અમેરિકામાં હેલોવીનની ઉજવણી બની લોહીયાળ! ડલાસમાં ત્રણ જગ્યાએ ગોળીબારથી 4નાં મોત, અનેક ઘાયલ; ટીનેજર્સ માટે કરફ્યૂ

અમેરિકામાં હેલોવીનની ઊજવણી લોહીયાળ બની હતી. ડલાસમાં ગોળીબારની અલગ અલગ ઘટનાઓમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા અને 15થી વધુ ઘાયલ થયા હતા. બીજી બાજુ હેલોવીન વીકએન્ડમાં ટીનેજર્સ દ્વારા હિંસાની વધતી ઘટનાઓને રોકવા અનેક શહેરોમાં ટીનેજર્સ માટે કરફ્યૂ જાહેર કરાયો હતો. દરમિયાન અમેરિકામાં હેલોવીન વીકએન્ડ પર સમગ્ર દેશમાં હિંસાની અનેક ઘટનાઓ બની હતી.
ચાર લોકોનાં મોત, 15ને પહોંચી ઈજા
ડલાસમાં પોલીસ વડા ડેનિયલ કોમેક્સે જણાવ્યું કે, ગોળીબારની ત્રણ અલગ અલગ ઘટનાઓમાં ચાર લોકોનાં મોત થયા છે અને 15ને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાયા છે. ગોળીબાર શા માટે થયા તે તાત્કાલિક જાણી શકાયું નથી. પોલીસ ડીપ ઈલ્યુમ નેબરહુડની ઘટનાઓમાં કોઈ સંબંધ છે કે નહીં તેની તપાસ કરી રહી છે.
આ ઘટનાઓમાં કેટલાક લોકોની ધરપકડ કરાઈ છે, પરંતુ તેમણે તેની વિગતો આપવાનો ઈનકાર કર્યો હતો. આ સિવાય અલાબામાના બર્મિંગહામમાં લિજન ફિલ્ડ બહાર મેજિક સિટી ક્લાસિક ફૂટબોલ મેચ પછી એક સામૂહિક ગોળીબારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય આઠને ઈજા પહોંચી હતી તેમ પોલીસે જણાવ્યું હતું.
આ શહેરોમાં ટીનેજર્સ માટે કરફ્યૂ જાહેર
દરમિયાન અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી હેલોવીન વીકએન્ડમાં ટીનેજર્સ દ્વારા અચાનક જ મોટાપાયે રસ્તા પર ઉતરીને ઊજવણી કરવાનું તેમજ આ સમયે હિંસા ફાટી નીકળવાનું પ્રમાણ વધી રહ્યું છે. આથી ન્યૂ જર્સીથી લઈને એટલાન્ટા સુધી અનેક શહેરોમાં ટીનેજર્સ માટે કરફ્યૂ જાહેર કરાયો છે. વધુમાં ટીનેજર્સ પર ચાંપતી નજર રાખવા માટે વધારાના પોલીસ જવાનો પણ તૈનાત કરાયા છે. ઈલિનોઈસના ઓક પાર્કમાં પોલીસ વડાએ જણાવ્યું કે, ગયા વર્ષના અનુભવ પરથી આ વખતે હેલોવીન સમયે ટીનેજર્સ દ્વારા હિંસાની ઘટનાઓ ટાળવા માટે વિશેષ પગલાં લેવાયા છે.









