Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : China's tone changed after Putin's statement; said- 'India and China are not competitors, but allies

પુતિનના નિવેદન બાદ ચીનના સૂર બદલાયા; કહ્યું- 'ભારત અને ચીન પ્રતિસ્પર્ધી નહીં, સહયોગી છે'

Timeછેલ્લું અપડેટ : 08 Jun 2026
લાઇવ ટીવીGoogle News
પુતિનના નિવેદન બાદ ચીનના સૂર બદલાયા; કહ્યું- 'ભારત અને ચીન પ્રતિસ્પર્ધી નહીં, સહયોગી છે'
સોર્સ : GSTV

ભારત અને ચીનના સંબંધોને લઈને બેઇજિંગ (ચીન) તરફથી એક મોટું અને હકારાત્મક નિવેદન સામે આવ્યું છે. ચીને જણાવ્યું છે કે, 'બંને દેશોએ એકબીજાને પ્રતિદ્વંદ્વી (હરીફ) તરીકે જોવાને બદલે સહયોગી ભાગીદાર તરીકે જોવા જોઈએ'. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તાજેતરની ટિપ્પણી બાદ આવેલું ચીનનું આ નિવેદન એશિયાઈ ભૌગોલિક-રાજકીય ક્ષેત્રે નવા સંકેતો આપી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલય તરફથી સોમવારે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. ચીન તરફથી કહેવામાં આવ્યું છે કે, બંને દેશોએ યોગ્ય વ્યૂહાત્મક વિચારસરણી પર કાયમ રહેવું જોઈએ. બેઇજિંગે સ્પષ્ટ કર્યું કે, 'ભારત અને ચીન એકબીજાના પ્રતિદ્વંદ્વી કે વિરોધી તાકાતો નથી, પરંતુ સહયોગી ભાગીદારો છે, અને એકબીજાના વિકાસ માટે અવસર સમાન છે, કોઈ ખતરો નથી.'

App Store

પુતિનની ટિપ્પણી બાદ આવ્યું ચીનનું નિવેદન

ચીનની આ પ્રતિક્રિયા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના તાજેતરના નિવેદન બાદ આવી છે. પુતિને ભારત અને ચીન સાથે રશિયાના મજબૂત સંબંધોનો ઉલ્લેખ કરીને બંને દેશો વચ્ચેના સંવાદ અને સહયોગની પ્રશંસા કરી હતી. આ ટિપ્પણી અંગે જ્યારે બેઇજિંગમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાન (Lin Jian)ને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે આ પ્રતિક્રિયા આપી હતી.

લિન જિયાને ભારત અને ચીનને 'સહયોગી ભાગીદાર' ગણાવતા સંબંધોને લાંબાગાળાના અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી આગળ વધારવાની વકીલાત કરી છે. તેમણે જણાવ્યું કે, 'વર્તમાન સમયમાં ભારત-ચીન સરહદ પર સ્થિતિ સામાન્ય રીતે સ્થિર છે, અને બંને દેશો વચ્ચે વાતચીતના માધ્યમો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો વચ્ચેના સ્થિર અને હકારાત્મક સંબંધો માત્ર બંને દેશો માટે જ નહીં પરંતુ સમગ્ર એશિયા ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.'

પરસ્પર વિશ્વાસ અને ત્રિપક્ષીય સહયોગ પર ભાર

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, 'બંને પક્ષોએ પોતાના સંબંધોને વ્યૂહાત્મક ઊંચાઈ અને દીર્ઘકાલીન દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે. પરસ્પર વિશ્વાસ મજબૂત કરવો, સહયોગનો વિસ્તાર કરવો અને મતભેદોને યોગ્ય રીતે ઉકેલવા એ સમયની માંગ છે. આવું કરવાથી જ ચીન અને ભારત પોતાના સંબંધોના તંદુરસ્ત અને સ્થિર વિકાસને આગળ વધારી શકે છે.'

ભારત દ્વારા અવારનવાર પાકિસ્તાન અને ચીનની નજીકની ભાગીદારી અંગે વ્યક્ત કરવામાં આવતી ચિંતાઓ પર પણ બેઇજિંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, 'ચીન ભારત અને પાકિસ્તાન બંને સાથે સંવાદ જાળવી રાખવાનો પક્ષકાર છે અને બંને દેશો વાતચીત તેમજ પરામર્શ દ્વારા પોતાના મતભેદોનો ઉકેલ લાવે તે માટે પ્રોત્સાહિત કરે છે.'

ભારત, ચીન અને રશિયાના ત્રિકોણીય સંબંધો (RIC) પર પણ ચીને હકારાત્મક સંકેતો આપ્યા છે. તેમણે કહ્યું કે, 'ત્રણેય દેશો ઉભરતી અર્થવ્યવસ્થાઓ છે, અને તેમની વચ્ચેના સારા સંબંધો માત્ર તેમના પોતાના રાષ્ટ્રીય હિતો માટે જ નહીં, પરંતુ વૈશ્વિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે પણ ફાયદાકારક છે. ચીન, રશિયા અને ભારત સાથે સંવાદ જાળવી રાખવા અને ત્રિપક્ષીય સહયોગને આગળ વધારવા હંમેશાં તૈયાર છે.'

પુતિને પીએમ મોદી અને શી જિનપિંગના કર્યા હતા વખાણ

અત્રે નોંધનીય છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારત અને ચીનના સંબંધોને અત્યંત સંવેદનશીલ અને બહુઆયામી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'ભારત અને ચીન વચ્ચેના સંબંધો ખૂબ જ નાજુક અને અનેક સ્તરોવાળા છે, જેમાં કોઈ બાહ્ય પક્ષ (ત્રીજા દેશ)નો હસ્તક્ષેપ યોગ્ય ગણાશે નહીં.' રશિયન રાષ્ટ્રપતિએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની પ્રશંસા કરતા કહ્યું હતું કે, 'બંને નેતાઓ પરસ્પર હિતો સાથે જોડાયેલા તમામ મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં સરહદ વિવાદ જેવા સંવેદનશીલ વિષયો પણ સામેલ છે.'