110 લીટર રક્તનું દાન કરી 693 લોકોના બચાવ્યા જીવન, જાણો કોણ છે આ વ્યક્તિ
રક્તદાનને એક મહાદાન માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો રક્તદાન કરતા ડરે છે. તેમને લા

રક્તદાનને એક મહાદાન માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો રક્તદાન કરતા ડરે છે. તેમને લાગે છે કે શરીરમાં લોહીની ઉણપથી નબળાઈ આવશે. પરંતુ હકીકત એ છે કે, આપણું શરીર જરૂરિયાત મુજબ લોહીનું ઉત્પાદન કરતું રહે છે. સામાન્ય સ્વસ્થ પુખ્ત વ્યક્તિમાં લગભગ 5 લિટર લોહી હોય છે. યુનાઈટેડ સ્ટેટ્સની એક વ્યક્તિ 1975 થી સતત રક્તદાન કરી રહી છે. અત્યાર સુધીમાં તેમણે લગભગ 29 ગેલન એટલે કે 110 લિટર રક્તનું દાન કર્યું છે. આવો જાણીએ આ ખાસ વ્યક્તિ કોણ છે.
કેટલું રક્તદાન કર્યું ?
ન્યૂયોર્ક બ્લડ સેન્ટરના જણાવ્યા અનુસાર, અમેરિકાના રહેવાસી 68 વર્ષીય હેનરી બિકોફ 1975થી સતત રક્તદાન કરી રહ્યા છે. તેઓ કોલેજમાં ભણતા હતા ત્યારથી રક્તદાન કરે છે. તેમણે 49 વર્ષમાં લગભગ 110 લીટર રક્તનું દાન કર્યું છે. તેમના રક્તદાનને કારણે 693 લોકોને નવું જીવન મળ્યું છે. તેમણે દાનમાં આપેલ રક્તની કિંમત 870 આઈસ્ક્રીમ સ્કૂપ્સ અથવા 310 કોલ્ડ ડ્રિંક કેન જેટલી છે.
ઇન્ટરવ્યુમાં શું કહ્યું?
એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે તેઓ રક્તદાનને લઈને ગંભીર છે. રક્તદાનથી મળેલી ઓળખથી પણ તે ખુશ છે. હેનરી વ્યવસાયે આંખના નિષ્ણાત છે. તેમણે તેમના કોલેજકાળ દરમિયાન પ્રથમ વખત રક્તદાન કર્યું હતું. પોતાના પ્રથમ રક્તદાનને યાદ કરતાં હેનરીએ કહ્યું કે રક્તદાન કર્યા પછી ખૂબ જ ચક્કર આવી રહ્યા હતા. તેનું કારણ એ હતું કે તેમનું શરીર સારી રીતે હાઇડ્રેટેડ ન હતું. ન તો તેમણે કંઈ ખાધું હતું કે ન તો આરામ કર્યો હતો. જો કે, આમ છતાં, તેમણે દાન કરવાનું ચાલુ રાખ્યું.
હેનરીએ કહ્યું કે તેઓ રક્તદાનને દાન તરીકે જુએ છે. આ એક એવું કામ છે જેમાં વધુ સમય નથી લાગતો અને હું આરામથી કરી શકું છું. રક્તદાન એક 'મલ્ટીટાસ્કિંગ' જેવું છે. રક્તદાન સાથે હું મારા જીવનના તમામ કામ કરતો રહું છું. બીજી તરફ, મારું શરીર નવા રક્તકણોનું નિર્માણ કરતું રહે છે. તેઓ દર બે મહિને રક્તદાન કરે છે.
હેનરી બિકોફનું લોહી ખૂબ જ ખાસ છે
હેનરીનું બ્લડ ગ્રુપ બી-નેગેટિવ છે. આ બ્લડ ગ્રુપની ઘણી માંગ હોય છે. લગભગ 5-10 વર્ષ પહેલા તેઓ દર 56 દિવસે રક્તદાન કરતા હતા. પરંતુ વધતી જતી ઉંમરને કારણે તેઓ હવે દર બે મહિને રક્તદાન કરે છે. ન્યૂયોર્ક બ્લડ સેન્ટરના વરિષ્ઠ ઉપાધ્યક્ષના જણાવ્યા અનુસાર 0.5 ટકાથી ઓછા લોકોએ 20 ગેલન અથવા વધુ રક્તદાન કર્યું છે. સામાન્ય વ્યક્તિ તેના જીવનમાં ઘણી વખત રક્તદાન કરી શકે છે. જો કોઈ વ્યક્તિનું બ્લડ ગ્રુપ B નેગેટિવ છે, તો તે B નેગેટિવ અથવા O નેગેટિવમાંથી જ બ્લડ લઈ શકે છે. તેથી હેનરીના રક્તદાનથી અનેક લોકોને ફાયદો થયો છે.
પત્ની પણ કરે છે રક્તદાન
હેનરીની પત્ની ક્યારેક રક્તદાન કરે છે. જો કે, તેમની પુત્રી એક દુર્લભ રક્ત રોગને કારણે રક્તદાન કરી શકતી નથી. જયારે હેનરીના પુત્રને રક્તદાન કરવામાં રસ નથી. હેનરીની 36 વર્ષની પુત્રી કહે છે કે આ કામ માટે તેને તેના પિતા પર ખૂબ ગર્વ છે.








