ભૂખ્યા રહો તો ઈસુ મળશે: કેન્યામાં અંધશ્રદ્ધાના નામે 190 નિર્દોષ બાળકોના જીવ લેનાર પાદરીને કોર્ટે ફટકારી 200 વર્ષની સજા

કેન્યામાં ધર્મ અને સંપ્રદાયના નામે આચરવામાં આવેલા એક કરૂણ અને ચોંકાવનારા કિસ્સામાં કોર્ટે કડક કાર્યવાહી કરી છે. ઈસુ સાથે મુલાકાત કરાવવાના બહાને 190થી વધુ નિર્દોષ બાળકો સહિતના લોકોના ભોગ લેનાર એક પાદરીને અદાલતે 200 વર્ષની કેદની સજા ફટકારી છે.
પાદરીનું પાખંડ અને ભયાનક અંધશ્રદ્ધા
પૂર્વ આફ્રિકાના દેશ કેન્યામાં ગૂડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચના સ્થાપક પાદરી પૌલ મેકેન્ઝી અને તેના 25 સાથીદારોએ એવો ભ્રમ ફેલાવ્યો હતો કે ઓગસ્ટ 2023 પહેલા વિશ્વનો અંત આવી જશે અને સ્વર્ગમાં જવું હોય તો ઉપવાસ કરવા પડશે. પાદરીએ લોકોને એવું કહીને ભોળવ્યા હતા કે જો તેઓ ભૂખ્યા રહીને ઉપવાસ કરશે તો તેમને ભગવાન ઈસુ ખ્રિસ્તના દર્શન અને મુલાકાત થશે.
બાળકો અને નિર્દોષોને બનાવ્યા શિકાર
આ પાખંડના ભાગરૂપે સૌથી પહેલા બાળકો પાસે લાંબા ઉપવાસ કરાવવામાં આવ્યા અને તેમને મૃત્યુ સુધી ભૂખ્યા રાખવામાં આવ્યા. બાળકોના મૃત્યુ બાદ યુવાનો અને મહિલાઓને પણ આ જ રીતે મોતના મુખમાં ધકેલી દેવામાં આવ્યા. આ કરૂણ ઘટનામાં ભોગ બનનાર 161 પીડિતોની ઉંમર આશરે 9 વર્ષની હતી, જ્યારે 22 બાળકોની ઉંમર 10થી 13 વર્ષ અને પાંચની ઉંમર 14થી 16 વર્ષની વચ્ચે હતી. અનેક બાળકો હજુ પણ ગુમ હોવાના અહેવાલો સામે આવ્યા છે.
કોર્ટનો ઐતિહાસિક ચુકાદો અને સજા
કેન્યાના મોમબાસાની હાઈકોર્ટના મહિલા જજ ડાયના કાવેદઝાએ આ કેસમાં કડક વલણ અપનાવતા નોંધ્યું હતું કે મૃત્યુ પછી ઈસુ ખ્રિસ્ત સાથે મુલાકાત થાય છે તેવો ભ્રમ વધુ ન ફેલાય તે માટે દોષિત પાદરીને ફાંસીને બદલે આજીવન કેદ સમાન આકરી સજા આપવી યોગ્ય છે. કોર્ટે પાદરી પૌલ અને તેના સાથીદારોને હત્યા અને માનવવધ સહિતના ગંભીર ગુનાઓમાં દોષિત ઠેરવીને 200 વર્ષની લાંબી જેલની સજા ફટકારી છે.





