રશિયામાં 1400 કિમી અંદર ઘૂસી યુક્રેનનો ડ્રોન હુમલો, મિસાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટને ફૂંકી માર્યું
Russia vs Ukrain War Updates : યુક્રેનના ડ્રોને રશિયાના ઉદમૂર્ત ગણરાજ્યમાં એક ઔદ્યોગિક

Russia vs Ukrain War Updates : યુક્રેનના ડ્રોને રશિયાના ઉદમૂર્ત ગણરાજ્યમાં એક ઔદ્યોગિક સ્થળને નિશાન બનાવ્યું હતું. સ્થાનિક સ્વાસ્થ્ય મંત્રી સર્ગેઈ બાગિનના જણાવ્યા મુજબ આ હુમલામાં 11 લોકોને ઈજા પહોંચી છે, જેમાંથી ત્રણને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. યુક્રેનનો આ હુમલો રશિયાના અંતરિયાળ વિસ્તારમાં ગંભીર સુરક્ષા પડકાર બની ગયો છે.
રશિયાના રિજનલ પ્રમુખ એલેક્ઝાન્ડર બ્રેચાલોવે ટેલીગ્રામ પોસ્ટમાં આ હુમલાની પુષ્ટી કરી અને કહ્યું કે, ડ્રોન હુમલાથી સંબંધિત સ્થળને ભારે નુકસાન થયું છે. જોકે, તેમણે આ ઔદ્યોગિક સ્થળનું નામ જણાવ્યું નહોતું. રશિયન ટેલિગ્રામ ચેનલ એક્સ્ટ્રાએ દાવો કર્યો કે આ હુમલો વોટકિંસ્ક મશીન બિલ્ડિંગ પ્લાન્ટ પર થયો છે, જે એક મહત્વનું સરકારી સંરક્ષણ એકમ છે અને આ એકમ ઈસ્કંદર બેલિસ્ટિક મિસાઈલ તથા પરમાણુ ક્ષમતાવાળી આંતરખંડીય બેલિસ્ટિક મિસાઈલોનું ઉત્પાદન કરે છે. આ પ્લાન્ટ યુક્રેનથી લગભગ 1400 કિ.મી. દૂર છે.
સ્થાનિક રહેવાસીઓએ કાળા ધુમાડા અને નુકસાન પામેલી ઈમારતોની તસવીરો શૅર કરી છે. શોટ નામની ટેલિગ્રામ ચેનલ મુજબ રાતે સ્થાનિક લોકોએ ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટ અને ડ્રોન જેવા અવાજ સાંભળ્યા હતા. આ ઘટના પછી ઈઝેવસ્ક શહેરના મુખ્ય એરપોર્ટ સહિત આજુબાજુના ક્ષેત્રોના એરપોર્ટનું સંચાલન પણ અસ્થાયીરૂપે બંધ કરી દેવાયું હતું. બીજીબાજુ યુક્રેનની એરફોર્સે કહ્યું કે, રશિયાએ રાતે 120 ડ્રોન અને એક બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો, જેનાથી ઓડેસા ક્ષેત્રના નાગરિક અને ઉર્જા માળખાને નુકસાન પહોંચ્યું તથા બે લોકો ઘાયલ થયા હતા.






