પશ્ચિમ એશિયાનો સંઘર્ષ વૈશ્વિક અર્થતંત્ર માટે ખતરાની ઘંટડી; ભારતે તમામ પક્ષોને યુદ્ધ રોકવા કરી અપીલ

West Asia Tension: પશ્ચિમ એશિયા અને ખાડી ક્ષેત્રમાં તણાવ વધ્યા બાદ ભારતે સોમવારે ફરી એકવાર સંઘર્ષને તાત્કાલિક ઓછો કરવા અને વિસ્તારમાં શાંતિ તેમજ સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે વાતચીત દ્વારા ઉકેલ લાવવા આગ્રહ કર્યો છે.
આ ઘટનાક્રમ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ભારે ચિંતાનો વિષય
વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ સંઘર્ષ જે 100 દિવસથી પણ વધુ સમયથી ચાલી રહ્યો છે, તેના કારણે અત્યંત મુશ્કેલીઓ ઊભી થઈ છે અને વૈશ્વિક અર્થતંત્ર પર પણ તેની અસર પડી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે, પશ્ચિમ એશિયામાં ફરી શરૂ થયેલા હુમલાઓ અંગે ભારતને ઊંડો અફસોસ છે. આ ઘટનાક્રમ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ભારે ચિંતાનો વિષય છે. આ સંઘર્ષ હવે 100 દિવસથી વધુ સમયથી ચાલી રહ્યો છે અને તેના કારણે અગાઉ જ મોટા પાયે માનવીય પીડા થઈ છે. આ ઉપરાંત, તેણે વૈશ્વિક અર્થતંત્ર અને ઊર્જા પુરવઠા પર પણ માઠી અસર પહોંચાડી છે.
વાતચીત દ્વારા ઉકેલ લાવો: ભારત
શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે નવી દિલ્હીની આ અપીલ છેલ્લા 24 કલાકમાં સૈન્ય તણાવ વધવાની વચ્ચે આવી છે, જેમાં અનેક શહેરોમાં સૈન્ય અથડામણ, વ્યૂહાત્મક ઠેકાણાઓ પર હવાઈ હુમલા અને સમગ્ર વિસ્તારમાં ભારે ગોળીબાર જોવા મળ્યો છે.
મોટા પાયે યુદ્ધનું જોખમ વધ્યું
પશ્ચિમ એશિયામાં તણાવમાં થયેલા ભારે વધારા વચ્ચે ઈઝરાયલ અને ઈરાને સોમવારે એકબીજા પર હુમલા કર્યા છે, જેના કારણે પહેલેથી જ નબળી પડેલી યુદ્ધવિરામની સ્થિતિ ગંભીર જોખમમાં મુકાઈ ગઈ છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં મોટા પાયે યુદ્ધ શરૂ થવાનો ખતરો ઊભો થયો છે.

