UKમાં ભારતીય વિદ્યાર્થીને 30 વર્ષની જેલ, સગીર છોકરીઓના ઓનલાઈન શોષણ કેસમાં સજા

UKમાં ભારતીય વિદ્યાર્થીને 30 વર્ષની જેલ, સગીર છોકરીઓના ઓનલાઈન શોષણ કેસમાં સજા
તસવીર: Google
આ સમાચાર સાંભળો

યુનાઇટેડ કિંગડમમાં રહેતા ભારતીય નાગરિક બિલાલ કાઝીને સગીર છોકરીઓને ઓનલાઈન ફસાવીને તેમની પાસેથી અશ્લીલ ફોટા અને વીડિયો મંગાવવાના ગુનામાં 30 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે પેરોલ માટે પાત્ર બનતા પહેલા તેણે ઓછામાં ઓછા 20 વર્ષ જેલમાં વિતાવવા પડશે.

બિલાલ કાઝી કેવી રીતે કરતો હતો શિકાર?

જાહેરાત

27 વર્ષીય બિલાલ કાઝી મૂળ મુંબઈનો વતની છે. તે ચેસ્ટરમાં PhDનો અભ્યાસ કરતો હતો અને ત્યારબાદ બર્મિંગહામ યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રીનો અભ્યાસ કરવા ગયો હતો.

નકલી ઓળખ: ઓગસ્ટ 2021થી ઓગસ્ટ 2025 દરમિયાન કાઝીએ 'રીસ' (Reece) નામના એક શ્વેત બ્રિટિશ કિશોરની નકલી ઓળખ બનાવી હતી. તેણે Snapchat, Roblox, Wink અને Wizz જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 10થી 17 વર્ષની 70થી વધુ છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી હતી.

બ્લેકમેઇલિંગ અને હેકિંગ: છોકરીઓનો વિશ્વાસ જીતીને તે તેમના અંગત ફોટા અને વીડિયો મેળવી લેતો હતો. જ્યારે પીડિતાઓ ના પાડતી ત્યારે તે ફોટા તેમના મિત્રો અને પરિવારને મોકલવાની ધમકી આપતો હતો અને ઘણા કિસ્સામાં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરીને અશ્લીલ સામગ્રી વાયરલ કરી દેતો હતો.

કેવી રીતે ફૂટ્યો ભાંડો અને કોર્ટની ટિપ્પણી

નવેમ્બર 2021 માં એક પીડિતાએ ડર્બીશાયર પોલીસને જાણ કરી કે તેનું Snapchat એકાઉન્ટ હેક કરીને તેના અંગત ફોટા મિત્રોને મોકલવામાં આવ્યા છે, ત્યારબાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. UK ના 45 માંથી 28 પોલીસ દળોની સંયુક્ત તપાસ બાદ જુલાઈ 2023 માં હીથ્રો એરપોર્ટ પર પરત ફરતી વખતે તેની ધરપકડ કરાઈ હતી. પોલીસને આશંકા છે કે, પીડિતાઓની સંખ્યા 180 સુધી હોઈ શકે છે. સજા સંભળાવતા જજ સ્ટીફન એવરેટે કાઝીને 'અત્યંત ખતરનાક વ્યક્તિ' ગણાવતા કહ્યું કે, તેણે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને પોતાના ઘરમાં સુરક્ષિત માનતા બાળકોની સુરક્ષા અને માનસિક શાંતિ છીનવી લીધી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત