ફિલિપાઈન્સમાં 7.8ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ: 19ના મોત, 200થી વધુ ઘાયલ; સુનામીના મોજા ઉછળ્યા

દક્ષિણ ફિલિપાઈન્સમાં સોમવારે દરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. રિક્ટર સ્કેલ પર 7.8ની તીવ્રતા ધરાવતા આ પ્રચંડ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે અને 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ભૂકંપના તીવ્ર આંચકા બાદ દરિયામાં એક મીટર કરતાં પણ ઊંચા સુનામીના મોજા ઉછળ્યા હતા, જેના લીધે દરિયાકાંઠાના વિસ્તારો પ્રભાવિત થયા છે. આ વિસ્તારોમાં પણ મોટું નુકસાન જોવા મળ્યું છે.
જનરલ સાન્તોસ શહેરમાં સૌથી વધુ તબાહી
આ કુદરતી આપત્તિની સૌથી વધુ અસર 'જનરલ સાન્તોસ' શહેરમાં જોવા મળી છે. અંદાજે 7 લાખની વસ્તી ધરાવતા અને ટ્યૂના માછલીના નિકાસ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. અહીં અનેક ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે અને પાયાની સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક સત્તાધીશોના જણાવ્યા અનુસાર, માત્ર જનરલ સાન્તોસ શહેરમાં જ 7 લોકોના મોત થયા છે અને 130થી વધુ લોકો ઘાયલ થયા છે. અહીં એક મહત્વપૂર્ણ કનેક્ટિંગ બ્રિજ (પુલ) સહિત અનેક સરકારી માળખાઓમાં જોખમી તિરાડો પડી ગઈ છે.
જાપાન અને ઇન્ડોનેશિયા સુધી સુનામીની અસર
ફિલિપાઈન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજીના ડાયરેક્ટર ટેરેસિટો બાકોલકોલે જણાવ્યું કે, "આ એક અત્યંત મોટો ભૂકંપ હતો અને અમે મોટા પાયે નુકસાનની આશંકા સેવી રહ્યા હતા. ભૂકંપ બાદ દરિયાકાંઠાના એક ગામમાં સુનામીના કારણે ભારે તબાહીના અહેવાલ છે. આ સિવાય સુનામીના નાના મોજા છેક ઇન્ડોનેશિયા, પલાઉ અને દક્ષિણ જાપાનના દરિયાકાંઠા સુધી જોવા મળ્યા હતા.
ક્યાં હતું ભૂકંપનું કેન્દ્રબિંદુ?
ચાલુ વર્ષમાં ફિલિપાઈન્સમાં આવેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે. તેનું કેન્દ્રબિંદુ મિન્ડાનાઓ ટાપુ નજીક દરિયામાં, સારાંગાની પ્રાંતના માસિમ નગરથી આશરે ૩૨ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં પૃથ્વીની સપાટીથી ૩૩ કિલોમીટરની ઊંડાઈએ હતું.
કાટમાળ નીચે દબાયા લોકો, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
દક્ષિણ કોટાબેટો, દાવો ઓક્સિડેન્ટલ અને બાલૂત ટાપુ પર પણ અન્ય મોતો નોંધાઈ છે, જે મુખ્યત્વે ઈમારતોના કાટમાળ પડવા, એક મસ્જિદને નુકસાન થવા અને ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) થવાના કારણે થઈ છે.
જનરલ સાન્તોસ શહેરમાં એક બે માળની સ્કૂલ ધરાશાયી થતાં તેમાં કેટલાક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા છે, જે અંગે સત્તાવાળાઓ તપાસ કરી રહ્યા છે. નેશનલ પોલીસે શહેરમાંથી ઓછામાં ઓછા ૭ લોકો ગુમ હોવાની પુષ્ટિ કરી છે. હાલમાં ફાયર બ્યુરો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ક્ષતિગ્રસ્ત ઇમારતો અને વેરહાઉસમાં મોટા પાયે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.

