'જૂનાગઢ પર ભારતનો ગેરકાયદેસર કબ્જો', પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઓક્યું ઝેર
કાશ્મીર બાદ હવે પાકિસ્તાને જૂનાગઢને લઇને ફરી ઝેર ઓક્યું છે. પાકિસ્તાન વિદ

કાશ્મીર બાદ હવે પાકિસ્તાને જૂનાગઢને લઇને ફરી ઝેર ઓક્યું છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાજ ઝેહરા બલોચે ફરી એક વખત જૂનાગઢનો મુદ્દે ઉઠાવતા કહ્યું કે ભારતે તેના પર ગેરકાયદેસર કબ્જો કર્યો છે.
જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ, ભારતે કબ્જો કર્યો
મુમતાજ બલોચે કહ્યું કે જૂનાગઢના મુદ્દા પર પાકિસ્તાનનું નીતિગત નિવેદન હંમેશા સ્પષ્ટ રહ્યું છે. મુમતાજ ઝેહરા બલોચે દાવો કરતા કહ્યું કે 1948માં જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યું હતું.જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ છે અને ભારતે તેના પર ગેરકાયદેસર કબ્જો કર્યો છે. આ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય માપદંડોનું ઉલ્લંઘન છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે હંમેશાથી રાજકીય અને કૂટનીતિક મંચ પર પાકિસ્તાન જૂનાગઢના મુદ્દાને ઉઠાવતું રહ્યું છે અને તેને લઇને તે શાંતિપૂર્ણ સમાધાન પણ ઇચ્છે છે.પાકિસ્તાનનું એમ પણ કહેવું છે કે તે જૂનાગઢના મુદ્દાને કાશ્મીરની જેમ અધૂરો એજન્ડા માને છે.
કાશ્મીરને પોતાનું બનાવવા માટે પાકિસ્તાન આતંકવાદનો સહારો લે છે. આ કારણ છે કે ભારત સાથે પાકિસ્તાનાન સંબંધ ઘણા ખરાબ છે. વિશ્વભરના મંચ પર પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે. કાશ્મીર જ નહીં જૂનાગઢ અને બાંગ્લાદેશને લઇને મુમતાજ બલોચે કહ્યું કે તે તેમની સાથે સકારાત્મક અને મજબૂત સંબંધ બનાવવા માંગે છે. મુમતાજે કહ્યું કે, બન્ને દેશની સરકારના સહયોગથી સંબંધ વધુ સારા બનશે.
જૂનાગઢની લાલચમાં પાકિસ્તાને કાશ્મીર પણ ગુમાવ્યું
જૂનાગઢનો ભારતમાં વિલય 15 ઓગસ્ટે નહીં પણ 9 નવેમ્બર 1947માં થયું હતું. જૂનાગઢનો સ્વતંત્રતા દિવસ 9 નવેમ્બરે મનાવવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે લટકેલા જૂનાગઢને આઝાદી અપાવવા માટે આરજી હુકૂમત બનાવવામાં આવ્યું હતું.આરજી હુકૂમતની લડાઇ બાદ જૂનાગઢ ભારતનો ભાગ બન્યું હતું.
જ્યારે ભારત આઝાદ થયો અને રજવાડાઓનું વિલય થયું ત્યારે જૂનાગઢમાં નવાબ મહાબત ખાન ત્રીજાનું શાસન હતું.15 ઓગસ્ટ 1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે જૂનાગઢની પ્રજા અસમંજસમાં હતી કારણ કે તે દિવસે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
દેશ આઝાદ થયો તે સમયે અંગ્રેજી હુકૂમતે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 લાગુ કર્યું હતું, જેની હેઠળ લેપ્સ ઓફ પેરામાઉસી વિકલ્પ આપવામાં આવ્યો હતો જેના દ્વારા રાજા પોતાનું રજવાડુ ભારત અથવા પાકિસ્તાનમાં જોડી શકતા હતા અથવા પછી પોતાનો સ્વતંત્ર દેશ બનાવી શકતા હતા.
લેપ્સ ઓફ પેરામાઉસીને ધ્યાનમાં રાખતા નવાબ મહાબત ખાને પાકિસ્તાન સાથે જવાની જાહેરાત કરી હતી. જૂનાગઢને પાકિસ્તાન સાથે ભેળવવામાં મુખ્ય ભૂમિકા જૂનાગઢના દીવાન શાહનવાઝ ભુટ્ટોએ નીભાવી હતી. જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનું સૂચન તેમને જ આપ્યું હતું.
જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવતા સમયે ત્યાંની પ્રજાને પૂછવામાં આવ્યું હતું. 13 ઓગસ્ટે ભુટ્ટોએ જૂનાગઢના કેટલાક મહત્ત્વના વેપારીઓને ભેગા કર્યા હતા જેમાં દયા શંકર દવે નામના એક નેતા પણ હતા જેમને જૂનાગઢની પ્રજા તરફથી એમ કહ્યું હતું કે જૂનાગઢને ભારત સાથે જોડવું જોઇએ. આ સિવાય કાઠિયાવાડ રાજકીય પરિષદના ઉચ્છરંગરાય ઢેબરે પણ ભુટ્ટોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યાં હતા. અંતે 15 ઓગસ્ટ 1947માં જૂનાગઢને પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત કરવામાં આવી હતી.
પાકિસ્તાને લગભગ એક મહિના સુધી કોઇ જવાબ આપ્યો નહતો. 13 સપ્ટેમ્બરે એક પત્ર મોકલીને પાકિસ્તાને જૂનાગઢનો સ્વીકાર કર્યો હતો. 19 સપ્ટેમ્બરે સરદાર પટેલે ભારત સરકારના રજવાડા ખાતાના સચિવ વીપી મેનને જૂનાગઢ મોકલ્યા હતા, તેમને નવાબને મળવા દેવામાં આવ્યા નહતા પણ નવાબ તરફથી તમામ જવાબ ભુટ્ટોએ આપ્યા હતા.
સરદાર પટેલ જૂનાગઢની જંગમાં સીધા કેમ ના ઉતર્યા
વીપી મેનન જૂનાગઢથી રાજકોટ અને ત્યાથી મુંબઇ થઇને દિલ્હી પહોંચ્યા હતા. મુંબઇમાં મેનન કાઠિયાવાડના દેશી રાજ્યોના પ્રજામંડળના પ્રતિનિધિઓને મળ્યા હતા.
જૂનાગઢના મુદ્દા પર ભારત સરકાર સીધી રીતે કંઇ કરી શકે તેમ નહતી કારણ કે લેપ્સ ઓફ પેરામાઉસીની જોગવાઇ હતી અને આ જોગવાઇ અનુસાર, રજવાડા જેની સાથે ઇચ્છે જોડાઇ શકતા હતા અથવા પોતાનો રસ્તો ખુદ બનાવી શકતા હતા. આવી સ્થિતિમાં ભારત સરકારના ગૃહમંત્રી સરદાર પટેલ સીધો હસ્તક્ષેપ કરતા તો કાયદાકીય સમસ્યા ઉભી થઇ હોત.
તે બાદ આરજી હુકૂમત બનાવવામાં આવ્યું અને આ લોકસેનાના સરસેનાપતિ રજુભાઇ અદાણીએ કહ્યું હતું કે સરદાર પટેલ માનતા હતા કે જૂનાગઢના લોકોએ આ જંગ લડવું જોઇએ. જૂનાગઢના લોકો અને તેમના પ્રતિનિધિ અવાજ ઉઠાવશે તો જ જૂનાગઢ ભારતમાં રહી શકશે અને તમામ પ્રતિનિધિ આ વાત સમજી ગયા હતા.
આરજી હુકૂમતનું નિર્માણ
વીપી મેનને મુંબઇમાં કાઠિયાવાડી પ્રતિનિધિઓ સાથે એક બેઠક કરી હતી અને આ બેઠકમાં તમામ પ્રતિનિધિ આ વાત પર સહમત થયા હતા કે પ્રજાકીય એટલે કે લોકો દ્વારા એક સંગ્રામ હોવો જોઇએ અને આ સંગ્રામને કારણે જૂનાગઢમાં સમાંતર સરકાર તરીકે આરજી હુકૂમતના વિચારને સ્થાપિત કરવામાં આવ્યા હતા.
શરૂઆતમાં ઉચ્છરંગરાય ઢેબર થોડા અસમંજસમાં હતા. જોકે, બાદમાં તેમને આ વિચાર સ્વીકાર કરી લીધો હતો. જૂનાગઢના નવાબ સાથે પરિણામ વગર રહેલી ત્રણ મુલાકાત બાદ એક સભામાં ઢેબરભાઇએ આરજી હુકૂમત બનાવવાનો નિર્ણય કર્યો હતો અને તેના માટે 10 સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી હતી.
શામલદાસ ગાંધી આરજી હુકૂમતના પ્રધાન બન્યા હતા. આરજી હુકૂમતનું એક મેનિફેસ્ટો બનાવવામાં આવ્યો હતો જેનું નામ- જૂનાગઢની પ્રજાની આઝાદીનો મેનિફેસ્ટો નામ આપવામાં આવ્યું હતું જેને કન્હૈયાલાલ મુન્શીએ લખ્યો હતો.
જૂનાગઢના લોકોને આરજી હુકૂમતનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી. મેનિફેસ્ટો દ્વારા જૂનાગઢની પ્રજાએ આરજી હુકૂમતની સ્થાપનાની જાહેરાત કરી હતી. આરજી સરકારની ઓફિસ રાજકોટમાં બનાવવામાં આવ્યું. ચાર અઠવાડિયા સુધી બધુ શાંતિપૂર્ણ હતું. વલ્લભભાઇ પટેલે પાકિસ્તાનને સમય આપ્યો કે તે પોતાના પગલા પાછા ખેચી લે.
આરજી હુકૂમતે અમરાપુર, નવાગઢ, ગાધકડા જેવા ગામ પર નિયંત્રણ કરી લીધો હતો. આરજી હુકૂમતના સ્વયંસેવકોએ જેવા જ જૂનાગઢની સરહદમાં પ્રવેશ કર્યો ત્યારે નવાબ મહાબત ખાન ત્યાંથી જ કરાંચી ભાગી ગયા હતા.
બે નવેમ્બરે આરજી હુકૂમતે નવાગઢને નિયંત્રણમાં લઇ લીધુ. પાંચ દિવસ બાદ ભુટ્ટોએ હાર્વે જોન્સને શામલદાસ ગાંધી પાસે રાજકોટ મોકલ્યા. જ્યાં હાર્વે જોન્સે ગાંધીને જૂનાગઢનું નિયંત્રણ લેવાની અપીલ કરી હતી. 8 નવેમ્બરે ભુટ્ટોએ પોતાની દરખાસ્ત બદલી નાખી અને કહ્યું કે આરજી હુકૂમત નહીં પણ ભારત સરકાર જૂનાગઢનો કબ્જો લઇ લે. 9 નવેમ્બર 1947ના દિવસે જૂનાગઢને નિયંત્રણમાં લઇ લીધુ અને માટે જૂનાગઢનું સ્વતંત્રતા દિવસ 9 નવેમ્બરે મનાવવામાં આવે છે.








