‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી, વિશ્વભરમાં ₹1,384 કરોડનો આંકડો પાર

નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ (Ramayana)એ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરતાં રિલીઝના 11મા દિવસે વિશ્વભરમાં ₹1,300 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મે એસ.એસ. રાજામૌલીની ‘RRR’ અને આદિત્ય ધરની ‘ધુરંધર’ના લાઇફટાઇમ કલેક્શનને પાછળ છોડી દીધાં છે. ટ્રેડ આંકડા મુજબ, ફિલ્મની અત્યાર સુધીની કુલ વૈશ્વિક ગ્રોસ કમાણી ₹1,384.50 કરોડ પર પહોંચી છે. ફિલ્મે બીજા વીકએન્ડમાં પ્રથમ વીકએન્ડની સરખામણીએ વધુ સારી વૃદ્ધિ નોંધાવી છે. ઇન્ડસ્ટ્રી ટ્રેકર Sacnilkના આંકડા અનુસાર, 11મા દિવસે ફિલ્મે ભારતમાં ₹75 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. આ કમાણી માટે દેશભરમાં 23,573 શો યોજાયા હતા.
વિદેશમાં પણ ફિલ્મનો જાદુ
11મા દિવસે વિદેશી બજારમાંથી ફિલ્મે ₹40 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. આ સાથે ફિલ્મની કુલ વિદેશી કમાણી ₹475.50 કરોડ થઈ છે. ભારતમાં પ્રથમ સપ્તાહ દરમિયાન ફિલ્મે ₹564 કરોડનું નેટ કલેક્શન નોંધાવ્યું હતું. બીજા સપ્તાહના શુક્રવારે ₹48.10 કરોડ અને શનિવારે ₹72.90 કરોડની કમાણી કરી હતી. 11મા દિવસની ભારતીય કમાણીમાં હિન્દી વર્ઝનનો સૌથી મોટો ફાળો રહ્યો હતો. હિન્દીમાં ₹55 કરોડ, કન્નડમાં ₹5.75 કરોડ, તમિલમાં ₹5 કરોડ, મલયાલમમાં ₹5 કરોડ અને તેલુગુમાં ₹4.75 કરોડનું નેટ કલેક્શન નોંધાયું હતું.
ભારતીય ફિલ્મોમાં પાંચમા ક્રમે પહોંચી
‘રામાયણ’એ ₹1,230 કરોડની કમાણી કરનારી ‘RRR’ અને ₹1,307 કરોડનું કલેક્શન ધરાવતી ‘ધુરંધર’ને પાછળ છોડીને ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં પાંચમું સ્થાન મેળવ્યું છે. હવે તેનું આગામી લક્ષ્ય ‘પુષ્પા 2’નું ₹1,742.10 કરોડનું કલેક્શન છે. આ યાદીમાં આમિર ખાનની ‘દંગલ’ ₹2,070.30 કરોડની કમાણી સાથે પ્રથમ સ્થાને છે. ત્યારબાદ ‘ધુરંધર: ધ રિવેન્જ’ ₹1,813.39 કરોડ અને ‘બાહુબલી 2: ધ કન્ક્લૂઝન’ ₹1,788.06 કરોડ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.
સ્ટારકાસ્ટ અને સંગીતની પણ ચર્ચા
ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી સીતા, રવિ દુબે લક્ષ્મણ અને યશ રાવણની ભૂમિકામાં છે. ફિલ્મનું સંગીત ઓસ્કર વિજેતા હાન્સ ઝિમર અને એ.આર. રહેમાને તૈયાર કર્યું છે. બે ભાગમાં બનનારી આ ફિલ્મનો બીજો ભાગ દિવાળી 2028માં રિલીઝ થવાનો છે.




