ન્યૂ યોર્કમાં માતાને બચાવવા જતાં ભારતીય યુવાને ગુમાવ્યો જીવ, વર્ષો જૂની ઘોડાગાડીની પરંપરા બંધ કરવાની માંગ
એક ભારતીય યુવાનના દુઃખદ મૃત્યુએ અમેરિકાના સૌથી લોકપ્રિય પ્રવાસન આકર્ષણોમાંની એક ગણાતી ન્યૂ ય

એક ભારતીય યુવાનના દુઃખદ મૃત્યુએ અમેરિકાના સૌથી લોકપ્રિય પ્રવાસન આકર્ષણોમાંની એક ગણાતી ન્યૂ યોર્કની ઘોડાગાડી પરંપરા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે. લગભગ બે સદીથી ન્યૂ યોર્કના સેન્ટ્રલ પાર્કની ઓળખ બની ગયેલી ઘોડાગાડીઓ હવે બંધ થઈ શકે છે, એવી ચર્ચા જોર પકડી રહી છે. એક તરફ આ પરંપરાને ન્યૂ યોર્કની ઐતિહાસિક ઓળખ માનનારા લોકો છે, તો બીજી તરફ પ્રાણી અધિકાર કાર્યકરો અને કેટલાક રાજકારણીઓનું કહેવું છે કે આધુનિક શહેરમાં આવી વ્યવસ્થાનું હવે કોઈ સ્થાન નથી. 18 વર્ષીય ભારતીય વિદ્યાર્થી રોમાંચ મહાજનના મૃત્યુ બાદ આ ચર્ચા ફરીથી જોર પકડી રહી છે.
માતાને બચાવવા જતાં યુવાને જીવ ગુમાવ્યો
17 જૂન, બુધવારના રોજ ભારતનો રોમાંચ મહાજન તેના પરિવાર સાથે હાઈસ્કૂલ ગ્રેજ્યુએશનની ઉજવણી કરવા ન્યૂ યોર્ક આવ્યો હતો. પરિવાર ખુશી-ખુશી સેન્ટ્રલ પાર્કમાં ઘોડાગાડીની સવારી માણી રહ્યો હતો. આ દરમિયાન ડ્રાઇવર પરિવારનો ફોટો લેવા માટે ગાડીમાંથી નીચે ઉતર્યો અને ઘોડાથી દૂર ગયો. બરાબર એ જ ક્ષણે ઘોડો ગભરાઈને બેકાબૂ થઈને દોડવા લાગ્યો.
ગાડી ખૂબ જ ઝડપથી ભાગવા લાગી અને રોમાંચના માતા પ્રિયા ગાડીમાંથી નીચે પડી ગયાં. માતાને બચાવવા માટે રોમાંચ ચાલુ ગાડીએ નીચે કૂદી પડ્યો. તેનું માથું જમીન સાથે જોરથી અથડાયું. લોહીલુહાણ રોમાંચને હોસ્પિટલ લઈ જવાયો, પણ બચાવી ન શકાયો. આ અકસ્માતમાં છેલ્લે ગાડી પલટી ગઈ હતી અને પરિવારના અન્ય સભ્યોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ ઘટના બાદ ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવાયો અને 'સેમ્પસન' નામના એ ઘોડાને નિવૃત્ત કરી દેવાયો છે.
લગભગ 200 વર્ષ જૂની પરંપરાનો ઇતિહાસ
- ન્યૂ યોર્કમાં ઘોડાગાડીઓનો ઇતિહાસ લગભગ બે સદી જૂનો છે. તેનો પ્રારંભ 1832માં થયો હતો.
- શરૂઆતના સમયમાં ઘોડાગાડી સમૃદ્ધિ અને પ્રતિષ્ઠાનું પ્રતીક હતી. ખાનગી વાહનો ઉપલબ્ધ ન હોવાથી તે લોકો માટે તે પરિવહનનું મહત્ત્વપૂર્ણ સાધન પણ હતી.
- 1858માં સેન્ટ્રલ પાર્કના વિકાસની શરૂઆત થયા બાદ ઘોડાગાડીઓ ધીમે-ધીમે તેની ઓળખ બની. ઘોડાગાડીમાં બેસીને હરિયાળી વચ્ચે ધીમે ધીમે ફરવાનો અનુભવ પ્રવાસીઓને ખૂબ આકર્ષતો હતો. 1850ના દાયકામાં ન્યૂ યોર્કમાં ઘોડા દ્વારા ખેંચાતી ટ્રામો પણ ચાલતી હતી.
- મોટરકારોના આગમન પછી ઘોડાગાડીઓનું પરિવહન તરીકેનું મહત્ત્વ ઘટતું ગયું અને તે પ્રવાસીઓ માટે માત્ર મનોરંજનનું સાધન બની ગઈ. 1910થી 1920 વચ્ચે ન્યૂ યોર્કમાં ઘોડાઓની સંખ્યા 128,000થી ઘટીને માત્ર 56,000 રહી ગઈ.
- આજે શહેરમાં અંદાજે 200 ઘોડા, 150થી 200 ડ્રાઇવર અથવા માલિક અને માત્ર 68 લાઇસન્સ ધરાવતી ઘોડાગાડીઓ કાર્યરત છે. તેમનો મુખ્ય વિસ્તાર સેન્ટ્રલ પાર્ક અને આસપાસનો વિસ્તાર છે.
વર્ષોથી ચાલે છે ઘોડાગાડીનો વિરોધ
રોમાંચ મહાજનનું મૃત્યુ આ મુદ્દે પહેલી ઘટના નથી. પ્રાણી અધિકાર સંગઠનો વર્ષોથી દલીલ કરે છે કે શહેરની વ્યસ્ત સડકો પર ઘોડાઓનો ઉપયોગ કરવો ક્રૂર અને જોખમી છે. ગયા અઠવાડિયે જ 16 વર્ષનો 'ડેનિઝ' નામનો ઘોડો પ્રવાસીઓને લઈ જતી વખતે રસ્તા પર ઢળી પડ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. 2022માં 'રાયડર' નામનો બીજો ઘોડો પણ થાકને લીધે રસ્તા પર પડી જતાં ભારે ચર્ચા સર્જાઈ હતી. આવી ઘટનાઓ બાદ ન્યૂ યોર્કમાં 'રાયડર્સ લૉ' (Ryder's Law) નામના કાયદાનું સુધારેલું સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું છે, જેના નિયમો નીચે મુજબ છે.
- નવા કેરેજ લાઇસન્સ નહીં અપાય.
- હાલમાં ચાલતી 68 ગાડીને આગામી 2 વર્ષમાં ધીમે ધીમે બંધ કરી દેવાશે.
- 843 એકરમાં ફેલાયેલા સેન્ટ્રલ પાર્કની દેખરેખ રાખતી સંસ્થા 'સેન્ટ્રલ પાર્ક કન્ઝર્વન્સી'એ પણ આ કાયદાને ટેકો આપ્યો છે કારણ કે, છેલ્લા એક વર્ષમાં અનેક વખત ઘોડા બેકાબૂ બન્યા છે, જેના કારણે મુસાફરો અને પાર્કમાં ફરતા લોકોના જીવ જોખમમાં મુકાયા છે.
માલિકો અને ડ્રાઇવરોનો વિરોધ
ઘોડા ગાડીના માલિકો અને ડ્રાઇવરો આ પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેનાથી તેમની આજીવિકા છીનવાઈ જશે. તેઓ કાયદો બંધ કરવાના બદલે વધુ કડક નિયમોની માંગ કરી રહ્યા છે.
- હાલના નિયમો મુજબ ઘોડા પાસે 24 કલાકમાં વધુમાં વધુ 9 કલાક કામ કરાવી શકાય છે.
- જ્યારે તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય અથવા -7 ડિગ્રી સેલ્સિયસથી ઓછું હોય, ત્યારે ઘોડા પાસે કામ કરાવવું ગેરકાયદે છે.
પરંપરા બચાવવી કે સલામતીને પ્રાથમિકતા આપવી?
એક તરફ સેંકડો લોકોની આજીવિકા અને 200 વર્ષ જૂની પરંપરા છે, તો બીજી તરફ નિર્દોષ લોકોની સુરક્ષા અને પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાનો સવાલ છે. ન્યૂ યોર્ક પ્રશાસન હવે આ બાબતે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.







