યમનમાં ભીષણ એરસ્ટ્રાઇક: હુથીઓના ગઢમાં સાઉદી સમર્થિત દળોનો હુમલો, 20 લોકોનાં મોત; પશ્ચિમ એશિયામાં ફરી તણાવ

દક્ષિણ-પશ્ચિમ યમનમાં હુથીઓના અંકુશવાળા વિસ્તારમાં સાઉદી સમર્થિત યમનના સરકારી લશ્કરે કરેલી એરસ્ટ્રાઇકમાં ૨૦નાં મોત થયા છે. આ એરસ્ટ્રાઇક તાજેતરના હુમલાઓમાં સૌથી વધુ જીવલેણ હુમલો મનાય છે. હુથી પ્રવક્તાએ જણાવ્યું હતું કે સવારે સાત વાગે અલ હદરા માર્કેટમાં કરવામાં આવેલી ત્રણ એરસ્ટ્રાઇકમાં ૨૦ના મોત થયા હતા. ઇજાગ્રસ્તોની સ્થિતિ જોતાં મૃત્યુઆંક હજી પણ વધી શકે છે. તેમણે આ હુમલા માટે સાઉદી અરેબિયાને જવાબદાર ગણાવ્યું હતું.
હુથીઓનો દાવો હતો કે આ એરોપ્લેન કામિસ મુશાઇત એરબેઝ પરથી ઉડયા હતા અને તાઇઝ પ્રાંત પર આવ્યા હતા. તાઇઝના અલવાઇઝ પ્રાંતના બજારમાં થયેલા હુમલામાં ૧૫ના મોત થયા હતા, એમ હુથી આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું.આ હુમલાના પગલે પશ્ચિણ એશિયામાં ફરી પાછી તંગદિલી વધી ગઈ છે.
હાલમાં હુથીઓએ તાઇઝ શહેર પર બરોબરનો ઘેરો ઘાલ્યો છે. તેની સામે સરકારી સેનાઓ પણ તેમને બરોબરની લડત આપી રહી છે. હુથીઓએ જો દક્ષિણમાં એડન શહેર તરફ આગળ વધવુ હોય તો તેમણે તાઇઝ શહેર કબ્જે કરવું જ પડે તો જ તેમનો દક્ષિણમાં આવેલા એડન અને લહેજ શહેર કબ્જે કરવાનો માર્ગ ખૂલે. જો કે હુથીઓએ મોખા શહેર કબ્જે કર્યુ હતુ તેટલી સરળતાથી તેમને તાઇઝ શહેરનો કબ્જો મળી રહ્યો નથી. સરકારી દળો તેમને તાઇઝની ટેકરીઓ પર બરોબરની લડત આપી રહ્યા છે.
જો કે હુથીઓએ પણ બેલિસ્ટિક મિસાઇલોનો મારો ચાલુ રાખ્યો છે.ગયા મહિનેજ હુથીઓએ શબવા ખાતે યમનના સરકારી દળો પર હુમલો કર્યો હતો. તેમા ૭૫ સૈનિકોના મોત થયા હતા અને ૨૦૦થી વધુ લોકો ઇજા પામ્યા હતા.
આટલું ઓછું હોય તેમ ઇરાને પણ અમેરિકાને મધ્યપૂર્વમાં શાંતિ સ્થાપવી હોય તો તેની સાત શરતો કતાર દ્વારા મોકલી આપી છે, પરંતુ જો ઇરાનની શરતો જોઈએ તો લાગે નહીં કે અમેરિકા તે માની લેશે. અમેરિકા આ પ્રસ્તાવની હાલમાં સમીક્ષા કરી રહ્યુ છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કતારના અમીર સાથે આ સંદર્ભમાં ચર્ચા કરી હતી. તેની સાથે તેમણે ઇરાન પર ફરીથી હુમલો કરવાની સંભાવના અને તેની અસરો અંગે પણ ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે. ઇરાનના વિદેશપ્રધાને પણ ઇજિપ્તના વિદેશપ્રધાન સાથે ચર્ચા કરી હોવાનું મનાય છે. યુદ્ધ ખતમ કરવા કતાર ઇરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરી રહ્યું છે.કતારના અમીરે પણ સંવાદથી જ વિવાદનો ઉકેલ લાવવા પર ભાર મૂક્યો છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ચૂંટણીમાં પરાજય પછી ઇરાન સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની તૈયારીમાં હોવાનું માનવામાં આવે છે. તેથી હવે ઇરાનની દરખાસ્ત પર કેટલા અંશે વિચાર થાય તે જોવાનું પણ ઘણું મહત્ત્વનું રહે છે.







