ઈટાલીના PM મેલોનીએ પાકિસ્તાનને કેમ કહ્યું Thank you? આ મામલે આપ્યું મોટું નિવેદન

સોર્સ : GSTV
Giorgia Meloni Praised America-Iran Deal: અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી ડીલમાં પાકિસ્તાન અને કતારે મધ્યસ્થતા કરી છે. ઇસ્લામાબાદ શરૂઆતથી જ આમાં વચેટિયાની ભૂમિકા ભજવતું આવ્યું છે. હવે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આ શાંતિ કરાર બદલ પાકિસ્તાનનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, 'હું તમામ મધ્યસ્થોનો આભાર વ્યક્ત કરું છું.' તમને જણાવી દઈએ કે, મેલોની ઉપરાંત ફ્રાન્સ, જર્મની અને બ્રિટનના નેતાઓએ પણ પાકિસ્તાન અને કતારનો આભાર માન્યો છે.
ઈટાલીના PM મેલોનીએ પાકિસ્તાનનો આભાર માન્યો
જ્યોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, અમે ફ્રાન્સ, જર્મની અને યુનાઇટેડ કિંગડમ સાથે મળીને તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારનું સ્વાગત કર્યું છે. અમે આ કરારને સફળ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર તમામ મધ્યસ્થોનો દિલથી આભાર માનીએ છીએ છે, ખાસ કરીને કતાર અને પાકિસ્તાનનો જેમના કારણે આ કરાર શક્ય બન્યો છે.
યુરોપિયન નેતાઓનું નિવેદન
યુરોપિયન નેતાઓએ સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું કે, 'અમે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી એમઓયુ(MOU)ની જાહેરાતનું દિલથી સ્વાગત કરીએ છીએ અને અમે આ ડિપ્લોમેટિક સફળતા પર અમેરિકા અને ઈરાનની સરકાર સહિત આમાં સામેલ તમામ લોકોને અભિનંદન પાઠવીએ છીએ, જેમાં પાકિસ્તાન, કતાર અને અન્ય તમામ મધ્યસ્થો પણ સામેલ છે.' નેતાઓએ હવે એ વાત પર વિશેષ ભાર મૂક્યો છે કે, 'એ ખૂબ જ જરૂરી છે કે વિસ્તૃત વાતચીત પૂર્ણ થાય અને આ કરાર ઝડપથી તેમજ સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવે. અમે આ પ્રયાસમાં મદદ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.'

