હુથી બળવાખોરોએ રિયાધ એરપોર્ટ હચમચાવ્યું, સાઉદી પર વધાર્યા હુમલા

હુથી બળવાખોરોએ રિયાધ એરપોર્ટ હચમચાવ્યું, સાઉદી પર વધાર્યા હુમલા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સાઉદી અરેબિયા અને હુથી વિદ્રોહીઓ વચ્ચે દિવસેને દિવસે ઘર્ષણ વધુ ઉગ્ર બની રહ્યું છે. હુથી બળવાખોરોએ સાઉદીની રાજધાની રિયાધ સ્થિત કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ત્રણ ક્રૂઝ મિસાઈલો વડે હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. જોકે, આ હુમલાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને હુમલાથી થયેલા નુકસાન અંગે પણ કોઈ ચોક્કસ વિગતો સામે આવી નથી.

અગાઉ હુમલાઓને પગલે બંધ હતુ એરપોર્ટ, માત્ર ગણતરીના ટર્મિનલ જ કાર્યરત

જાહેરાત

અગાઉ હુથી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા સતત હુમલાઓને પગલે આ એરપોર્ટ થોડા દિવસો માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલા જ ફરીથી શરૂ થયેલા આ એરપોર્ટના હાલમાં માત્ર ગણતરીના ટર્મિનલ જ કાર્યરત છે.

મક્કા શહેર પર હુમાલાના પ્રયાસના દાવાઓ હૂતી સંગઠને ફગાવ્યા

બીજી તરફ, હુથી સંગઠનના પ્રવક્તાએ જણાવ્યું કે, લાલ સમુદ્રના કિનારે વસેલા યાનબુ શહેરના બંદર પર આવેલા ઓઈલ પમ્પિંગ સ્ટેશનને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, તેમણે પવિત્ર મક્કા શહેર પર હુમલો કરવાના પ્રયાસ અંગેના સાઉદી અરેબિયાના દાવાને પાયાવિહોણો ગણાવીને ફગાવી દીધો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, સાઉદી અરેબિયા યુદ્ધની શરૂઆતથી જ આવા ખોટા દાવાઓ કરી રહ્યું છે.

સાઉદીએ 3 શહેરોમાં એલર્ટ જાહેર કર્યું

આ તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે સાઉદી પ્રશાસને તાઈફ, યાનબુ અને ખામિસ મુશૈત શહેરો માટે જોખમનું એલર્ટ જાહેર કર્યું છે અને ત્યાં વસતા નાગરિકોને અત્યંત સાવચેતી રાખવા માટે સૂચના આપી છે.

સાઉદી અને હુથી બન્ને પક્ષોના સામે-સામે હુમલાના દાવા

સાઉદી અરેબિયાની સેનાએ દાવો કર્યો છે કે, તેમની એર ડિફેન્સ સિસ્ટમે સતત બીજા દિવસે હૂતી બળવાખોરો દ્વારા છોડવામાં આવેલી ત્રણ ક્રૂઝ મિસાઈલોને હવામાં જ તોડી પાડીને નિષ્ફળ બનાવી છે, જ્યારે સામે પક્ષે હુથી સંગઠને સાઉદીના અનેક મહત્વપૂર્ણ ઠેકાણાઓને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે.ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રવિવારે પણ હુથી બળવાખોરોએ રિયાધ સ્થિત તેલ કંપની 'અરામકો'ની બહુમાળી કોર્પોરેટ ઓફિસ પર મિસાઈલ હુમલો કરીને તેને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી ચાલી રહ્યો છે સંઘર્ષ

છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા આ સંઘર્ષમાં હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના મહત્વના મથકો પર ડઝનબંધ હુમલાઓ કર્યા છે, તો બીજી તરફ સાઉદી અરેબિયાએ પણ વળતો પ્રહાર કરતા હુથીઓના નિયંત્રણ હેઠળના વિસ્તારની રાજધાની સના સહિત અન્ય શહેરો પર હવાઈ હુમલા કરીને 100થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત