યુક્રેનમાં રશિયાની ઘાતકી એરસ્ટ્રાઇક: રાહત સામગ્રી લેવા એકઠા થયેલા નાગરિકો પર બે વાર બોમ્બમારો, 40ના મોત

યુક્રેનમાં રશિયાની ઘાતકી એરસ્ટ્રાઇક: રાહત સામગ્રી લેવા એકઠા થયેલા નાગરિકો પર બે વાર બોમ્બમારો, 40ના મોત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં વધુ એક માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. યુક્રેનના જાપોરિજ્જિયા વિસ્તારમાં આવેલા કમિશુવાખા ગામમાં સોમવાર (2 નવેમ્બર) ના રોજ રશિયન વાયુસેનાએ એક બંધ સ્કૂલની ઈમારતને નિશાન બનાવીને ભયાનક એરસ્ટ્રાઇક કરી હતી. આ હુમલામાં 40 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ લાપતા છે. રશિયા દ્વારા ચાલુ વર્ષે સામાન્ય નાગરિકો પર કરવામાં આવેલા સૌથી ભયાનક અને ઘાતકી હુમલાઓ પૈકીનો આ એક હુમલો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રાહત સામગ્રી લેવા એકઠા થયેલા નાગરિકો પર બે વાર બોમ્બમારો

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ હુમલા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ શાળા યુદ્ધ ક્ષેત્રની ખૂબ જ નજીક હોવાથી લાંબા સમયથી બંધ હતી. જોકે, દર સોમવારે સ્થાનિક જરૂરિયાતમંદ નાગરિકોને અહીં રાહત સામગ્રી વહેંચવામાં આવતી હતી અને લોકો તેનો શરણાર્થી સ્થળ તરીકે પણ ઉપયોગ કરતા હતા. જે સમયે નાગરિકો રાહત સામગ્રી લેવા પહોંચ્યા હતા, ત્યારે જ રશિયન લશ્કરે તેના પર હવાઈ બોમ્બ ફેંક્યા હતા. પ્રાથમિક હુમલા બાદ જ્યારે બચાવ કામગીરી શરૂ થઈ ત્યારે રશિયાએ ફરીથી તે જ સ્થળે બીજો બોમ્બમારો કર્યો હતો.

જાહેરાત

બચાવ ટુકડીના 2 સભ્યો અને 4 પોલીસકર્મીઓના પણ મોત

યુક્રેનની ઇમરજન્સી સેવાઓના જણાવ્યા અનુસાર, મૃતકોમાં બચાવ ટુકડીના 2 સભ્યો અને 4 પોલીસકર્મીઓ પણ સામેલ છે. હુમલાના બે દિવસ બાદ પણ ઘટનાસ્થળેથી ભારે મશીનરી વડે મલબો હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. સૈનિકો અને રાહતકર્મીઓ હજુ પણ કાટમાળ નીચે કોઈ જીવિત મળી આવે તેવી આશા સાથે સતત શોધખોળ કરી રહ્યા છે. બચાવ કામગીરી દરમિયાન સૈનિકો આકાશમાં રશિયન ડ્રોન પર પણ નજર રાખી રહ્યા છે.

રશિયાનો દાવો vs યુક્રેનનો આક્ષેપ

આ હુમલા અંગે સફાઈ આપતા રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેમની સેનાએ કમિશુવાખા અને આસપાસના વિસ્તારોમાં સ્થિત યુક્રેની સૈન્ય ઠેકાણાઓ પર જ ટાર્ગેટ એટેક કર્યો હતો, જેમાં યુક્રેનના 25 સૈનિકો માર્યા ગયા છે. સામે પક્ષે યુક્રેને આક્ષેપ કર્યો છે કે રશિયાએ જાણીજોઈને નિર્દોષ સામાન્ય નાગરિકો અને રાહત સેન્ટરને નિશાન બનાવ્યું છે.

ઇઝરાયલે વ્યક્ત કર્યો ભારે શોક, હુમલાની કરી નિંદા

આ અમાનવીય ઘટના અંગે ઇઝરાયલના વિદેશ મંત્રાલયે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન જાહેર કરીને ઇઝરાયલે કમિશુવાખામાં 40 લોકોના મોત પર આકરા શબ્દોમાં હુમલાની નિંદા કરી છે. સાથે જ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરીને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત