મેલબોર્નમાં મહાત્મા ગાંધીની પ્રતિમા કાપીને ચોરી ગયા, ભારત સરકારે કડક કાર્યવાહીની માંગ કરી
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ભવ્ય કાંસ્ય પ્રતિમાની ચોરી થવાની આઘાતજનક ઘટના સામે

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ભવ્ય કાંસ્ય પ્રતિમાની ચોરી થવાની આઘાતજનક ઘટના સામે આવી છે. ચોરો રોવવિલે સ્થિત ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટરની બહાર 426 કિલોગ્રામ વજનની પ્રતિમાને કાપીને ચોરી ગયા છે. આ ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ચોરો પ્રતિમા કાપીને ચોરી ગયા
સ્થાનિક પોલીસ અને મીડિયા અહેવાલો અનુસાર આ ઘટના સોમવારે બપોરે અંદાજે 12:50 વાગ્યાની આસપાસ બની છે. ત્રણ જેટલા શખ્સોએ એન્ગલ ગ્રાઇન્ડરનો ઉપયોગ કરીને પ્રતિમાને પાયામાંથી કાપી નાખી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે, પ્રતિમાને કાપવામાં આવી છે. મેલબોર્ન પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે, જોકે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
ભારત સરકારે કડક શબ્દોમાં નિંદા કરી
ભારત સરકારે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે (3 ફેબ્રુઆરી) જણાવ્યું કે, ‘ભારત ચોરી અને તોડફોડની કડક શબ્દોમાં નિંદા કરે છે. ભારતે ઓસ્ટ્રેલિયન સત્તાધીશો સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને માંગ કરી છે કે, આ મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે, પ્રતિમાને શોધી કાઢવામાં આવે અને દોષિતો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.’






