હાયર એક્ટ: ટ્રમ્પ સરકારનો નવો કાયદો, ભારતને H1B વિઝા કરતા મોટો ઝટકો, જાણો રઘુરામ રાજને આવું કેમ કહ્યું

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા સૂચિત હોલ્ટિંગ ઈન્ટરનેશનલ રિલોકેશન ઓફ એમ્પ્લોયમેન્ટ (હાયર) એકટ ભારત માટે એચ1બી વિઝા ફીમાં તાજેતરના વધારા કરતા પણ વધુ જોખમી છે.
આ એક્ટ માત્ર માલસામાન પર જ નહિ પરંતું...
સૂચિત હાયર એક્ટ માત્ર માલસામાન પર જ નહીં આઉટસોર્સ કરાયેલી સર્વિસીઝ પર પણ ટેરિફ લાગુ કરી શકે છે, જે ભારતના ઇન્ફર્મેશન ટેકનોલોજી અને સેવા ક્ષેત્રની નિકાસને વધુ નુકસાન પહોંચાડી શકે છે. એક મીડિયા મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, "આપણી મોટી ચિંતાઓમાંની એક ચિંતા અમેરિકા સેવાઓ પર ટેરિફ લાગુ કરવાના માર્ગો શોધી રહ્યું છે તે છે."
અમેરિકન કોંગ્રેસ હાયર એકટ પર ચર્ચા કરી રહી છે જેનો હેતુ આઉટસોર્સ કરાયેલા કામ પર ટેકસ લાદવાનો છે. તે કેવી રીતે લાગુ કરાશે તે એક પ્રશ્ન છે, પરંતુ ટેરિફની આ શ્રેણીઓ ચિંતાનો વિષય છે.
ભારતના સેવા ક્ષેત્ર પર પડી શકે છે સીધી અસર
આઉટસોર્સિગને ઘટાડી અમેરિકાની અંદર રોજગાર નિર્માણને પ્રોત્સાહન મળે તેવી રીતે સૂચિત હાયર ધારાની જોગવાઈ ઘડવામાં આવી છે. વિદેશના કામદારો પાસેથી અમેરિકાની અંદર ઉપયોગમાં લેવાયેલી સેવાઓ પર 25% આઉટસોર્સિંગ ટેકસ લાગુ કરવાની સૂચિત ધારામાં જોગવાઈ છે.
વિદેશના કર્મચારીઓને કરાતા પેમેન્ટ પર જ આ ટેકસ વસૂલાશે અને વેપાર ગૃહો તેને ખર્ચ તરીકે વેરામાંથી બાદ માટે દાવો નહીં કરી શકે. આવા પ્રકારના ધારાથી ભારતના સેવા ક્ષેત્ર પર સીધી અસર પડશે એમ પણ રાજને દાવો કર્યો હતો.

