મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

પાકિસ્તાનમાં આતંકવાદીઓએ રાજદૂતોના કાફલામાં કર્યો બોમ્બ બ્લાસ્ટ, 1નું મૃત્યુ

પાકિસ્તાનમાં 11 દેશોના રાજદ્વારીઓના કાફલા પર આતંકી હુમલો થયો છે. ઘટના રવિવારની છે.

પાકિસ્તાનમાં આતંકવાદીઓએ રાજદૂતોના કાફલામાં કર્યો બોમ્બ બ્લાસ્ટ, 1નું મૃત્યુ

પાકિસ્તાનમાં 11 દેશોના રાજદ્વારીઓના કાફલા પર આતંકી હુમલો થયો છે. ઘટના રવિવારની છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના સ્વાત જિલ્લામાંથી માલમ જબ્બા જઈ રહેલા વિદેશી રાજદૂતોના કાફલાની સુરક્ષા કરતી પોલીસ વાનને આતંકવાદીઓએ નિશાન બનાવી હતી.

આતંકવાદીઓએ વાનને રિમોટ કંટ્રોલ બોમ્બથી ઉડાવી દીધી હતી. વિસ્ફોટમાં એક પોલીસ અધિકારીનું મોત થયું હતું. અન્ય ચાર ઘાયલ છે. ઘાયલોને સૈદુ શરીફની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે.

વાન કાફલામાં સૌથી આગળ હતી

જિલ્લા પોલીસ અધિકારી ઝાહિદુલ્લા ખાને કહ્યું કે આ હુમલો વિદેશી રાજદ્વારીઓના સમૂહને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. મૃતક પોલીસકર્મીની ઓળખ બુરહાન તરીકે થઈ છે. ઘાયલોમાં એક સબ ઈન્સ્પેક્ટર પણ સામેલ છે. જે વાનને નિશાન બનાવવામાં આવી હતી તે કાફલાના આગળના ભાગે હતી.

બધા રાજદૂતો સુરક્ષિત
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તમામ રાજદૂતો સુરક્ષિત છે અને તેમને ઈસ્લામાબાદ મોકલી દેવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ રાજદૂતોએ મિંગોરામાં ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પછી તેઓ માલમ જબ્બા જઈ રહ્યા હતા. ત્યારબાદ આ વિસ્ફોટ શેરાબાદમાં થયો હતો. કાફલામાં તાજિકિસ્તાન, કઝાકિસ્તાન, ઈરાન, ઈથોપિયા, પોર્ટુગલ, રશિયા સહિત 11 દેશોના રાજદૂતો સામેલ હતા.

રાષ્ટ્રપતિએ હુમલાની નિંદા કરી

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ ઘટનાની સખત નિંદા કરી છે. ઝરદારીએ હુમલામાં માર્યા ગયેલા પોલીસ અધિકારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.  હજુ સુધી કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.

આ સમાચાર શેર કરો