનું કહેવાય છે, જોકે તેમનો બચાવ થયો છે.
શનિવારે આ વિસ્તારમાં સ્થાનિક સંસ્થાઓની હાજરીમાં વૈશાખીની સત્તાવાર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ લોહિયાળ ઘટનાએ સમગ્ર ભારતીય સમુદાયને હચમચાવી દીધો છે. હાલ ઇટાલીની પોલીસ હુમલાખોરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

