પાકિસ્તાનમાં તાલિબાની આતંકીઓએ 10 પોલીસકર્મીઓની કરી હત્યા, 7 જવાનો ઘાયલ
પાકિસ્તાનમાં તાલિબાન દ્વારા વધી રહેલી હિંસા વચ્ચે આતંકવાદીઓએ ફરી એકવાર પોલીસકર્મીઓને

પાકિસ્તાનમાં તાલિબાન દ્વારા વધી રહેલી હિંસા વચ્ચે આતંકવાદીઓએ ફરી એકવાર પોલીસકર્મીઓને નિશાન બનાવ્યા છે. શુક્રવારે અફઘાન સરહદ નજીક 10 પોલીસકર્મીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે અન્ય સાત જવાનો ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલો એક ચેક પોસ્ટ પાસે થયો હતો. આ હુમલાની જવાબદારી પાકિસ્તાની તાલિબાને લીધી છે. એક વરિષ્ઠ ગુપ્તચર અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સતત એક કલાક સુધી ભયંકર ગોળીબાર ચાલુ રહ્યો હતો. હુમલા દરમિયાન ફ્રન્ટિયર કોન્સ્ટેબલરીના દસ જવાન શહીદ થયા હતા અને સાત ઘાયલ થયા હતા.
પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં લગભગ 20થી 25 આતંકવાદીઓએ ફ્રન્ટિયર કોન્સ્ટેબલરી પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન જૂથે જવાબદારી સ્વીકારતા કહ્યું કે, આ હુમલો વરિષ્ઠ નેતા ઉસ્તાદ કુરેશીની હત્યાનો બદલો હતો.
પાકિસ્તાનની સેનાએ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની સરહદે બાજૌરમાં ગુપ્ત માહિતી આધારિત ઓપરેશનમાં માર્યા ગયેલા નવ લોકોમાં કુરેશીનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના કહેવા મુજબ TTP અફઘાનિસ્તાનનો ઉપયોગ બેઝ તરીકે કરે છે અને સત્તાધારી તાલિબાન સરહદ નજીક આતંકવાદીઓને આશ્રય આપે છે. જોકે તાલિબાને આ વાતની ના પાડી હતી.
જણાવી દઈએ કે, 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં આવા હુમલાઓની સંખ્યા વધી છે. તાલિબાનના પાકિસ્તાની આતંકવાદીઓએ મોટાભાગે સુરક્ષા દળોને નિશાન બનાવીને હુમલા કર્યા છે. ઓગસ્ટમાં પણ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આતંકવાદીઓએ પોલીસ ટીમ પર રોકેટ વડે હુમલો કર્યો હતો. જેમાં 11 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. આતંકવાદીઓએ ઘણા પોલીસકર્મીઓને પણ બંધક બનાવ્યા હતા. પોલીસ વાહન પર હુમલો થયો ત્યારે પોલીસ વાન કાદવવાળા રસ્તામાં ફસાઈ હતી.






