વિશ્વભરમાં એપલની સર્વિસ ઠપ્પ આઈફોન યુઝર્સ મુશ્કેલીમાં

ટેક્નોલોજીના આજના આધુનિક યુગમાં, જ્યાં માનવીનું અડધું જીવન સ્માર્ટફોન અને ડિજિટલ ઉપકરણો પર નિર્ભર થઈ ગયું છે, ત્યાં અચાનક જ દુનિયાના દિગ્ગજ બ્રાન્ડ ગણાતી 'એપલ' કંપનીની મુખ્ય સેવામાં મોટો બ્રેકડાઉન જોવા મળ્યો છે. વિશ્વભરમાં એપલના કરોડો યુઝર્સ માટે બુધવારની રાત અતિશય મુશ્કેલીભરી સાબિત થઈ હતી. આઈફોન , મેકબુક અને અન્ય એપલ ડિવાઈસ વાપરતા લાખો લોકો અચાનક જ કંપનીની મુખ્ય સર્વિસથી વિમુખ થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, એપલની આંતરરાષ્ટ્રીય સ્તરની લોકપ્રિય સેવાઓ જેવી કે આઈક્લાઉડ, એપ સ્ટોર, એપલ પે, એપલ મ્યુઝિક અને સપોર્ટ સર્વિસ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. ભારત સહિત દુનિયાભરના અનેક દેશોમાં યુઝર્સે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી અને મુશ્કેલીઓ વ્યક્ત કરી હતી.
કઈ-કઈ સેવાઓ ઉપર પડી માઠી અસર?
યુઝર્સ દ્વારા પ્રાપ્ત અહેવાલો અને આઉટેજ ટ્રેક કરતી જાણીતી વેબસાઈટ 'ડાઉનડિટેક્ટર' પર હજારોની સંખ્યામાં ફરિયાદો નોંધાઈ હતી.
- આઈક્લાઉડ : અનેક યુઝર્સે ફરિયાદ કરી હતી કે તેમના આઈફોન અને મેક ડિવાઈસમાંથી અચાનક આઈક્લાઉડ લોગઆઉટ થઈ ગયું હતું. વારંવાર આવતા ટેક્નિકલ એરરના કારણે યુઝર્સે ફરીથી લોગઈન કરવાની લાંબી અને કંટાળાજનક પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું.
- એપ સ્ટોર : આઈફોન ચલાવતા શોખીનો જ્યારે નવા એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવા માટે એપ સ્ટોર પર ગયા, ત્યારે તે એક્સેસ ન થવાને કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી.
- એપલ પે : ડિજિટલ પેમેન્ટના આ યુગમાં ગ્રાહકોને સ્ટોર્સ પર ખરીદી કરતી વખતે 'એપલ પે' વાપરવામાં અડચણો નડી હતી, જેના કારણે લેણદેણ અટકી પડી હતી.
- એપલ મ્યુઝિક : સંગીતના શોખીન યુઝર્સ માટે મનોરંજન પર પણ ગ્રહણ લાગ્યું હતું. અમેરિકા અને અન્ય દેશોમાં યુઝર્સ મ્યુઝિક સ્ટ્રીમ કરી શક્યા નહોતા.
- આઈફોન એક્ટિવેશન અને ડેવલપર ટૂલ્સ : નવું ડિવાઈસ ખરીદીને એક્ટિવેટ કરવા માગતા ગ્રાહકો અટવાયા હતા, તેમજ ડેવલપર્સ માટેનું 'એપલ સ્ટોર કનેક્ટ' પણ ઠપ થઈ જતા પ્રોજેક્ટ્સને અસર થઈ હતી.
એક જ સપ્તાહમાં ચોથો મોટો ટેક્નિકલ આઉટેજ!
ખાસ કરીને યુનાઈટેડ સ્ટેટ્સ (અમેરિકા) માટે આ અઠવાડિયું આફતોથી ભરેલું સાબિત થઈ રહ્યું છે. છેલ્લા માત્ર સાત જ દિવસમાં આ ચોથી મોટી ઘટના છે જ્યારે કોઈ મોટી ટેક કંપની કે સિસ્ટમ ખોરવાઈ ગઈ હોય.
આ સિલસિલો ગત ગુરુવારની રાત્રે 'માઈક્રોસોફ્ટ'ના મોટા આઉટેજ સાથે શરૂ થયો હતો. ત્યારબાદ એરલાઈન્સનું કમ્યુનિકેશન સિસ્ટમ અચાનક ડાઉન થઈ ગયું હતું અને મંગળવારે અમેરિકન બેંકિંગ સિસ્ટમમાં પણ કેટલાક સમય માટે મોટો અવરોધ ઊભો થયો હતો. આટલું ઓછું હોય તેમ, હવે એપલ જેવી મજબૂત સિક્યોરિટી અને સર્વિસ ધરાવતી કંપનીનું નેટવર્ક પણ ખોરવાઈ જતાં વૈશ્વિક સ્તરે સાયબર નિષ્ણાંતો અને ટેક પ્રેમીઓ ચિંતામાં મૂકાયા છે.
હાલ શું છે સ્થિતિ?
ઘટનાના થોડા જ સમય બાદ કંપનીના ઈજનેરો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેના પરિણામે ધીમે-ધીમે તમામ સેવાઓ ફરીથી પાટરે ચડવા લાગી છે અને યુઝર્સ સામાન્ય રીતે પોતાના ફોનનો ઉપયોગ કરી શકી રહ્યા છે. જો કે, અત્યાર સુધી એપલ કંપનીના સત્તાવાર મેનેજમેન્ટ તરફથી આ ટેક્નિકલ ખામી પાછળનું ચોક્કસ કારણ કે સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
વિશ્વના સૌથી મોટા બજારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે આપણી ડિજિટલ દુનિયા કેટલી નાજુક છે, જ્યાં એક ક્ષણની ટેક્નિકલ ખામી કરોડો લોકોને અસમંજસમાં મૂકી દે છે.










