મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO/ પાકિસ્તાનમાં ભીષણ વિસ્ફોટ: ખૈબર પખ્તુનખ્વાની ગેસ પાઇપલાઇન ફાટતા 8 ના મોત, અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા

પેશાવર, પાકિસ્તાન: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના હરિપુર જિલ્

પેશાવર, પાકિસ્તાન: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના હરિપુર જિલ્લામાં ગુરુવારે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. હત્તર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી એક ગેસ પાઇપલાઇનમાં જોરદાર વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા 8 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

ઔદ્યોગિક વિસ્તારમાં મચી દોડધામ

આ ઘટના હરિપુર જિલ્લાના હત્તર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ‘ગ્રાન્ડ ટ્રંક રોડ’ નજીક આવેલી એક ફેક્ટરી પાસે બની હતી. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને જોતજોતામાં આસપાસના વિસ્તારમાં ભીષણ આગ ફેલાઈ ગઈ હતી.

રહેણાંક મકાનો પણ આગની લપેટમાં

ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ થયા બાદ લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેણે નજીકના એક મકાનને પણ પોતાની લપેટમાં લઈ લીધું હતું. આના કારણે બચાવ કામગીરીમાં ભારે અવરોધ ઉભો થયો હતો. પાકિસ્તાનની ઇમરજન્સી સર્વિસ ‘રેસ્ક્યુ 1122’ ના અધિકારીઓએ જણાવ્યું કે, મૃતકોમાં ફેક્ટરીના કામદારો અને નજીકના રહીશોનો સમાવેશ થાય છે.

દમ ઘૂંટવાને કારણે વધુ મોત

હરિપુરના ડેપ્યુટી કમિશનર વસીમ અહેમદે જણાવ્યું હતું કે, મોટાભાગના મૃત્યુનું મુખ્ય કારણ ગૂંગળામણ (દમ ઘૂંટવો) હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આગના ધુમાડાને કારણે લોકો શ્વાસ લઈ શક્યા નહોતા. જિલ્લા પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, રાહત ટુકડીઓએ 4 મહિલાઓ અને 6 બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે, પરંતુ અન્ય અનેક મહિલાઓ અને બાળકો ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમની સ્થિતિ નાજુક છે.

આ સમાચાર શેર કરો