અમારા ટેક્સના પૈસા અન્ય દેશોના બાળકો પર બોમ્બ ફેંકવા નથી: ઐતિહાસિક જીત બાદ સેનેટર અબ્દુલ અલ-સૈયદનો પ્રહાર

અમારા ટેક્સના પૈસા અન્ય દેશોના બાળકો પર બોમ્બ ફેંકવા નથી: ઐતિહાસિક જીત બાદ સેનેટર અબ્દુલ અલ-સૈયદનો પ્રહાર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકાના મિશિગનમાં સેનેટની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર અબ્દુલ અલ-સૈયદે રિપબ્લિકન ઉમેદવાર માઇક રોજર્સને હરાવી જીત નોંધાવી હતી. આ જીત સાથે તેઓ અમેરિકી સેનેટમાં ચૂંટાનારા પ્રથમ મુસ્લિમ બન્યા છે. જીત બાદ પોતાના સંબોધનમાં તેમણે અમેરિકાની રાજકીય વ્યવસ્થામાં કોર્પોરેટ કંપનીઓ અને અબજોપતિઓના પ્રભાવ સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે અમેરિકાના નાગરિકોના ટેક્સના પૈસા તેમના અને તેમનાં બાળકોના ભવિષ્ય માટે ખર્ચાવા જોઈએ, બીજા દેશોનાં બાળકો પર બોમ્બમારો કરવા માટે નહીં.

અબ્દુલ અલ-સૈયદે જીત બાદ કહ્યું હતું કે અમેરિકાએ ફરીથી મહાન બનવાની જરૂર નથી, પરંતુ જે બાબતોએ તેને હંમેશાં મહાન બનાવ્યું છે તેને અપનાવવાની જરૂર છે. તેમના મતે, પોતાની ખામીઓને અવગણવાને બદલે તેને સુધારવાની હિંમત જ અમેરિકાની સાચી તાકાત છે. તેમણે એવી કોર્પોરેટ કંપનીઓ અને અબજોપતિઓના ખાસ હિતોને પડકારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેમણે વ્યવસ્થાને પોતાના પક્ષમાં કરી લીધી છે.

જાહેરાત

ઇઝરાયલની ટીકા અને પેલેસ્ટિનિયન બાળકોનો મુદ્દો

ઇઝરાયલની ટીકા અંગે અલ-સૈયદે કહ્યું કે પેલેસ્ટિનિયન બાળકોને તેમના પૂર્વજોની જમીન પર જીવના જોખમ વિના મોટા થવાનો અધિકાર હોવો જોઈએ અને તેના માટે અમેરિકાના ટેક્સના પૈસા વપરાવા ન જોઈએ એવું માનવું નફરત નથી. તમામ લોકો માટે શાંતિ, સન્માન અને આત્મનિર્ણયના સમાન અધિકારોની માગ કરવી એ નફરત નહીં, પરંતુ પ્રેમ છે. તેમણે મિશિગનના લોકોને અપીલ કરી હતી કે તેમના ટેક્સના પૈસા અમેરિકાના નાગરિકો અને તેમનાં બાળકો પાછળ ખર્ચાવા જોઈએ.

‘રાશન, પેટ્રોલ અને ઘર ખરીદવું આટલું મુશ્કેલ કેમ?’

અબ્દુલ અલ-સૈયદે સામાન્ય અમેરિકી પરિવારોની રોજિંદી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સવાલ કર્યો કે દુનિયાના સૌથી અમીર અને શક્તિશાળી દેશમાં લોકોને રાશન ખરીદવા, કારમાં પેટ્રોલ ભરાવવા, ઘર ખરીદવા અને ડૉક્ટર પાસે જવા માટે આટલી મુશ્કેલી કેમ પડે છે? તેમણે કહ્યું કે નાગરિકો ટેક્સ ભરે અને તેમનાં નાણાં તેમના તથા તેમનાં બાળકોના હિતમાં વપરાય છે કે નહીં તે જાણવું મુશ્કેલ ન હોવું જોઈએ. આ નાણાં બીજા દેશોનાં બાળકો પર બોમ્બમારો કરવા માટે વપરાવાં ન જોઈએ.

ટ્રમ્પે ‘જિહાદી’ કહી નિશાન બનાવ્યા હતા

ઇજીપ્ત મૂળના અમેરિકી ડૉક્ટર અને નેતા અબ્દુલ અલ-સૈયદને ચૂંટણી પ્રચાર દરમિયાન ઇસ્લામોફોબિક હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અનેક વખત તેમને નિશાન બનાવ્યા હતા. ટ્રમ્પે તેમને ‘જિહાદી’ કહ્યા હતા. મિશિગનમાં યોજાયેલી એક ચૂંટણી રેલીમાં ટ્રમ્પે એવો કટાક્ષ પણ કર્યો હતો કે સેનેટમાં જતા પહેલાં અબ્દુલ એકમાત્ર એવા સેનેટર હશે જેમણે મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડશે. અબ્દુલને પોતાની પાર્ટીની અંદરથી પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઓગસ્ટમાં મિશિગનની ડેમોક્રેટિક સેનેટ પ્રાઇમરીમાં તેમની સામે હારેલી હેલી સ્ટીવન્સે પાર્ટીના ઉમેદવારને ટેકો આપવાને બદલે રિપબ્લિકન ઉમેદવાર માઇક રોજર્સનું સમર્થન કર્યું હતું. આમ છતાં અબ્દુલ અલ-સૈયદે કડક મુકાબલા બાદ મેળવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત