Video: બાંગ્લાદેશમાં ભડકો! કાપડ મજૂરો ઉતર્યા હિંસા પર: પોલીસ વાનને ફૂંકી મારી, 670 ફેક્ટરીઓ ઠપ્પ થતાં ભારત સરકાર પણ એલર્ટ!

બાંગ્લાદેશમાં વેતન વધારવાની માંગને લઈને કાપડ મજૂરોનો વિરોધ હિંસક બન્યો છે. પાડોશી બાંગ્લાદેશમાં કાપડ મજૂરોના ઉગ્ર વિરોધ-પ્રદર્શનને લઈને ભારત ખૂબ જ સતર્કતા દાખવી રહ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મંગળવારે નિયમિત પ્રેસ બ્રીફિંગ દરમિયાન બાંગ્લાદેશના ઘટનાક્રમ અંગે જણાવ્યું હતું કે, તેઓ સતત નજર રાખી રહ્યા છે. બાંગ્લાદેશમાં કાપડ ઉદ્યોગના શ્રમિકો દ્વારા વેતન વધારવાની માંગ સાથે સતત હિંસક પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે, અને મુખ્ય રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે વધારાના અર્ધસૈનિક દળોની તૈનાતી પણ કરવામાં આવી છે.
રાજધાની ઢાકાના શહેરોમાં વિરોધ પ્રદર્શન
PTIના અહેવાલ મુજબ, રાજધાની ઢાકાના મીરપુર, આશુલિયા, ગાઝીપુર અને નારાયણગંજ વિસ્તારોમાં પ્રદર્શનકારીઓની કાયદો અને વ્યવસ્થા જાળવતી ટીમો સાથે ઝડપ થઈ હતી. અહેવાલો અનુસાર, પ્રદર્શનકારીઓએ પોલીસ વાનમાં આગ લગાવી દીધી હતી, જ્યારે પોલીસે તેમને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડ્યા, વોટર કેનનનો ઉપયોગ કર્યો અને લાઠીચાર્જ પણ કર્યો હતો.
BGMEAનું શું કહેવું છે?
બાંગ્લાદેશ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિએશન (BGMEA) અનુસાર, વિરોધ પ્રદર્શનોને કારણે ઢાકા, ગાઝીપુર અને મધ્ય મયમનસિંઘમાં રજિસ્ટર્ડ લગભગ 4,000 કાપડ કારખાનાઓમાંથી 670 કારખાના બંધ કરવા પડ્યા છે. મજૂરોની માંગ છે કે, ન્યૂનતમ માસિક વેતન હાલના 12,500 રૂપિયાથી વધારીને 30,000 કરવામાં આવે. BGMEA અનુસાર, બાંગ્લાદેશના કાપડ ઉદ્યોગમાં 40 લાખથી વધુ શ્રમિકો કામ કરે છે. આ દેશની નિકાસ આવકનો એક મુખ્ય સ્ત્રોત છે. ચીન પછી બાંગ્લાદેશ વિશ્વનો બીજો સૌથી મોટો તૈયાર વસ્ત્રોનો નિકાસકાર દેશ છે.
ગૃહમંત્રી સલાહુદ્દીન અહમદનો આરોપ
ગૃહમંત્રી સલાહુદ્દીન અહમદે આરોપ લગાવ્યો કે, હાંકી કઢાયેલા વડાપ્રધાન શેખ હસીનાની હાલમાં ભંગ થયેલી અવામી લીગ પાર્ટી સાથે જોડાયેલા કેટલાક કાપડ કારખાનાના માલિકો પણ અશાંતિ ભડકાવવામાં ભૂમિકા ભજવી રહ્યા છે. અહમદે તેમની ઓફિસમાં અખબારી પરિષદમાં જણાવ્યું હતું કે, 'અવામી લીગના રાજકારણ સાથે જોડાયેલા કારખાનાના માલિકો પણ અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભૂતપૂર્વ સાંસદો પણ તેમાં સામેલ છે.' ગાઝીપુરના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ નુરુલ કરીમ ભુઇયાંએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ઔદ્યોગિક વિસ્તારમાં 'બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ' (BGB) ની 10 ટુકડીઓ તેનાત કરવામાં આવી છે.













