Video: બાંગ્લાદેશમાં ફરી હિંસા, ઢાકા ઍરપૉર્ટ નજીક બે બોમ્બ વિસ્ફોટ

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ડિસેમ્બરમાં સ્વદેશ પરત ફરે તેવી અટકળો વચ્ચે દેશમાં રાજકીય અસ્થિરતા અને હિંસાનો માહોલ ફરી ગરમાયો છે. સોમવારે રાત્રે રાજધાની ઢાકા સ્થિત હઝરત શાહજલાલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બે દેશી બોમ્બ ધડાકા થતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં 3 રાહદારીઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે. પહેલો વિસ્ફોટ ઍરપૉર્ટના બહારના ગેટ પાસે અને બીજો જસીમુદ્દીન વિસ્તારના ફ્લાયઓવર નજીક થયો હતો, જ્યાં અજાણ્યા શખ્સોએ ફ્લાયઓવર પરથી બોમ્બ ફેંક્યા હતા. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, ઍરપૉર્ટ પોલીસ સ્ટેશનના પ્રભારી કમરુલ ઈસ્લામ તાલુકદારે અસામાજિક તત્ત્વો દ્વારા આ કૃત્ય આચરાયું હોવાનું જણાવ્યું છે. જોકે, આ ધડાકાઓને શેખ હસીનાની વાપસી સાથે સીધો સંબંધ છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. ઘટના બાદ ઍરપૉર્ટ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા બંદોબસ્ત સઘન બનાવી દેવામાં આવ્યો છે.















