Pokને લઇને પાકિસ્તાનનું વિવાદાસ્પદ નિવેદન, ભારત કબ્જે કરેલા ભાગને ખાલી કરે
ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે ‘થમ હાઉસ થિંક-ટેંક’ના એક સત્રમાં કાશ્મીર અંગે નિવેદન આપતા

ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે ‘થમ હાઉસ થિંક-ટેંક’ના એક સત્રમાં કાશ્મીર અંગે નિવેદન આપતા પાકિસ્તાનને ખોટું લાગ્યું છે. જયશંકરની વાત મુદ્દે પાકિસ્તાને હવે UNના રોતડા રોવાનું શરૂ કરી દીધું છે. વાસ્તવમાં જયશંકરે સત્રમાં સંબોધનમાં કહ્યું હતું કે, ‘પાકિસ્તાને ગેરકાયદે રીતે કાશ્મીરનો ભાગ ચોરી કરેલો છે, જે તે પરત કરે પછી જ કાશ્મીર વિવાદનું સમાધાન થશે.’
પાકિસ્તાનની ‘ઉલટા ચોર કોટવાલને દંડે’ જેવી વાત
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને ભારતના વિદેશમંત્રીના નિવેદનથી મરચું લાગ્યું છે અને તેણે કહી નાખ્યું છે કે, અમે નહીં તમે જગ્યા ખાલી કરો. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા શફકત અલી ખાને જયશંકરના નિવેદનને રદીયો આપ્યો છે. શફકતે ઉલટા ચોર કોટવાલને દંડેની જેમ કહ્યું છે કે, ‘ભારત કાશ્મીરના તે ભાગને ખાલી કરે, જેના પર તેમણે કબજો કરીને રાખ્યો છે.’
ભારત જમ્મુ-કાશ્મીર અંગે પાયાવિહોણા દાવા કરે છે : પાકિસ્તાન
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ કહ્યું કે, ‘પાંચમી માર્ચના રોજ લંડનના ચૈથમ હાઉસમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમે ભારતના વિદેશ મંત્રી દ્વારા કરેલી ટિપ્પણીને રદીયો આપ્યો છે. ભારતે આઝાદ જમ્મુ-કાશ્મીર અંગે પાયાવિહોણા દાવા કરવાના બદલે છેલ્લા 77 વર્ષથી પોતાના કબજામાં રાખેલા જમ્મુ-કાશ્મીરના એક મોટા ભાગને ખાલી કરી દેવો જોઈએ. ભારતીય વિદેશ મંત્રીનું નિવેદન જમીની વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરતું નથી. ભારતે પૂછ્યા વગર સલાહ આપી. જયશંકરનું નિવેદન પાયાવિહોણું છે કાશ્મીર મુદ્દો યુએન હેઠળ આવે છે.’
જયશંકરે શું કહ્યું હતું ?
બ્રિટન પ્રવાસ પર ગયેલા જયશંકરે ચૈથમ હાઉસમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ‘ભારત દ્વારા કલમ-370 હટાવવાનું પ્રથમ પગલું હતું, ત્યારબાદ કાશ્મીરમાં વિકાસ, આર્થિક ગતિવિધિઓ વધારવી તેમજ સામાજિક ન્યાય વ્યવસ્થિત યોગ્ય રીતે ઉભી કરવી બીજું પગલું હતું. આ ઉપરાંત ચૂંટણીમાં વધુ મતદાન કરાવવું, તેત્રીજું પગલું હતું.’
જ્યારે જયશંકરને કાશ્મીર મુદ્દે સમાધાન અંગે પ્રશ્ન કરવામાં આવતા તેમણે જવાબ આપ્યો કે, ‘મને લાગે છે કે, જે બાબતની રાહ જોઈ રહ્યા છીએ, તે કાશ્મીરમાંથી ચોરી કરેલો ભાગ પરત આપવાની છે અને તે પાકિસ્તાનના ગેરકાયદે કબજામાં છે. જ્યારે આવું થઈ જશે તો હું આપને આશ્વાસન આપુ છું કે, કાશ્મીર મુદ્દાનું સમાધાન થઈ જશે. ભારતે પાકિસ્તાનને વારંવાર કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગે છે અને હંમેશા રહેશે.’








