PM મોદીની ન્યૂયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય બેઠક, રશિયા-યુક્રેન યુદ્ધ પર થઈ ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ યુક્રેનમાં સંઘર્ષના વહેલા ઉકેલ અને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. પીએમ મોદીએ યુએન જનરલ એસેમ્બલીમાં 'સમિટ ફોર ધ ફ્યુચર' દરમિયાન આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પશિન્યાન અને વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લેમ સાથે પણ મુલાકાત કરી હતી.
તેમણે કહ્યું, 'રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથેની વાતચીતમાં પીએમ મોદીએ તેમને એમ પણ કહ્યું કે તેમણે વિવિધ દેશોના નેતાઓ સાથે વાત કરી છે અને આ વિષય પર ચર્ચા થઈ રહી છે. દરેકનો અભિપ્રાય છે કે આપણે યુદ્ધમાં યુદ્ધવિરામ માટે કોઈક રીતે રસ્તો કાઢવો જ પડશે અને આ સંદર્ભે અમારા પ્રયાસો પણ ચાલુ છે.
23મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિવમાં યુક્રેનના પ્રમુખ સાથે થઈ મુલાકાત
અગાઉ 23મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિવમાં યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક યુદ્ધગ્રસ્ત દેશની ઐતિહાસિક મુલાકાતનો ભાગ હતો. યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સ્કી આ બેઠક પછી ખૂબ જ ખુશ દેખાયા. પીએમ મોદીની યુક્રેનની મુલાકાતની પ્રશંસા કરતા કહ્યું હતું કે,' ભારત આંતરરાષ્ટ્રીય કાયદા માટે પ્રતિબદ્ધ છે અને કિવની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને સમર્થન આપે તે મહત્ત્વનું છે.'
ક્વાડે યુક્રેનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી
તમને જણાવી દઈએ કે પીએમ મોદી ત્રણ દિવસીય અમેરિકા પ્રવાસ પર હતા. આ દરમિયાન, તેમણે ક્વાડ સમિટમાં ભાગ લીધો, ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા, સંયુક્ત રાષ્ટ્રમાં 'સમિટ ઑફ ફ્યુચર'માં ભાષણ આપ્યું અને ઘણા દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી.
ઝેલેન્સ્કીએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો
વડપ્રધાન મોદીને મળ્યા બાદ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ 'X' કરીને લખ્યું કે, 'આ વર્ષે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ ત્રીજી દ્વિપક્ષીય મુલાકાત છે. અમે સક્રિયપણે અમારા સંબંધોનો વિકાસ કરી રહ્યા છીએ અને વિવિધ ક્ષેત્રોમાં સહકારને મજબૂત કરવા સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમારી વાટાઘાટોનું મુખ્ય ધ્યાન આંતરરાષ્ટ્રીય મંચો, ખાસ કરીને UN અને G20માં અમારી સંલગ્નતા વધારવા તેમજ શાંતિ ફોર્મ્યુલાને લાગુ કરવા અને બીજી શાંતિ સમિટની તૈયારીઓ પર હતું. અમે ઉપલબ્ધ તકો પર નોંધપાત્ર ચર્ચા કરી હતી. અમારી સાર્વભૌમત્ત્વ અને પ્રાદેશિક અખંડિતતાના તમારા સ્પષ્ટ સમર્થન માટે હું તમારો આભારી છું.








