રશિયા યુક્રેનના મહત્ત્વપૂર્ણ શહેર પર કબજો કરવાની તૈયારીમાં, ચોતરફથી કરાયો ઘેરાવ

રશિયાએ પૂર્વીય યુક્રેનમાં શનિવારે(8 નવેમ્બર) ચોથા સૌથી મોટા શહેર ડીનિપ્રોમાં વહેલી સવારે લોકો સૂઈ રહ્યા હતા ત્યારે એક ટાવર બ્લોક પર ડ્રોન હુમલો કર્યો હતો, જેમાં ત્રણ લોકોનાં મોત થયા હતા અને 12 લોકોને ઈજા પહોંચી હતી. આ સાથે રશિયાએ 32 બેલેસ્ટિક મિસાઈલ સહિત 45 મિસાઈલ અને 458 ડ્રોનથી યુક્રેનના ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત 25 સ્થળો પર હુમલા કર્યા હતા. બીજીબાજુ પૂર્વીય યુક્રેનમાં રણનીતિકરૂપે મહત્ત્વપૂર્ણ શહેર પોક્રોવસ્ક અને કુપિહાંસ્કમાં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ નિર્ણાયક સ્તરે પહોંચી ગયું છે. યુક્રેને જણાવ્યું હતું કે, રશિયાના ડ્રોન અને મિસાઈલ હુમલામાં ડીનિપ્રોની નવ માળની એક ઈમારતમાં આગ લાગી ગઈ હતી અને અનેક એપાર્ટમેન્ટનો નાશ થઈ ગયો હતો.
રશિયા યુક્રેનનું પોક્રોવસ્ક જીતી લેવાની નજીક
યુક્રેનની સાથે યુદ્ધમાં રશિયાને મોટી સફળતા મળતી દેખાઈ રહી છે. રશિયા ટૂંક સમયમાં જ પૂર્વ યુક્રેનના સૌથી મહત્ત્વપૂર્ણ શહેર પોકરોવ્સ્ક પર કબજો કરી શકે છે. રશિયાના સૈનિકો આ શહેરમાં ઘુસી ચૂક્યા છે અને તેમની યુક્રેની સૈનિકો સાથે અથડામણ તેજ થઈ ગઈ છે. યુક્રેનના એક બટાલિયન કમાન્ડરે એક મીડિયા ચેનલને કહ્યું કે, તેઓ શહેરની ચોતરફથી ઘેરાઈ ચૂક્યા છે. સૂત્રોએ દાવો કર્યો કે, 'પોકરોવસ્ક શહેરનું પતન હવે રશિયાના હાથે નક્કી છે. એક બટાલિયન કમાન્ડરે નામ ન જાહેર કરવાની શરતે કહ્યું કે, સ્થિતિ ગંભીર છે, ચોતરફ યુદ્ધ ચાલી રહ્યું છે, શહેરી વિસ્તારોમાં ફાયરિંગ થઈ રહ્યા છે અને દરેક પ્રકારના હથિયારોથી હુમલા થઈ રહ્યા છે. અમે લગભગ ઘેરાઈ ચૂક્યા છીએ, પરંતુ અમને તેની આદત થઈ ગઈ છે.'
બચાવ કર્મચારીઓને ત્રણ લોકોના મૃતદેહ મળ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્તોમાં બે બાળકોનો સમાવેશ થાય છે. યુક્રેન પર આક્રમણના ચાર વર્ષ પછી પણ રશિયા લગભગ રોજ ડ્રોન અને મિસાઈલથી હુમલા કરી રહ્યું છે. યુક્રેને શનિવારે કહ્યું હતું કે, તેણે રશિયાના 406 ડ્રોન અને નવ મિસાઈલ તોડી પાડ્યા હતા.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ બંધ કરાવવા માટે રશિયા પર ભારે દબાણ કરી રહ્યા છે, ત્યારે શાંતિની વાટાઘાટો માટે પોતાની માગણીઓ સંતોષાય તે માટે રશિયા અને યુક્રેન બંને યુદ્ધ મેદાનમાં તેઓ જીતી શકે છે તેવો દાવો કરવા મથી રહ્યા છે. યુક્રેનમાં હાડ થીજાવતી ઠંડી સાથે શિયાળો શરૂ થઈ ગયો છે ત્યારે રશિયા સતત યુક્રેનના ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરી રહ્યું છે. રશિયાએ પાવર ગ્રીડ તોડી પાડી હોવાથી યુક્રેનવાસીઓએ અનેક વિસ્તારોમાં વીજકાપનો સામનો કરવો પડયો હતો.
હરિયાણાનો યુવાન રશિયા-યુક્રેનના યુદ્ધમાં ફસાયો
બીજી બાજુ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને દાવો કર્યો હતો કે તેમનું સૈન્ય વિજયની નજીક પહોંચી ગયું છે. રશિયન સૈન્ય રણનીતિક રૂપે મહત્વપૂર્ણ પોક્રોવ્સ્ક શહેર પર કબજો કરવાની તૈયારીમાં છે. રશિયન સંરક્ષણ મંત્રાલયનું માનવું છે કે ડોનબાસ ક્ષેત્રના બાકીના ૧૦ ટકા ભાગ પર કબજો કરવા માટે આ શહેર પ્રવેશદ્વાર સમાન છે.
દરમિયાન હરિયાણાના અંબાલાનો રહેવાસી મોહમ્મદ જાવેદ રશિયામાં યુદ્ધમાં ફસાઈ ગયો છે. જાવેદ ઑગસ્ટમાં રશિયા ગયો હતો. ત્યાર પછી એક મહિનાથી પરિવાર સાથે તેનો કોઈ સંપર્ક થયો નથી, જેને પગલે પરિવારમાં ભારે રોકકળ મચી છે.
જાવેદના પરિવારને હવે જાણવા મળ્યું છે કે તેને છેતરપિંડી દ્વારા રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયન સૈન્ય તરફથી લડવા મોકલી દેવાયો છે. જાવેદે રશિયાથી બે વીડિયો જાહેર કરી દાવો કર્યો હતો કે તેના જીવને જોખમ છે. એક એજન્ટે તેને ફસાવીને યુદ્ધમાં ધકેલી દીધો છે.

