પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનને ૧૪ વર્ષની જેલની સજા, પત્નીને પણ ૭ વર્ષની સજા
જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. પાકિ

જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની એક કોર્ટે અલકાદિર ટ્રસ્ટ કેસમાં ઇમરાન ખાનને ૧૪ વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસમાં ઇમરાનની પત્ની બુશરા બીબીને પણ 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
જણાવી દઈએ કે અલ-કાદિર યુનિવર્સિટી પ્રોજેક્ટ ટ્રસ્ટ સંબંધિત ભ્રષ્ટાચાર કેસમાં ઇમરાન અને તેની પત્નીને આ સજા આપવામાં આવી છે. આ કિસ્સામાં, ઇમરાન સત્તાના દુરુપયોગ માટે પણ દોષિત છે. હાલ ઈમરાન ખાન અને બુશરા બીબી બંને જેલમાં જ બંધ છે. કોર્ટે ઈમરાન અને બુશરા પર રૂ. 10 લાખ અને રૂ. 5 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. તેમજ દંડની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યા તો બંનેને છ મહિનાની જેલની સજા પણ થઈ શકે છે.
નેશનલ એકાઉન્ટબિલિટી બ્યૂરોએ ડિસેમ્બર, 2023માં ઈમરાન ખાન, તેના પત્ની બુશરા બીબી, સહિત અન્ય છ વિરૂદ્ધ રાષ્ટ્રીય ખજાનાને 190 મિલિયન પાઉન્ડનું નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ડિસેમ્બર, 2023માં અલ-કાદિર યુનિવર્સિટી ટ્રસ્ટ કેસમાં ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રીય ખજાનાનો ગેરકાયદે ઉપયોગ કરવા બદલ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન, તેના પત્ની બુશરા બીબી અને અન્ય સાત લોકો વિરૂદ્ધ કેસ ફાઈલ થયો હતો.
અગાઉ ત્રણ વખત ચુકાદો સ્થગિત કરાયા બાદ જસ્ટિસ નાસિર જાવેદ રાણાએ અંતે સજાનો આદેશ આપ્યો હતો. ઈમરાન અને તેના પત્નીએ અલ-કાદિર યુનિવર્સિટી પ્રોજેક્ટ ટ્રસ્ટ સાથે અબજો રૂપિયાનું ભ્રષ્ટાચાર કર્યું હતું.
ઇમરાન ખાન તેમની પત્ની બુશરા બીબી અને અન્ય નજીકના સાથીઓ ઝુલ્ફીકાર બુખારી અને બાબર અવાને અલ-કાદિર પ્રોજેક્ટ ટ્રસ્ટની રચના કરી. તેનો ઉદ્દેશ્ય પંજાબના ઝેલમ જિલ્લાના સોહાવા તાલુકામાં 'ગુણવત્તાયુક્ત શિક્ષણ' પૂરું પાડવા માટે અલ-કાદિર યુનિવર્સિટીની સ્થાપના કરવાનો હતો. દસ્તાવેજોમાં ટ્રસ્ટના કાર્યાલયનું સરનામું "બની ગાલા હાઉસ, ઇસ્લામાબાદ" તરીકે દર્શાવવામાં આવ્યું છે. બુશરા બીબીએ બાદમાં 2019માં દાન મેળવવા માટે એક ખાનગી રિયલ એસ્ટેટ કંપની, બહરિયા ટાઉન સાથે એક મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા. ટ્રસ્ટને તેના સોદાના ભાગ રૂપે બહરિયા ટાઉનમાં 458 કનાલ, 4 મરલા અને 58 ચોરસ ફૂટ જમીન મળી.
પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહના જણાવ્યા પ્રમાણે આ 458 કનાલ જમીનમાંથી, ઇમરાન ખાને પોતાનો હિસ્સો નક્કી કર્યો અને દાનમાં આપેલી 240 કનાલ જમીન બુશરા બીબીની નજીકની મિત્ર ફરાહ ગોગીના નામે ટ્રાન્સફર કરી. સનાઉલ્લાહે દાવો કર્યો હતો કે, આ જમીનનું મૂલ્ય ઓછું આંકવામાં આવ્યું હતું અને ઇમરાન ખાનને યુનિવર્સિટીના નામે પોતાનો હિસ્સો મળ્યો હતો.
તેમણે કહ્યું કે પૂર્વ પીએમ ઇમરાન ખાને આ મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ આરોપો બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ નાણામંત્રી મિફતાહ ઈસ્માઈલે ટ્વીટ કર્યું હતું કે, ઈમરાન ખાને રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ મલિક રિયાઝને લગભગ £190 મિલિયન આપ્યા હતા, જેમણે પાછળથી આ રકમ બ્રિટિશ અધિકારીઓને સોંપવી પડી હતી જેથી તપાસ કરી શકાય કે આ પૈસા પાકિસ્તાનના છે કે નહીં. પાકિસ્તાનની કોઈ આવક છે કે નહીં.








