અમેરિકામાં બાળકોના દિવાળી કાર્યક્રમમાં ઘૂસ્યા કટ્ટરપંથીઓ, હિન્દુ વિરોધી નારા લગાવી મચાવ્યો હોબાળો

અમેરિકાના સિએટલ શહેરમાં દિવાળીના ઉત્સવ દરમિયાન હિંદુવિરોધી અને જાતિવાદી પ્રદર્શનની ઘટના સામે આવી છે. કટ્ટરપંથી દક્ષિણપંથી એક્ટિવિસ્ટ જેક લેંગ અને તેના કેટલાક સાથીઓ હિંદુવિરોધી નારા લખેલાં પોસ્ટર લઈને દિવાળીના કાર્યક્રમમાં ઘૂસી ગયા હતા. તેમણે 'તમામ ડોટ હેડ્સને દેશમાંથી કાઢી મૂકો' અને 'ખ્રિસ્તીઓની જગ્યાએ હિંદુઓને લાવવાનું બંધ કરો' જેવા નારા લખેલાં પોસ્ટર બતાવીને શાંતિપૂર્ણ ઉજવણીમાં વિક્ષેપ પાડ્યો હતો. આ ઘટનાની અમેરિકન સાંસદ પ્રમિલા જયપાલે આકરી નિંદા કરી છે.
પ્રમિલા જયપાલે કહ્યું કે દિવાળી એક મહત્ત્વનો તહેવાર છે અને ભારતીય-અમેરિકન સમુદાયને કોઈપણ પ્રકારના ડર કે ધમકી વિના તેની ઉજવણી કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે નફરતભર્યા અને જાતિવાદી પ્રદર્શનને સિએટલ કે અમેરિકામાં કોઈ સ્થાન નથી.
પ્રમિલા જયપાલે સોશિયલ મીડિયા પર શું કહ્યું?
વોશિંગ્ટન રાજ્યના 7મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ચૂંટણી ફરી જીતનાર પ્રમિલા જયપાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટનાના વાયરલ વીડિયો અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું કે આ અત્યંત ખરાબ અને જાતિવાદી પ્રદર્શન હતું. દિવાળી એક મહત્ત્વનો તહેવાર છે અને આપણા સમુદાયના લોકોને તેની ઉજવણી કરતી વખતે સુરક્ષિત હોવાનો અહેસાસ થવો જોઈએ. આ પ્રકારના નફરતભર્યા પ્રદર્શનને આપણા શહેર કે દેશમાં કોઈ સ્થાન નથી.
બાળકોની હાજરીમાં હિંદુવિરોધી નારા લગાવ્યા
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જેક લેંગ અને તેના સાથીઓ હિંદુવિરોધી નારા લખેલાં પોસ્ટર લઈને દિવાળીના કાર્યક્રમમાં પહોંચેલા જોવા મળે છે. તે સમયે કાર્યક્રમમાં બાળકો સાંસ્કૃતિક પ્રસ્તુતિ આપી રહ્યાં હતાં અને પરિવારો સાથે મળીને તહેવારની ઉજવણી કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓનો ત્યાં હાજર લોકોએ વિરોધ કર્યો હતો. કેટલાક લોકોએ તેમની સામે આવીને કાર્યક્રમ સ્થળેથી બહાર જવા કહ્યું હતું. વીડિયોમાં કેટલાક લોકો પ્રદર્શનકારીઓને ધક્કા મારીને દૂર કરતા પણ જોવા મળે છે. જોકે, જેક લેંગે બાદમાં દાવો કર્યો હતો કે કાર્યક્રમમાં હાજર લોકો, ખાસ કરીને એન્ટીફા અને હિંદુઓએ તેમના પર તથા તેમના સાથીઓ પર હુમલો કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે હિંદુઓએ ટેક્સાસને ડેમોક્રેટિક પાર્ટી તરફી રાજ્ય બનાવવામાં મદદ કરી છે. લેંગે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે સિએટલ દિવાળી ફેસ્ટિવલમાં ડઝનબંધ એન્ટીફા અને હિંદુઓએ તેમના પર હુમલો કર્યો હતો. કાર્યક્રમની બહાર બોલતાં લેંગે પોતાના પ્રદર્શનનો બચાવ કર્યો હતો. તેણે કહ્યું કે તેઓ અમેરિકાના બંધારણના પ્રથમ સુધારા હેઠળ મળેલા અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા હતા. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે કેટલાક ભારતીયો અને ઉદારમતવાદી લોકોએ તેમના પર હુમલો કર્યો હતો અને તેમનો ઝંડો તોડી નાખ્યો હતો.
ભારતીય-અમેરિકન સમુદાયે ઘટનાની નિંદા કરી
ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ અજય જૈન ભુટોરિયાએ પણ આ ઘટનાની આકરી નિંદા કરી હતી. તેમણે તેને નફરત અને કટ્ટરતાનું કૃત્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે હિંદુઓ અને ભારતીય ઇમિગ્રન્ટ્સને નિશાન બનાવતી જાતિવાદી ગાળો અને કાવતરાં આધારિત વાતો માટે અમેરિકામાં કોઈ સ્થાન નથી. તેમણે લખ્યું હતું કે જેક લેંગ અને થોમસ એલને સિએટલમાં શાંતિપૂર્ણ દિવાળી ઉજવણીમાં ઘૂસીને 'તમામ ડોટ હેડ્સને દેશમાંથી કાઢો' અને 'ખ્રિસ્તીઓની જગ્યાએ હિંદુઓને લાવવાનું બંધ કરો' જેવા નારા લગાવ્યા હતા. દિવાળી પ્રકાશ, પરિવાર અને ખુશીનો તહેવાર છે, ધમકી આપવાનો નહીં.
હિંદુ સંગઠને સમુદાયને સાવચેત રહેવા અપીલ કરી
કોલિશન ઓફ હિંદુઝ ઓફ નોર્થ અમેરિકા (CoHNA)એ પણ આ ઘટના અંગે કોમ્યુનિટી એલર્ટ જાહેર કર્યું હતું. સંગઠને સિએટલ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને દિવાળીની ઉજવણી દરમિયાન સાવચેત રહેવાની અપીલ કરી હતી. CoHNAએ આ ઘટનાને 'હિંદુફોબિક કટ્ટરતા'નું ઉદાહરણ ગણાવ્યું હતું. સંગઠનના જણાવ્યા અનુસાર, જેક લેંગ અને થોમસ એલને એવા સમયે હિંદુ દિવાળી કાર્યક્રમમાં વિક્ષેપ પાડ્યો હતો, જ્યારે બાળકો કાર્યક્રમમાં પ્રસ્તુતિ આપી રહ્યાં હતાં. સંગઠને ચેતવણી આપી હતી કે આ એક્ટિવિસ્ટોએ અન્ય દિવાળી કાર્યક્રમોમાં પણ વિક્ષેપ પાડવાની યોજના જાહેર કરી છે. આથી સમુદાયના લોકોએ સતર્ક રહેવું જોઈએ.
કોણ છે જેક લેંગ?
જેક લેંગ 'વ્હાઇટ રિપ્લેસમેન્ટ' નામના સંગઠન સાથે જોડાયેલો છે. તે 6 જાન્યુઆરી, 2021ના રોજ અમેરિકન કેપિટલ પર થયેલા હુમલામાં સામેલ લોકોમાંનો એક હતો. આ કેસમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેણે લગભગ ચાર વર્ષ જેલમાં વિતાવ્યાં હતાં. જાન્યુઆરી 2025માં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળના પ્રથમ દિવસે લેંગ સહિત આ કેસના અન્ય ઘણા લોકોને માફી આપી હતી.











