મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ભિખારીઓથી પરેશાન સાઉદી, હજયાત્રા દરમિયાન ઝડપાયેલા 90 ટકા પાકિસ્તાની, પાક.ના અધિકારીઓ જ 'બેગર માફિયા'  

પાકિસ્તાનીઓ સાઉદીમાં જઈને મક્કા સહિતનાં ધર્મસ્થાનમાં ભિખ માંગીને આબરૂનો ફજેતો તો કરે જ

ભિખારીઓથી પરેશાન સાઉદી, હજયાત્રા દરમિયાન ઝડપાયેલા 90 ટકા પાકિસ્તાની, પાક.ના અધિકારીઓ જ 'બેગર માફિયા'  

પાકિસ્તાનીઓ સાઉદીમાં જઈને મક્કા સહિતનાં ધર્મસ્થાનમાં ભિખ માંગીને આબરૂનો ફજેતો તો કરે જ છે પણ આ ભિખારીઓ લૂંટફાટ સહિતના અપરાધ પણ કરે છે તેથી સાઉદીનાં નાગરિકોની સુરક્ષા સામે પણ ખતરો છે. સાઉદી અરેબિયામાં હજ યાત્રા દરમિયાન પકડાયેલા ખિસ્સાકાતરુ, ધાડપાડુ અને ભિખારીઓમાં 90 ટકા પાકિસ્તાની નાગરિક છે અને તેમના કારણે સાઉદી અરેબિયાની જેલો ઉભરાઈ રહી છે.

સાઉદીને એવી શંકા પણ છે કે, પાકિસ્તાનના અધિકારીઓ પોતે જ બેગર માફિયા' છે કે જે ભિખારીઓ અને અપરાધીઓનું નેટવર્ક ચલાવે છે. એ લોકો મંજૂર કરાતા હજયાત્રીઓના ક્વોટામાં અડધાથી વધારે ભિખારીઓ, ચોર-લૂંટારા અને ધાડપાડુઓને મોકલી દે છે. આ ભિખારીઓ, ચોર-લૂંટારા અને ધાડપાડુ સાઉદીમાં કાળાં કરતૂતો કરીને પાછા આવે પછી જે કમાણી થઈ હોય તેમાંથી મોટા ભાગની કમાણી આ અધિકારી જ લઈ લે છે. 

હજયાત્રાના બહાને આવીને ભિખ માંગતા પાકિસ્તાનીઓથી કંટાળેલા સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને આકરા શબ્દોમાં ધમકી આપતાં પાકિસ્તાને ભિખારીઓ ફરતે ગાળિયે કસવા માંડયો છે. સાઉદી હજ મંત્રાલયે પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયને ચેતવણી આપી કે ઉમરાહ વિઝા હેઠળ પાકિસ્તાની ભિખારીઓને સાઉદી અરેબિયા આવતા રોકવા માટે કાર્યવાહી કરે. તેના પગલે પાકિસ્તાને 'ઉમરાહ એક્ટ' લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ એક્ટ હેઠળ પાકિસ્તાનમાં ઉમરાહ યાત્રાની સુવિધા આપતી ટ્રાવેલ એજન્સીઓને નિયંત્રિત કરવા માટે કાયદાકીય દેખરેખ હેઠળ લાવવામાં આવી છે. આ સિવાય પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે 4300 ભિખારીઓનું 'નો ફ્લાય' લિસ્ટ બહાર પાડયું છે. મતલબ કે, આ 4300 લોકો વિમાન દ્વારા પાકિસ્તાનની બહાર નહીં જઈ શકે. દુનિયાભરની સરકારો આવાં નો ફ્લાય લિસ્ટ બહાર પાડતી હોય છે પણ તેમાં મોટા ભાગે અપરાધીઓ હોય છે. પાકિસ્તાન દુનિયાનો એવો પહેલો દેશ છે કે જેના નો ફ્લાય લિસ્ટમાં ભિખારીઓ છે. પાકિસ્તાનની સરકારે ભિખ માગતાં પકડાયેલા લોકોના પાસપોર્ટ પર સાત વર્ષનો પ્રતિબંધ મૂકવાનો પણ નિર્ણય લીધો છે. 

પાકિસ્તાને સાઉદી અરેબિયાને ખાતરી પણ આપી છે કે, 'બેગર માફિયાઓ'ને ઉઠાવીને જેલમાં નાંખીને ભિખારીઓના આખા નેટવર્કને ખતમ કરી નાંખીશું કે જેથી 'ના રહેગા બાંસ, ના બજેગી બાંસુરી'. ભિખારીઓ જ નહીં રહે તો સાઉદીને પરેશાની જ નહીં રહે.  સાઉદી હજ મંત્રાલયે પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયને ચેતવણી આપી છે કે તે ઉમરાહ વિઝા હેઠળ પાકિસ્તાની ભિખારીઓને સાઉદી અરેબિયા આવતા રોકવા માટે કાર્યવાહી કરે. આ પછી પાકિસ્તાને પોતાના દેશમાં 'ઉમરાહ એક્ટ' લાગુ કરવાનો નિર્ણય કર્યો.

સાઉદીએ પાકિસ્તાનને કહી દીધેલું કે, પાકિસ્તાન તેના ભિખારીઓને નહીં રોકે તો સાઉદી તેમને અપરાધી ઠેરવીને ફાંસીને માંચડે લટકાવવા સુધીનાં પગલાં લઈ શકે છે. એટલું જ નહીં પણ પાકિસ્તાનથી કોઈને પણ હજયાત્રા કે ઉમરાહ માટે સાઉદીને આવવાની મંજૂરી નહીં અપાય. સાઉદીએ પોતાની ધમકીનું ટ્રેલર બતાવીને  પાકિસ્તાન સરકારે મંજૂર કરેલી હજ યાત્રીઓ માટેની પરમિટની સંખ્યામાં ભારે કાપ મૂકી દીધો છે.  પાકિસ્તાને 2025  માટે 905 હજ યાત્રીઓને મંજૂરી આપવા સાઉદીને દરખાસ્ત મોકલેલી પણ સાઉદીએ આ  સંખ્યા ઘટાડીને માત્ર 46 કરી દીધી છે.  પાકિસ્તાને સાઉદી પાસે આ મુદ્દે જવાબ માંગ્યો તો સાઉદીએ પાકિસ્તાને સાઉદીને હડધૂત કરી નાંખ્યું. 

પાકિસ્તાન ને સાઉદી અરેબિયા વચ્ચે ભિખારીઓના મામલે લાંબા સમયથી માથાકૂટ ચાલે છે. છેલ્લાં લગભગ બે વર્ષથી સાઉદી સતત પાકિસ્તાનને ચેતવ્યા કરતું હતું પણ પાકિસ્તાન તેને ગણકારતું નહોતું તેથી છેવટે સાઉદીએ આકરા થવું પડયું છે. 

સાઉદીએ આકરી ચેતવણી આપવી પડી કેમ કે, પાકિસ્તાનીઓ સાઉદીમાં જઈને મક્કા સહિતનાં ધર્મસ્થોને ભિખ માંગીને આબરૂનો ફજેતો તો કરે જ છે પણ આ ભિખારીઓ લૂંટફાટ સહિતના અપરાધ પણ કરે છે તેથી સાઉદીનાં નાગરિકોની સુરક્ષા સામે પણ ખતરો છે. સાઉદી અરેબિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હજ યાત્રા દરમિયાન પકડાયેલા ખિસ્સાકાતરુ, ધાડપાડુ અને ભિખારીઓમાં 90  ટકા પાકિસ્તાની નાગરિક છે અને તેમના કારણે સાઉદી અરેબિયાની જેલો પણ ઉભરાઈ રહી છે. 

સાઉદીને તો એવી શંકા પણ છે કે, પાકિસ્તાનના અધિકારીઓ પોતે જ બેગર માફિયા' છે કે જે ભિખારીઓ અને અપરાધીઓનું નેટવર્ક ચલાવે છે. એ લોકો જ સાઉદી અરેબિયા દ્વારા મંજૂર કરાતા હજયાત્રીઓના ક્વોટામાં અડધાથી વધારે ભિખારીઓ, ચોર-લૂંટારા અને ધાડપાડુઓને મોકલી દે છે. આ  ભિખારીઓ, ચોર-લૂંટારા અને ધાડપાડુ સાઉદીમાં કાળાં કરતૂતો કરીને પાછા આવે પછી જે કમાણી થઈ હોય તેમાંથી મોટા ભાગની કમાણી આ અધિકારી જ લઈ લે છે. પાકિસ્તાનમાં લશ્કર, આઈએએસ તથા બીજા વિભાગોના અધિકારીઓની પ્રવૃત્તિઓને જોતાં સાઉદીની આ શંકા અકારણ પણ નથી. પાકિસ્તાનના અધિકારીઓ ગમે તે કરી શકે. 

સાઉદીને એવી પણ શંકા છે કે, બેગર માફિયા હજયાત્રાનો ઉપયોગ બાળકોને સેક્સના ધંધામાં ધકેલવા માટે કરે છે. બેગર માફિયા નાનાં બાળકોને ઉઠાવડાવે છે ને પછી તેમને વિદેશમાં વિકૃત્ત લોકોની હવસ સંતોષવા માટે મોકલાય છે. આ બાળકોને બહાર મોકલવા માટે ભિખારીઓનો ઉપયોગ થાય છે. ભિખારીઓ પોતાની સાથે બાળકોને લઈ જવા તૈયાર હોય છે કે જેથી પરિવાર લાગે અને કોઈને શંકા ના જાગે. આ બાળકો સાઉદી પહોંચે પછી તેમને બીજે રવાના કરી દેવાય છે.  2010 માં એકલા કરાચીમાં 3000 બાળકો ગુમ થયા હતા. આ પૈકી મોટા ભાગનાં બાળકો આ રીતે વિદેશ મોકલી દેવાયાં હતાં. સાઉદીને તો ગળા લગી પાણી આવી ગયું એટલે આકરા થવું પડયું પણ દુનિયાના બીજા પણ ઘણા દેશો પાકિસ્તાની ભિખારીઓથી ત્રસ્ત છે. ઈરાન, ઈરાક સહિતના દેશોમાંથી પાકિસ્તાન સરકાર દ્વારા છેલ્લા અઢી વર્ષમાં 44000  ભિખારીઓને પાકિસ્તાન પરત લાવવામાં આવ્યા છે. 

પાકિસ્તાનમાં ભિખારીઓની સમસ્યા કદી ઉકેલાવાની નથી કેમ કે પાકિસ્તાનમાં આર્થિક વિકાસ જ નથી. 

પાકિસ્તાનમાં એક વર્ગ ધનિકોનો છે જે સતત ધનિક થયા કરે છે જ્યારે બીજો વર્ગ ગરીબોનો છે કે જેના માટે આર્થિક રીતે સધ્ધર થવાની કોઈ તક જ પાકિસ્તાનમાં નથી. આ વર્ગમાંથી મોટા ભાગનાં લોકો ભિખ માગવા તરફ વળી જાય છે ને એક વાર હરામની કમાણીની આદત પડે પછી એ આદત છૂટતી નથી.  એ લોકો ભિખારી જ રહે છે ને હરામની કમાણી ખાધા કરે છે. આ સંજોગોમાં સરકાર ગમે તે કરે કે સાઉદી જેવા દેશો ગમે તેટલા આકરા થાય, પાકિસ્તાન ભિખારીઓનો દેશ જ રહેવાનો છે.

- પાકિસ્તાનના ભિખારીએ દાદીના ચાલીસમા પર બે કરોડનો ધુમાડો કર્યો

પાકિસ્તાનમાં ભિખારીઓની કમાણી સામાન્ય લોકો કરતાં અનેક ગણી વધારે હોવાનું દર્શાવતો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ગુજરાંવાલામાં ભિખારી પરીવારે પોતાનાં દાદીમાના ચાલીસમા પર 20 હજાર લોકોને જમાડયાં હતાં. વીડિયોમાં મોટાં મોટાં તપેલાંમાં બનાવાયેલી ચીજોને જોઈ શકાય છે. રસપ્રદ વાત એ છે કે, દાવતમાં ટેબલ ખુરશીની વ્યવસ્થા કરીને લોકોને તેના પર બેસાડીને જમાડાયાં હતાં. 

ગયા મહિને ગુજરી ગયેલાં દાદીમાના ચાલીસમા પર જમાડવા પાછળ ભિખારી પરિવારે 1.25  કરોડ પાકિસ્તાની રૂપિયા (લગભગ 38 લાખ ભારતીય રૂપિયા)નો ધુમાડો કરી નાંખ્યો હતો. પરિવારે સીરી પાયે, મટન, નાન મટર ગંજ એટલે કે મીઠા ભાત, ચિકન, ફળો ઉપરાંત અનેક મીઠાઈઓની દાવત આપી હતી. આ દાવત માટે 250 બકરાંની કુરબાની અપાઈ હતી. પરિવારે બહારથી પણ મોટી સંખ્યામાં લોકોને બોલાવ્યાં હતાં. દાવત રહવાલી રેલ્વે સ્ટેશન પાસે રખાઈ હતી તેથી બહારથી આવનારાં લોકોને દાવતના સ્થળે લાવવા માટે 2000  તો વાહનો ભાડે  લવાયાં હતાં. બધો  થઈને 2  કરોડ રૂપિયાનો ધુમાડો કરી નંખાયાનું કહેવાય છે. 

પાકિસ્તાનની ટીવી ચેનલે સૌથી  પહેલાં આ દાવતના સમાચાર આપીને વીડિયો બતાવ્યો પછી સોશિયલ મીડિયા પર તેના વીડિયો વાયરલ થયા છે. લોકો આ વીડિયો જોઈને કોમેન્ટ કરી રહ્યા છે કે, પાકિસ્તાનમાં ધનિક અને ગરીબ એમ બે જ વર્ગ છે એવું કહેવાય છે પણ ભિખારીઓની હાલત જોયા પછી લાગે કે, પાકિસ્તાનના ધનિકો કરતાં ગરીબોને વધારે જલસા છે. 

- પાક.ની 23 કરોડની વસતીમાં 3.80 કરોડ ભિખારી, વર્ષની આવક 42  અબજ ડોલર

દુનિયામાં સૌથી વધારે ભિખારી ધરાવતા દેશ પાકિસ્તાનમાં ભીખ માગવી ધીકતો ધંધો છે. પાકિસ્તાનીઓ માત્ર પાકિસ્તાનમાં  જ નહીં પણ વિદેશમાં જઈને પણ ભીખ માગે છે. 

પાકિસ્તાનમાં મસ્જિદો, દરગાહો, મઝારો વગેરેની બહાર તો ભિખારીઓનાં ધાડેધાડીં જોવા મળે જ છે પણ સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, તુર્કી સહિતના મુસ્લિમ દેશોમાં ધાર્મિક યાત્રાના બહાને જઈને પણ પાકિસ્તાનીઓ ભિખ માગે છે. 

પાકિસ્તાનની કુલ 23 કરોડની વસતીમાંથી લગભગ 3.80  કરોડ લોકો ભિખ માગવાના ધંધા સાથે સંકળાયેલાં છે. એશિયન હ્યુમન રાઈટ્સ કમિશન (એએચઆરસી)ના રીપોર્ટ પ્રમાણે, પાકિસ્તાનની કુલ વસતીમાંથી 2.5 ટકાથી 11 ટકા વસતી ભિખારીઓની છે. બિનસત્તાવાર રીતે આ આંકડો 15  ટકાની આસપાસ હોવાનું મનાય છે. આ ભિખારીઓની વાર્ષિક આવક 42 અબજ ડોલર (લગભગ રૂપિયા  3.57 લાખ કરોડ ) હોવાનું કહેવાય છે. 

પાકિસ્તાનના ટોચના અખબાર ડોનમાં છપાયેલા રીપોર્ટ પ્રમાણે, પાકિસ્તાનનો દરેક ભિખારી સરેરાશ રોજના 850 પાકિસ્તાની રૂપિયા કમાય છે એ જોતાં ભિખારીઓની દિવસની આવક જ રોજના 32 અબજ પાકિસ્તાની રૂપિયા છે. ભારતીય રૂપિયામાં ફેરવો તો આ રકમ લગભગ 10  અબજ રૂપિયા થાય. પાકિસ્તાની ભિખારીઓ વાર્ષિક 117  ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાની કમાણી કરે છે. ડોન દ્વારા ટીકા કરાઈ હતી કે, પાકિસ્તાનની વસતીમાંથી આ 3.80  કરોડ લોકો કોઈ પણ કામ નહીં કરનારી નોન-પ્રોડક્ટિવ પ્રજા છે કે જે 42 અબજ ડોલરની જંગી રકમ લઈ જાય છે ને બાકીની વસતી 21 ટકા ફુગાવાની સમસ્યાનો સામનો કરી રહી છે.

આ સમાચાર શેર કરો