Video: અમેરિકામાં ટ્રમ્પનો સૂર્યાસ્ત? પોતાના જ ઉમેદવારો ટ્રમ્પથી કેમ ભાગવા લાગ્યા? યુએસ ચૂંટણી પરિણામો પર ભારતીય રાજદૂતનું ચોંકાવનારું વિશ્લેષણ

અમેરિકાની મિડટર્મ ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી રિપબ્લિકન પાર્ટીને મોટો ફટકો પડ્યો છે અને ડેમોક્રેટિક પાર્ટી તરફ મતદારોનો જબરદસ્ત ઝુકાવ જોવા મળ્યો છે. અમેરિકામાં ભારતના પૂર્વ રાજદૂત અરુણ કુમાર સિંહે આ પરિણામોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરતાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૪માં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપનારો મોટો મતદારવર્ગ હવે ડેમોક્રેટ્સ તરફ વળી ગયો છે.
અરુણ કુમાર સિંહે જણાવ્યું કે, "આ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી તરફ સ્પષ્ટ અને મોટો બદલાવ જોવા મળ્યો છે. ખુદ યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે (JD Vance) આ હાર પાછળ ચાર મુખ્ય કારણો ગણાવ્યા છે. જેમાં ઈરાન યુદ્ધ સામે લોકોનો અસંતોષ, ખાદ્ય ચીજવસ્તુઓ અને ઊર્જાના વધતા ભાવો (મોંઘવારી), ઇઝરાયલ અંગે અમેરિકાની નીતિ સામે મતભેદો અને વોશિંગ્ટને વિદેશ નીતિ કેવી રીતે નક્કી કરવી તે અંગેના આંતરિક વિવાદો મુખ્ય છે."
રિપબ્લિકન્સ પાસેથી 7 સેનેટ બેઠકો આંચકી લીધી
પૂર્વ રાજદૂતના જણાવ્યા અનુસાર, સેનેટમાં ડેમોક્રેટ્સે મોટો ઉલટફેર કર્યો છે. અગાઉની સેનેટમાં ડેમોક્રેટ્સ પાસે 47 બેઠકો હતી, જે હવે વધીને 54 થઈ ગઈ છે અને હજુ એક કે બે બેઠકો વધવાની શક્યતા છે. રિપબ્લિકન પાર્ટીના હાથમાંથી સીધી 7 સેનેટ બેઠકો ડેમોક્રેટ્સે આંચકી લીધી છે. આ તમામ એવા સાત રાજ્યો છે જ્યાં 2024માં પ્રમુખ ટ્રમ્પ મોટા માર્જિનથી જીત્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રથમ વખત એવું જોવા મળ્યું કે રિપબ્લિકન ઉમેદવારો જ વિવિધ મુદ્દાઓ પર ડોનાલ્ડ ટ્રમ્પથી અંતર જાળવી રહ્યા હતા, જે દર્શાવે છે કે જનતાનો મૂડ બદલાઈ ચૂક્યો હતો.







