કેનેડા સંસદે 1984 ના શીખ રમખાણોને નરસંહાર ગણાવતો પ્રસ્તાવ ફગાવ્યો, ખાલિસ્તાનીઓનું કાવતરું નિષ્ફળ ગયું
ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે

ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના રાજકીય સંબંધો તળીયે પહોંચ્યા છે ત્યારે ભારતને બદનામ કરવાનું ખાલિસ્તાનીઓનું કાવતરું નિષ્ફળ ગયું છે. ખાલિસ્તાની સમર્થકોએ કેનેડાની સંસદમાં ભારતમાં 1984માં થયેલા શીખ રમખાણોને નરસંહાર તરીકે માન્યતા અપાવવા દરખાસ્ત કરી હતી, પરંતુ બે દિવસમાં બીજી વખત આ પ્રસ્તાવ પસાર થઈ શક્યો નહીં. બીજીબાજુ અમેરિકાએ પીએમ મોદી અને ગૌતમ અદાણીને નિશાન બનાવી ભારતમાં ભાંગફોડ કરવાના અમેરિકન સંસ્થાઓના પ્રયાસોના ભાજપના આક્ષેપ નકારી કાઢ્યા હતા.
પ્રસ્તાવ નકારી કાઢવામાં આવ્યો
કેનેડાની સંસદમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના લિબરલ પક્ષના સાંસદ સુખ ધાલીવાલે ભારતમાં 1984માં થયેલા રમખાણોના સંબંધમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ધાલીવાલે પ્રસ્તાવમાં કહ્યું કે, કેનેડાની સંસદમાં એ બાબતનો સ્વીકાર કરવામાં આવે અને માન્યતા અપાય કે 1984માં ભારતમાં શીખો વિરુદ્ધ થયેલા રમખાણો નરસંહાર હતો. આ પ્રસ્તાવ પાસ કરાવવા માટે કેનેડાની સંસદમાં તે સમયે હાજર બધા જ સાંસદોની સર્વસંમતિ જરૂરી હતી, પરંતુ આ પ્રસ્તાવ સામે કેનેડાના સાંસદોએ જ અવાજ ઊઠાવ્યો હતો, જેને પગલે તેને નકારી કાઢવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટનાક્રમ અંગે સુખ ધાલીવાલે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, આજે મેં 1984માં અને ત્યાર પછી ભારતમાં શીખો પર જે અત્યાચાર થયા તેને કેનેડાની સંસદમાં નરસંહાર તરીકે માન્યતા અપાવવાનો પ્રયત્ન કર્યો. જોકે, આ પ્રસ્તાવ પસાર થઈ શક્યો નહીં. કેટલાક કન્ઝર્વેટિવ અને એક લિબરલ સાંસદે જ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
લિબરલ સાંસદ ચંદ્ર આર્યે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, મેં આ વિભાજનકારી એજન્ડાને રોકવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. કેનેડામાં રાજકીયરૂપે શક્તિશાળી ખાલિસ્તાની લોબી નિશ્ચિતરૂપે ફરીથી સંસદ પર દબાણ લાવવાનો પ્રયત્ન કરશે. તેમણે ઉમેર્યું કે, આ પ્રસ્તાવનો વિરોધ કરવા બદલ ખાલિસ્તાની માનસિક્તાવાળા કેનેડિયન સાંસદો પર ધમકી આપવાનો આરોપ મૂક્યો હતો.
બીજીબાજુ ભાજપે અમેરિકન સંસ્થાઓ અને તેના 'ડીપ સ્ટેટ' તત્વો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને નિશાન બનાવી ભારતને અસ્થિર કરવાનો પ્રયત્ન કરવાના આક્ષેપ કર્યા હતા. જોકે, અમેરિકાએ આ આક્ષેપોને નકારી કાઢ્યા છે.
અમેરિકન દૂતાવાસના પ્રવક્તાએ આ આરોપોને નિરાશાજનક ગણાવતા કહ્યું કે તેમના દેશની સરકાર હંમેશા દુનિયામાં સ્વતંત્ર મીડિયાની વકીલાત કરે છે. અમેરિકન સરકાર સ્વતંત્ર સંસ્થાઓ સાથે મળીને પત્રકારોના વ્યવસાય અને તાલિમને પ્રોત્સાહન આપતી યોજનાઓ પર કામ કરે છે, પરંતુ આ યોજનાઓનો આશય આ સંસ્થાઓના સંપાદકીય નિર્ણયોને પ્રભાવિત કરવાનો નથી હોતો.








