મુશ્કેલીમાં મુકાયા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, થઈ રહી છે દુનિયાભરમાં ટીકા
હોર્મુઝની ખાડી ખોલાવવામાં નિષ્ફળ ગયેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અ

હોર્મુઝની ખાડી ખોલાવવામાં નિષ્ફળ ગયેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અપશબ્દો લખ્યા બાદ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે પોસ્ટ કરીને ઈરાન વિરુદ્ધ અત્યંત શરમજનક શબ્દોનો ઉપયોગ કરતા અને પોસ્ટમાં અલ્લાહનો ઉલ્લેખ કરતા મુસ્લિમ સંગઠનો રોષે ભરાયા છે. એટલું જ નહીં દુનિયાભરમાં પણ તેમની ટીકા થઈ રહી છે.
ટ્રમ્પે ઈરાન મુદ્દે અશોભનીય શબ્દોનો ઉપયોગ કર્યો
આમ તો ટ્રમ્પ જ્યારથી રાષ્ટ્રપ્રમુખ બન્યા છે, ત્યારથી કડવા શબ્દો બોલવા મામલે વિશ્વભરમાં જાણીતા થઈ ગયા છે. જોકે યુદ્ધ વચ્ચે ટ્રમ્પે ગઈકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ઈરાન મુદ્દે અશોભનીય શબ્દોનો ઉપયોગ કરીને લોકોને ચોંકાવી દીધા છે. ખાસ કરીને તેમણે ખ્રિસ્તી ધર્મનો પવિત્ર તહેવાર ‘ઈસ્ટર સન્ડે’ આવા ધિક્કારપાત્ર શબ્દોનો ઉપયોગ કર્યો છે. હવે તેમના આ ઘૃણાસ્પદ વલણના કારણે વિશ્વભરમાં ટીકાઓ શરૂ થઈ ગઈ છે.
ટ્રમ્પે શું લખ્યું?
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર ઈરાન માટે અપશબ્દોનો ઉપયોગ કરતા લખ્યું છે કે, ‘મંગળવારનો દિવસ ઈરાનમાં પાવર પ્લાન્ટ ડે અને બ્રિજ ડે હશે. આ બંને એક જ દિવસે હશે. આવું પહેલા ક્યારેય નહીં થયું હોય. ''ઓપન ##### સ્ટ્રેટ... યુ ક્રેઝી બાસ્ટર્ડ...'' તમે નરકમાં રહેશો... બસ જોતા રહો... અલ્લાહનો જય હો... પ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પ.’
ટ્રમ્પની પોસ્ટમાં અલ્લાહનો ઉલ્લેખ, મુસ્લિમ સંગઠનો ભડક્યા
રૉયટર્સના રિપોર્ટ મુજબ, અમેરિકન-ઈસ્લામિક રિલેશન્સ કાઉન્સિલ (CAIR)એ ટ્રમ્પની ભાષાની કડક શબ્દોમાં ટીકા કરી છે. કાઉન્સિલે કહ્યું કે, ‘ટ્રમ્પે જે રીતે ઈસ્લામની મજાક ઉડાવી છે અને રહેણાંક વિસ્તારોમાં હુમલો કરવાની ધમકી આપી રહ્યા છે, તે તદ્દન બેદરકારીભરી અને ખતરનાક હતી. ટ્રમ્પની હિંસક ધમકીવાળી આ પોસ્ટમાં બેદરકારી દાખવીને Praise be to Allah શબ્દનો ઉપયોગ કરાયો છે, જે સંપ્રદાયિક ભાષાને હથિયાર તરીકે ઉપયોગ કરવાની તેમની ઈચ્છા દર્શાવે છે. આવા શબ્દો મુસ્લિમો તથા તેમની માન્યતાઓની તિરસ્કારની ભાવના પણ દેખાડે છે.
CAIRએ અમેરિકન સાંસદોને વિનંતી કરી છે કે, ટ્રમ્પ જાહેરમાં યુદ્ધ અપરાધ કરવાનું વચન આપી રહ્યા છે, ત્યારે અમેરિકન સાંસદો ચુપ બેસ્યા વગર ટ્રમ્પને જવાબ આપે. કોંગ્રેસનું કર્તવ્ય છે કે, તેઓ યુદ્ધ અને શાંતિ મામલે પોતાના અધિકારો ફરી સ્થાપે.
ટ્રમ્પનું વલણ અત્યંત આઘાતજનક અને જોખમી: સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ મામલે કનેક્ટિકટના ડેમોક્રેટિક સીનેટર ક્રિસ મર્ફીએ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, મર્ફીએ ટ્રમ્પના વલણને અત્યંત આઘાતજનક અને જોખમી ગણાવ્યું છે. મર્ફીએ રોકડું પરખાવતા કહ્યું કે, ‘ટ્રમ્પનું વલણ એકદમ બેજવાબદાર અને મોંફાટ હતું. જો હું ટ્રમ્પની કેબિનેટમાં હોત, તો મેં ઈસ્ટરનો આખો દિવસ 25માં સુધારા મુદ્દે બંધારણીય વકીલો સાથે ચર્ચા કરવામાં વિતાવ્યો હોત.’
આ અમેરિકન બંધારણનો 25મો સુધારો છે. જે મુજબ જો રાષ્ટ્રપ્રમુખ પોતાની ફરજો નિભાવવામાં અસમર્થ સાબિત થાય, તો તેમને પદ પરથી હટાવી સત્તા હસ્તાંતરણ કરી શકાય છે.
વર્જિનિયાના સિનેટરે ટ્રમ્પની ઝાટકણી કાઢી
અમેરિકાના વર્જિનિયાના સિનેટર અને ડેમોક્રેટ ટિન કેને પણ ટ્રમ્પની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે, ‘અમેરિકા-ઈઝરાયલે ફેબ્રુઆરીમાં ઈરાન પર હુમલાઓ શરૂ કર્યા બાદ ટ્રમ્પે આટલી અશોભનીય ભાષાનો ઉપયોગ કર્યો હોય, તેવું પહેલીવાર બન્યું નથી. ઈરાન પર બોંબમારો કરીને પાષાણ યુગમાં ધકેલી દેવો, ઈરાનને ગાળો બોલવી.. જેવી બાબતો શરમજનક અને અણસમજભરી છે. પોતાને બહુ મોટા અને મજબૂત દેખાડવા માટે લોકો આવા દેખાડા કરી રહ્યા છે.’
ટ્રમ્પના સમર્થક પણ ભડક્યા, કહ્યું ‘ઘૂંટણીએ બેસી ભગવાનની માફી માગવી જોઈએ’
કોંગ્રેસના પૂર્વ સભ્ય માર્જોરી ટેલર ગ્રીન એક સમયે ટ્રમ્પના કટ્ટર સમર્થક હતા, જોકે હવે તેમણે પણ ટ્રમ્પની ટીકા કરી, વિદેશોમાં અમેરિકન સૈનિકોના હસ્તક્ષેપનો વિરોધ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ‘ટ્રમ્પ વહિવટીતંત્રમાં જે લોકો પોતાને ખ્રિસ્તી હોવાનો દાવો કરે છે, તેમણે ઘૂંટણીએ બેસી ભગવાનની માફી માગવી જોઈએ, તેઓએ રાષ્ટ્રપ્રમુખની પૂજા બંધ કરવી જોઈએ અને ટ્રમ્પના પાગનપનમાં દખલગીરી કરવી જોઈએ. આપણા રાષ્ટ્રપ્રમુખ ખ્રિસ્તી નથી. ખ્રિસ્તીઓએ તેમના શબ્દો અને કામોનું સમર્થન ન કરવું જોઈએ.’
ઉલ્લેખનીય છે કે, મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ છઠ્ઠા સપ્તાહમાં પ્રવેશી ગયું છે ત્યારે આ યુદ્ધના પગલે ઈરાને દુનિયાના સૌથી મહત્વના વ્યાપારિક માર્ગમાંના એક હોર્મુઝની ખાડીની નાકાબંધી કરી દીધી છે. પ્રમુખ ટ્રમ્પ અનેક વખત ઈરાનને હોર્મુઝની ખાડી ખોલવા ધમકીઓ આપી રહ્યા છે.
ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જોકે, અત્યાર સુધીમાં હોર્મુઝની ખાડી ખોલાવવામાં નિષ્ફળ ગયેલા પ્રમુખ ટ્રમ્પ હવે અપશબ્દો લખવા પર ઉતરી આવ્યા છે. ટ્રમ્પે મંગળવારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરી ઈરાનને નરક બનાવી દેવાની અને તેનું ઓઈલ કબજે કરવાની ધમકી આપી છે. બીજીબાજુ ઈરાને અમેરિકાના સાથી દેશો પર હુમલા ચાલુ રાખ્યા છે.








