VIDEO: અમેરિકામાં ગુજરાતી યુવતીની ધરપકડ! ચોરી કરતાં ઝડપાઈ, વીડિયો થયો વાયરલ
અમેરિકામાં સ્થિત એક શોપિંગ કોમ્પ્લેક્સમાં એક ભારતીય મહિલા કથિત રૂપે ચોરી કરતાં પકડાઈ છે.

અમેરિકામાં સ્થિત એક શોપિંગ કોમ્પ્લેક્સમાં એક ભારતીય મહિલા કથિત રૂપે ચોરી કરતાં પકડાઈ છે. ચોરી કરતાં પકડાતાં તે રડવા લાગી હતી અને પોલીસને માફ કરવા આજીજી કરી રહી હતી. તેનો આ વીડિયો વાઈરલ થતાં લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. વીડિયોમાં ભારતીય મહિલા વારંવાર અધિકારીઓ પાસે માફી માગતી જોવા મળી હતી અને તે દાવો કરી રહી હતી કે, તે અજાણતાં જ સામાનનું પેમેન્ટ કરવાથી ચૂકી ગઈ.
હાથ જોડી કરતી રહી આજીજી
અધિકારીઓએ તેની ધરપકડ કરવા અને તેને ઉભી થવા નિર્દેશ કર્યો તેમ છતાં તે રડી રહી હતી. અને હાથ જોડી તે કહેતી રહી કે, ના સર, માફ કરી દો, પ્લીઝ. હું ચીજો ખરીદવા આવી હતી, પરંતુ અજાણતા તેનુ પેમેન્ટ કરવાનુ ચૂકી ગઈ. બાદમાં તે અધિકારીઓને પુછે છે કે, હાથકડી લગાવ્યા બાદ મારી સાથે શું થશે? પોલીસ તેનો જવાબ આપે છે કે, તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે, પેપરવર્ક થશે અને થોડા કલાકમાં તેને મુક્ત કરી દેવામાં આવશે. ત્યારબાદ મહિલા રડતાં પૂછે છે કે, શું હું મારા પતિને ફોન કરી શકુ છું, પરંતુ પોલીસ અધિકારી તેને ના પાડી દે છે.
વીડિયો વાઈરલ થયો
આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, પરંતુ ઘટના ક્યારની છે, તે હજુ સુધી સ્પષ્ટ થયુ નથી. જો કે, અનેક લોકોએ દાવો કર્યો છે કે, આ વીડિયો થોડા દિવસ પહેલાં ફેસબુક પર પોસ્ટ કર્યો હતો, પરંતુ બાદમાં તેને હટાવી લેવામાં આવ્યો. પછી તેને ફરી અનેકવખત અપલોડ કરી વાઈરલ કરવામાં આવ્યો. આ વીડિયોની ખાતરી થઈ નથી. અગાઉ અમેરિકાના ઈલિનોઈસ શહેરમાં પણ આ પ્રકારનો કિસ્સો બન્યો હતો. જેમાં કથિત રૂપે એક ભારતીય મહિલાએ એક સ્ટોરમાંથી 1300 ડોલર (રૂ. 1.1 લાખ)નો સામાન ચોરી કર્યો હતો. તેની પોલીસે અટકાયત કરી હતી.





