Video: જર્મનીના 34 શહેરોમાં જેન ઝીનું આંદોલન, 1.60 લાખ યુવાનો રસ્તા પર

જર્મનીમાં જેનઝી દ્વારા શિક્ષણ ક્ષેત્રે સુધારા અને વધતી મોંઘવારી સામે મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે. બર્લિન, ફ્રેન્કફર્ટ અને મ્યુનિક સહિત દેશના 34 જેટલા નાના-મોટા શહેરોમાં આશરે 1.60 લાખથી વધુ લોકો આ પ્રદર્શનોમાં જોડાવાની શક્યતા છે. યુવાનોની મુખ્ય માંગણી શિક્ષણ ક્ષેત્રે બજેટ વધારવાની, મોંઘવારીમાંથી રાહત આપવાની અને ફરજિયાત લશ્કરી સેવાનો વિરોધ કરવાની છે. વિરોધ પ્રદર્શન અને હેલોવીનનો તહેવાર એક જ દિવસે હોવાથી જર્મનીમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફ્રાન્સમાં અગાઉ થયેલી હિંસા અને લૂંટફાટ જેવી ઘટનાઓથી જર્મન અધિકારીઓ ચિંતિત છે. આ જ કારણોસર, સાવચેતીના ભાગરૂપે બર્લિનના મુખ્ય શોપિંગ વિસ્તાર ખાતેની ઘણી મોટી દુકાનો અને વ્યાપારી સંકુલોએ પોતાની બારીઓ અને કાચને લાકડાના પાટિયાથી ઢાંકી દીધા છે તેમજ દુકાનો વહેલી બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગ્રાહકોની સલામતી અને મિલકતોના રક્ષણ માટે આ પગલું લેવામાં આવ્યું છે.




