હાનિયાનું મોત થતાં કોણ સંભાળશે કમાન, Hamas કોના ઈશારે ચાલશે
ઈઝરાયેલે બે દિવસ પહેલા આતંકવાદી સંગઠન હમાસના સર્વોચ્ચ નેતાની હત્યા કરતા લગભગ 10 મહિનાથી ચાલી રહેલ હમાસ-ઈઝર

ઈઝરાયેલે બે દિવસ પહેલા આતંકવાદી સંગઠન હમાસના સર્વોચ્ચ નેતાની હત્યા કરતા લગભગ 10 મહિનાથી ચાલી રહેલ હમાસ-ઈઝરાયેલ યુદ્ધમાં નવો વળાંક આવ્યો છે. જે દેશ પોતે હમાસને પ્રોત્સાહન આપતો રહ્યો એ ઈરાનમાં જ તેની હત્યા થઈ. હવે લેબનોન અને ઈરાન સહિત લગભગ આખું મિડલ ઈસ્ટ ઈઝરાયેલ પર નારાજ છે. પરંતુ સૌથી પહેલી જરૂર હમાસમાં એવા નેતાની છે, જે ખાલી પડેલી જગ્યાને ભરી શકે.
જો કે ગાઝા પટ્ટીમાં હમાસના ઘણા નેતાઓ માર્યા ગયા છે, પરંતુ ઈસ્માઈલ હાનિયાની હત્યા આ જૂથ માટે મોટી ખોટ છે. અન્ય ખૂંખાર નેતાઓની તુલનામાં એક મોડરેટ ચહેરો હતો. જે દુનિયા સાથે સીધો સંવાદ કરી શકતો હતો. હાનિયાને કુટનીતિનો જાણકાર માનવામાં આવતો હતો, એને ખબર હતી કે ક્યારે તાર ખેંચવા અને ક્યારે ઢીલા કરવા. હાલમાં તેહરાનમાં તેની હત્યા બાદ હવે હમાસની કમાન કોણ સંભાળશે તેની ચર્ચા ચાલી રહી છે.
1980માં હમાસનો પાયો નાખવામાં મદદ કરનાર યાહ્યા સિનવાર પણ લીડર બની શકે છે. પેલેસ્ટાઈનમાં ઈઝરાયલ વિરુદ્ધ ગુસ્સો વધી રહ્યો હતો ત્યારે તેને એક ચહેરો આપવા માટે હમાસની સ્થાપના કરવામાં આવી હતી. સિનવારને ઈઝરાયેલની સેનાએ ઘણી વખત ધરપકડ કરી હતી. ઇઝરાયેલની જેલમાં 2 દાયકાથી વધુ સમય વિતાવ્યો હતો. 2011 માં કેદીઓની અદલાબદલી દરમિયાન હમાસે સિનવાર પાછો સોંપવાની માગ કરી હતી. જેને ઇઝરાયેલને મજબૂરીમાં સ્વીકારવાની ફરજ પડી હતી.
ઈઝરાયેલના અધિકારીઓનું માનવું છે કે સિનવાર પણ 7 ઓક્ટોબર, 2023 ના રોજ થયેલા હુમલાના માસ્ટર માઇન્ડ્સમાંનો એક છે. તેના સિવાય ગાઝામાં સૈન્ય વિંગના કમાન્ડર મોહમ્મદ દૈફે ઓક્ટોબરમાં આ હુમલાની યોજના બનાવી હતી, જેમાં હજારો નિર્દોષ ઇઝરાયલીઓ માર્યા ગયા હતા. આ સિવાય 200થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. આ ઘટના બાદ ઇઝરાયેલી સેનાએ ગાઝામાં પત્રિકાઓ વહેંચી જેમાં સિનવાર વિશે માહિતી આપનારને 4 લાખ ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. છતાં તેની કોઈ જાણકારી નહોતી મળી. આ પછીથી સિનવાર ગાઝાની સઘન ટનલ નેટવર્કમાં છુપાઈને હમાસની ગતિવિધિઓને કંટ્રોલ કરે છે.
ખાલિદ મેશાલ એક લડવૈયો ચહેરો
એક રિપોર્ટ મુજબ ખાલિદ મેશાલ પણ હમાસના લડવૈયાઓમાં એક મજબૂત ચહેરો છે, જેને લીડર તરીકે જોવામાં આવી રહ્યો છે. પશ્ચિમ કાંઠે જન્મેલા મેશાલ હમાસનો રાજકીય નેતા છે, જેના પર ઇઝરાયેલ હંમેશા ગુસ્સે રહે છે. જોર્ડનમાં ઇઝરાયલી એજન્ટ દ્વારા તેને સ્લો પોઇઝન પણ આપવામાં આવ્યું હતું, જેના કારણે તે કોમામાં ચાલ્યો ગયો હતો. એ પછી એક ડીલ અંતર્ગત ઈઝરાયેલે જ એન્ટીડોઝ આપીને તેનો જીવ બચાવ્યો હતો.
આત્મઘાતી બોમ્બ ધડાકા શરૂ કર્યા
15 વર્ષની ઉંમરે મુસ્લિમ બ્રધરહુડમાં જોડાનાર ખાલિદ મેશાલે તેનો મોટાભાગનો સમય મધ્ય પૂર્વમાં પેલેસ્ટાઈનની બહાર વિતાવ્યો હતો. મેશાલને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટનો પણ માસ્ટર માનવામાં આવતો હતો. આ વ્યક્તિએ નેવુંના દાયકામાં હમાસની રચના પછી આત્મઘાતી બોમ્બ ધડાકા શરૂ કર્યા હતા. મેશાલ અને હાનિયા વચ્ચે પહેલેથી જ સર્વોચ્ચ નેતા તરીકેગાઢ સ્પર્ધા હતી.
હાનિયાની હત્યા બાદ એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે તેહરાનમાં થયેલા આ મોતમાં સિનવારનો હાથ હોઈ શકે છે. હાનિયા હમાસનો રાજકીય ચહેરો હોવાથી સિનવારે ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશનના વડા હોવા છતાં તેની વાત માનવી પડતી હતી.








