મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

બેલ્જિયમ, ઈટાલી અને પોર્ટુગલથી લઈ આર્જેન્ટિના સહિતના દેશોમાં વિરોધ પ્રદર્શન

બેલ્જિયમ, ઈટાલી અને પોર્ટુગલથી લઈ આર્જેન્ટિના સહિતના દેશોમાં વિરોધ પ્રદર્શન
આ સમાચાર સાંભળો

ફ્રાંસ પછી બેલ્જિયમથી શરૂ કરી આર્જેન્ટીના અને આલ્બેનિયા, ઈટાલી પોર્તુગલ અને યુએસમાં પણ મોંઘવારી, બેકારી, ફુગાવો, વધતો જતો શિક્ષણ ખર્ચ અને વધતાં જતાં ઘરભાડાં સહિત અનેકવિધ પ્રશ્ને વિશ્વના કેટલાયે દેશોમાં જનઆક્રોશ ભભૂકી ઉઠયો છે. સરકારની નીતિઓ સામે જનતા પણ રણે ચઢી છે. એક તરફ આભ ઊંચો ફુગાવો જતાં લોકોની ખરીદ શક્તિ તૂટી ગઈ છે, તો બીજી તરફ સરકારો દ્વારા અપાતી સવલતો - પબ્લિક સર્વિસીઝમાં પણ કાપ મુકાતો જાય છે.ટ


વિશ્વભરમાં વધતા જતાં ઇંધણના ભાવ, જીવન જરૂરિયાતની ચીજોના વધતા ભાવ (કોસ્ટ ઓફ લિવિંગ) ભારે બોજારૂપ બની રહ્યા છે. ફ્રાંસની સાથે હવે તેના પાડોશી બેલ્જિયમમાં પણ વિદ્યાર્થીઓ શિક્ષણ ખર્ચમાં સરકાર દ્વારા કરાતા ઘટાડા સામે અને મોંઘા બની રહેલાં ઘરભાડાં સામે જનઆક્રોશ ભભૂકી ઉઠયો છે. વાસ્તવમાં જનતા હવે હતાશ થઈ ગઈ છે, બુ્રસેલ્સ અને લીજમાં પણ વ્યાપક રમખાણો થતાં પોલીસને વોટર કેનનનો ઉપયોગ કરવો પડયો હતો. બેલ્જિયમના આંતરિક બાબતોના મંત્રીએ એવો પાંગળો બચાવ કર્યો હતો કે આ સમાજને અસ્થિર કરવાનું એક સુવ્યવસ્થિત કાવતરૂં છે.


પોર્ટુગલમાં હજારો લોકો ઓછા વેતન, રહેણાંક મકાનોની અછત, મિલ્કતોના વધતા ભાવ અને ભાડાં સામે લિસ્બનમાં હજારો લોકો સડક પર ઉતરી આવ્યા હતા. તેમાં ખાસ કરીને ઓછી આવકવાળા કુટુમ્બોના યુવાનો હતા.ઈટાલી અને આલ્બેનિયામાં પણ વિરોધ વંટોળ શરૂ થઈ ગયો છે. મિલાનમાં (ઈટાલી) દેખાવકારો પોલીસ સાથે અથડામણમાં આવી ગયા હતા. તેઓ ઠેરનાં ઠેર રહેલાં વેતન, ફુગાવો, જીવન જરૂરિયાતની દરેક ચીજોના વધતા જતાં ભાવ સામે વિરોધ દર્શાવી રહ્યા હતા.


આલ્બેનિયામાં યુનિવર્સિટીઓની ખરાબ હાલત, મોંઘું બની રહેલા શિક્ષણ તથા સરકાર દ્વારા અપાતા અપૂરતા ટેકા તથા રોજગારીની ઘટી રહેલી તકો - ગ્રેજ્યુએટ થયા પછી પણ નોકરી નહીં મળવાથી ત્રસ્ત યુવાનો તોફાને ચઢ્યા છે. રાજધાની બરાનામાં ૧૩ ઓક્ટોબરે વિદ્યાર્થીઓએ શિક્ષણ મંત્રાલય સામે યોજેલા દેખાવો હિંસક બન્યા હતા. વિદ્યાર્થીઓએ શિક્ષણ મંત્રાલયનાં મકાન ઉપર પથ્થરો અને ઈંટોનો મારો ચલાવ્યો હતો. તેઓનો સૌથી વધુ આક્રોશ બેકારી અને અસમાનતા સામે હતો.આર્જેન્ટીનાનાં બ્યુનોસ-એરિસમાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્ટાફ તથા અક્ટિવિસ્ટે રેલીઓ યોજવી શરૂ કરી દીધી છે. તેઓ પ્રમુખ જેવીયર મીલીએ યુનિવર્સિટી માટેનાં ભંડોળોમાં મુકેલા કાપનો વિરોધ કરી રહ્યાં છે. તુર્કીના પાટનગર અંકારામાં પેન્શનરો અને લેબર ગુ્રપ ફૂગાવા તથા અપૂરતાં પેન્શન સામે કોન્સ્ટીટયુશનલ કોર્ટ સમક્ષ દેખાવો યોજ્યા હતા. ૬૦ વર્ષના એક નિવૃત્ત પોલિસ અધિકારી અલિ સેકેરોગ્લુએ પોતાની આર્થિક મુશ્કેલીઓ વર્ણવતાં પોતાની સર્વિસ પિસ્તોલ કાઢી તેના સાથે ઉભેલા તેના બંને બેકાર પુત્રોને ગોળી મારી પોતાને પણ ગોળી મારી દીધી હતી.

 

આ સમાચાર શેર કરો