ધીરેન્દ્ર શાસ્ત્રીના તમામ કાર્યક્રમો રદ કરો, ભગવાન રામ મુદ્દે કરેલા નિવેદન પર ભડક્યા અખિલેશ યાદવ

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ભગવાન રામ સંદર્ભે આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ઉત્તર પ્રદેશમાં રાજકીય અને ધાર્મિક વિવાદ વધુ ઘેરો બન્યો છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આ નિવેદન સામે આકરો વાંધો ઉઠાવતા તેને 'સનાતન વિરોધી' કૃત્ય ગણાવ્યું છે અને સામાજિક સૌહાર્દ બગાડવાના આરોપસર ધીરેન્દ્ર શાસ્ત્રીના આગામી તમામ કાર્યક્રમો રદ્દ કરવાની માંગ કરી છે.
શું છે ધીરેન્દ્ર શાસ્ત્રીનું વિવાદાસ્પદ નિવેદન?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ભગવાન રામના પાંચ પિતા હોવાની વાત કરતા સંભળાય છે. પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે, "રામજીના પાંચ પિતા હતા." આ વાત પર ભાર મૂકતા તેમણે આગળ કહ્યું કે, "આ વાત સ્વીકારવી મુશ્કેલ છે, પરંતુ આ સત્ય છે. આ વાત કોઈ લેખમાં મળશે નહીં અને એ પણ ન પૂછવું જોઈએ કે કયા ગ્રંથ કે લેખમાં લખેલી છે." આ દરમિયાન તેમણે રાજા દશરથના અવસાન અને તેમની અંત્યેષ્ટિ સંદર્ભે વાત કરતા આ દાવો કર્યો હતો.
અખિલેશ યાદવે કર્યો આકરો પ્રહાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના આ નિવેદન બાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું:"આ સનાતન વિરોધીઓ કોના કહેવા પર સક્રિય છે? પહેલાં ભગવાન શ્રીકૃષ્ણ વિશે વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો અને હવે ભગવાન રામના પિતા વિશે અભદ્ર ટિપ્પણી પ્રસારિત થઈ રહી છે. તેમના રાજકીય આકાઓને આ બધું મંજૂર હોઈ શકે છે, પરંતુ અમને લેશમાત્ર પણ સ્વીકાર્ય નથી."
વધુમાં તેમણે માંગ કરી હતી કે સામાજિક શાંતિ અને ભાઈચારો ડહોળવાના ગુના હેઠળ તેમના તમામ કાર્યક્રમો તાત્કાલિક ધોરણે રદ્દ કરવામાં આવે. અખિલેશે કટાક્ષ કરતા ઉમેર્યું હતું કે હવે સાચા સનાતનીઓ જ આમની 'પર્ચી' કાપશે.
શ્રીકૃષ્ણ સંદર્ભે અગાઉ બનેલી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો
અખિલેશ યાદવે પોતાની પોસ્ટમાં ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા જૂના વિવાદનો પણ સંદર્ભ આપ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે ધર્મના નામે વારંવાર હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેને સાંખી લેવામાં નહીં આવે.
આ નિવેદન અને અખિલેશ યાદવના વળતા પ્રહાર બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને બંને પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા છે.










