પુતિનના જન્મ દિવસે યુક્રેનમાં ભયાનક મિસાઇલ હુમલા, 22નાં લોકોના મોત

યુક્રેને ૯૦૦થી વધુ ડ્રોનનો મારો ચલાવ્યા બાદ હવે રશિયાએ યુક્રેન પર તાજેતરનો સૌથી મોટો મિસાઇલ હુમલો કર્યો છે. રશિયાએ યુક્રેનના અનેક રહેણાંક વિસ્તારોમાં રાતભર હુમલા કર્યા હતા, જેમાં યુક્રેનના ૨૨થી વધુ નાગરિકોના મોત નિપજ્યા હતા. માર્યા ગયેલા લોકોમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે ૬૦થી વધુ નાગરિકો ઘાયલ થયા છે જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે. ૨૩ ભારતીયો સાથે જઇ રહેલા રશિયન ટેન્કર પર યુક્રેને પણ વળતો હુમલો કર્યો હતો.
રશિયાએ યુક્રેન પર કબજો કરવાના ઇરાદાથી સાડા ચાર વર્ષ પહેલા શરૂ કરેલુ યુદ્ધ હાલ પણ યથાવત છે, યુક્રેન અને રશિયા બન્ને એકબીજા પર લાંબા અંતરવાળી મિસાઇલો અને ડ્રોનથી હુમલા કરી રહ્યા છે. યુક્રેનના ઉત્તરીય પ્રાંત કેરનીહીવમાં પ્રીલુકી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટ પર રશિયાએ હુમલો કર્યો હતો જેને કારણે આખી ઇમારત નાશ પામી હતી. આ હુમલામાં જ સૌથી વધુ નાગરિકો માર્યા ગયા હતા. યુક્રેનની રાજધાની કીવ સહિત અન્ય ત્રણ શહેરો સહિત કુલ ૧૨ જેટલા ક્ષેત્રોને નિશાન બનાવીને પણ હુમલા કરાયા હતા.
ઇરાનમાં યુદ્ધને કારણે હાલ યુક્રેન પાસે રશિયા જેવી મિસાઇલો નથી પહોંચી રહી, હાલ આ મિસાઇલોની અછત હોવાના અહેવાલો છે. યુક્રેનના વડાપ્રધાન ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયાની મિસાઇલો અમારા માટે હાલ સૌથી મોટો પડકાર બની ગઇ છે. અમારા માટે હાલ એર ડિફેન્સ પેકેજ બહુ જ જરૂરી છે. ઝેલેન્સ્કીએ અન્ય દેશો પાસેથી એર ડિફેન્સ સિસ્ટમ મુદ્દે મદદ માગી હતી. ૭મી ઓક્ટોબરે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિનનો ૭૫મો જન્મ દિવસ હોવાથી યુક્રેન પર આ મિસાઇલો છોડવામાં આવી હોવાના પણ અહેવાલો છે.
યુક્રેનને પહેલાથી જ અંદાજ હતો કે પુતિનના જન્મ દિવસ પર રશિયા જરૂર મોટા હુમલા કરશે
બીજી તરફ યુક્રેન દ્વારા પણ રશિયા પર બાદમાં વળતો હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેનના વડાપ્રધાન ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે યુક્રેને રશિયાના અસ્ત્રખન, સમરા, પેરમ વિસ્તારમાં બે ઓઇલ મથક પર હુમલા કર્યા હતા. સાથે જ રશિયન શહેર સોચી પાસે બ્લેક સમુદ્રમાં રશિયન ઓઇલ ટેન્કરનો અમે નાશ કર્યો હતો. જેના પુરાવા તરીકે ઝેલેન્સ્કીએ સળગતા ટેન્કરની તસવીરો પણ જાહેર કરી હતી. જોકે ઝેલેન્સ્કીના આ દાવા અંગે રશિયા દ્વારા કોઇ જ ટિપ્પણી કરવામાં આવી નહોતી. એવા અહેવાલો છે કે યુક્રેને રશિયાના જે ઓઇલ ટેન્કર પર હુમલો કર્યો હતો તે લાયબેરિયાથી રશિયા જઇ રહ્યું હતું, જેમાં આશરે ૨૩ જેટલા ભારતીય ક્રૂ સવાર હતા. આ તમામ લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા હોવાનો દાવો કરાઇ રહ્યો છે.

