અમેરિકામાં હવે હોસ્પિટલમાં થયો ગોળીબાર, એક પોલીસ અધિકારીનું મોત, 5 ઘાયલ, બંદૂકધારી ઠાર
અમેરિકાના સેન્ટ્રલ પેન્સિલવેનિયાની એક હોસ્પિટલમાં ગોળીબારની ઘટનાથી લોકોમા

અમેરિકાના સેન્ટ્રલ પેન્સિલવેનિયાની એક હોસ્પિટલમાં ગોળીબારની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. યુપીએમસી મેમોરિયલ હોસ્પિટલમાં એક બંદૂકધારીએ કેટલાક લોકોને બંધક બનાવી લીધા હતા અને ગોળીબાર કર્યો હતો. હુમલાખોર હાથમાં પિસ્તોલ લઈને આવ્યો હતો, તેણે ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ કર્મચારીઓ પર પણ ગોળીબાર કર્યો. ગોળી વાગવાથી એક પોલીસ અધિકારીનું મોત થયું છે. 5 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસે હુમલાખોરને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે.
પેન્સિલવેનિયાના ગવર્નર જોશ શાપિરોએ જણાવ્યું હતું કે, "મને યોર્ક કાઉન્ટીની યુપીએમસી મેમોરિયલ હોસ્પિટલમાં થયેલા દુ:ખદ ગોળીબાર વિશે માહિતી આપવામાં આવી હતી. હું ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હોસ્પિટલ હવે સુરક્ષિત છે. પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરો. આ વિસ્તારથી દૂર રહો. અમારી પાસે વધુ માહિતી આવતાની સાથે જ અમે શેર કરીશું."
ગોળીબાર શરૂ થતાં જ લોકો હોસ્પિટલમાંથી ભાગવા લાગ્યા
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, પોલીસનું વાહન હોસ્પિટલ તરફ આવતું જોવા મળે છે. ગોળીબાર શરૂ થતાં જ લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા. ગોળીબાર બાદ પોલીસે વિસ્તારને ઘેરી લીધો હતો. આ ઘટનામાં બે પોલીસ અધિકારીઓ અને એક નર્સ ઘાયલ થયા હતા.
પોલીસે હુમલાખોરને ઠાર માર્યો, કોઈ દર્દીને ઈજા થઈ નહીં
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, પોલીસે હુમલાખોરને ઠાર માર્યો છે. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું છે કે ગોળીબારમાં કોઈ દર્દીને ઈજા થઈ નથી. બંદૂકધારી માર્યો ગયો છે. કાયદા અમલીકરણ એજન્સીઓ ઘટનાસ્થળે હાજર છે.








