ગ્રીન કાર્ડના નિયમો કડક કરવા માટે અમેરિકાની મોટી તૈયારી, જાણો કોને થશે સૌથી વધુ મુશ્કેલી

અમેરિકાની સરકારે વિદેશી કર્મચારીઓને રોજગાર આધારિત ગ્રીન કાર્ડ અપાવતી કંપનીઓ માટે નિયમો વધુ કડક બનાવવાની દરખાસ્ત કરી છે. અમેરિકાના શ્રમ વિભાગ અનુસાર ઉચ્ચ કુશળતા અને ઊંચા પગારવાળી નોકરીઓમાં વિદેશી કર્મચારીઓની ભરતી કરતા પહેલા લાયક અમેરિકન નાગરિકોને તક આપવી પડશે. આ માટે લગભગ વીસ વર્ષ પછી પર્મ કાર્યક્રમમાં મોટા ફેરફારો સૂચવવામાં આવ્યા છે.
હાલમાં ઈબી-૨ અને ઈબી-૩ કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડ મેળવવા માટે પર્મ પ્રક્રિયા મહત્વપૂર્ણ છે. કંપનીઓએ પુરવાર કરવું પડે છે કે સંબંધિત નોકરી માટે લાયક અમેરિકન કર્મચારી ઉપલબ્ધ નથી. નવી દરખાસ્ત મુજબ કંપનીઓએ પોતાની વેબસાઈટ, ઓનલાઈન જોબ પોર્ટલ અને સોશિયલ મીડિયા પર નોકરીની જાહેરાત કરવી પડશે. જાહેરાત ઓછામાં ઓછા ૯૦ દિવસ સુધી ખુલ્લી રાખવી પડશે અને અમેરિકન ઉમેદવારોને યોગ્ય તક આપવી પડશે.
નવી દરખાસ્તમાં કર્મચારીઓની છટણી બાબતે પણ કડક જોગવાઈ છે. જો કંપનીએ સંબંધિત સ્થળે છેલ્લા બે વર્ષમાં સમાન અથવા સંબંધિત હોદ્દા પર અમેરિકન કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા હોય,તો તે પર્મ અરજી કરી શકશે નહિ. અરજી પછી છટણી થાય તો લાયક છૂટા કરાયેલા કર્મચારીઓને તક આપવી પડશે. આવી છટણીની જાણ સંબંધિત વિભાગોને પાંચ કાર્યદિવસમાં કરવી પડશે.
આ ઉપરાંત નર્સો, ફિઝિકલ થેરપિસ્ટ અને વિજ્ઞાાન, કલા તથા પર્ફોર્મિંગ આર્ટ્સના વિશિષ્ટ પ્રતિભાશાળી લોકો માટેની શેડયુલ એ છૂટછાટ પણ દૂર કરવાની દરખાસ્ત છે. હવે તેમને પણ અમેરિકન શ્રમબજારની કસોટીમાંથી પસાર થવું પડી શકે છે. આ નિયમો હજી અંતિમ બન્યા નથી. ૧૭ નવેમ્બરથી દરખાસ્ત પર ૬૦ દિવસ સુધી જાહેર અભિપ્રાયો મંગાવવામાં આવ્યા છે. અમલ થયા પછી વિદેશી કર્મચારીઓને ગ્રીન કાર્ડ અપાવવાની પ્રક્રિયા વધુ મુશ્કેલ બની શકે છે.











