ચીન સુધી પહોંચી Nvidiaની 50 હજાર ચિપ્સ?, US વાણિજ્ય મંત્રી પણ ઘેરાયા, ટ્રમ્પે ઉઠાવ્યા આ સવાલ

અમેરિકાની ચિપ કંપની Nvidia સાથે જોડાયેલો વિવાદ હવે ટ્રમ્પ સરકાર સુધી પહોંચી ગયો છે. ચીનની કથિત જાસૂસ એલિસ હુઆંગ સાથેના સંબંધો અને સિંગાપોરની કંપની મેગાસ્પીડ મારફતે Nvidiaની આશરે 50 હજાર અદ્યતન ચિપ્સના હિસાબને લઈને સવાલો ઊભા થયા છે. આ મામલે અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિક પણ ઘેરાયા છે. બીજી તરફ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એલિસ હુઆંગ ખરેખર જાસૂસ હતી કે નહીં તે અંગે સવાલ ઉઠાવ્યા છે.
ટ્રમ્પે જેન્સન હુઆંગને ફોન કરીને શું કહ્યું હતું?
અહેવાલ મુજબ, Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગ હટ્યા તે પહેલાં ટ્રમ્પે મંગળવારે તેમને ફોન કર્યો હતો. વાતચીતથી માહિતગાર બે વ્યક્તિઓના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે તેમને પોતાની નોકરી બચાવવા માટે લડત ચાલુ રાખવાની સલાહ આપી હતી. શુક્રવારે એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું હતું કે એલિસ હુઆંગ જાસૂસ હતી કે નહીં તે હજુ નક્કી થયું નથી. તેમણે કહ્યું કે જો તે ખરેખર જાસૂસ હતી તો જેન્સન હુઆંગે પદ છોડ્યું તે યોગ્ય હતું, પરંતુ જો તે જાસૂસ ન હોય તો મામલો અલગ હોઈ શકે છે.
મેગાસ્પીડની 50 હજાર ચિપ્સનો હિસાબ નહીં
અહેવાલ મુજબ, તપાસકર્તાઓને જાણવા મળ્યું છે કે સિંગાપોરની કંપની મેગાસ્પીડે Nvidiaની આશરે 50 હજાર વધારાની ચિપ્સ આયાત કરી હતી. જોકે, કંપનીના અધિકારીઓ સિંગાપોર સ્થિત પોતાના ડેટા સેન્ટરમાં આ ચિપ્સનો હિસાબ આપી શક્યા નથી. અહેવાલમાં એક પૂર્વ અમેરિકી અધિકારીને ટાંકીને જણાવાયું છે કે જુલાઈ 2025માં એવા નિયમનો પ્રસ્તાવ તૈયાર હતો, જેનાથી મેગાસ્પીડ અને દક્ષિણ-પૂર્વ એશિયાની અન્ય કંપનીઓ માટે અદ્યતન ચિપ્સ મેળવવી મુશ્કેલ બની શકી હોત. સંબંધિત એજન્સીઓની સહમતી હોવા છતાં આ પ્રસ્તાવ વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકની મંજૂરી સુધી પહોંચ્યો નહોતો. પૂર્વ અધિકારીએ લુટનિક અને તેમના સહયોગી જેફ્રી કેસલર પર કાર્યવાહી કરવામાં વિલંબનો આરોપ લગાવ્યો છે.
એલિસ હુઆંગ કોણ છે?
એલિસ હુઆંગ ચીનની નાગરિક અને સિંગાપોરની કંપની મેગાસ્પીડનાં પૂર્વ વરિષ્ઠ અધિકારી છે. અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને શંકા હતી કે ચીનની ગુપ્તચર સંસ્થા મિનિસ્ટ્રી ઑફ સ્ટેટ સિક્યોરિટીએ તેમને જેન્સન હુઆંગની નજીક પહોંચવા માટે નિયુક્ત કર્યાં હતાં. જોકે, એલિસ જાસૂસ હોવાનો આરોપ હજુ સુધી જાહેરમાં સાબિત થયો નથી. તેમના સંબંધોને કારણે Nvidiaની ગુપ્ત માહિતી ચીન સુધી પહોંચી હતી કે નહીં તે પણ સ્પષ્ટ નથી.
અમેરિકી અધિકારીઓની ભૂમિકા પર સવાલ
અહેવાલ મુજબ, Nvidiaના જનરલ કાઉન્સેલ ટિમ ટેટેરે અમેરિકી અધિકારી કેસલરને પૂછ્યું હતું કે શું અમેરિકી એજન્સી BIS સિંગાપોરમાં એલિસ હુઆંગની અટકાયતના મામલે સામેલ હતી. બીજી તરફ, BISના પ્રવક્તાએ ગેરરીતિના આરોપો નકારી કાઢ્યા છે. Nvidiaએ પણ કહ્યું છે કે તે માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે નિયમિત રીતે અમેરિકી અધિકારીઓના સંપર્કમાં રહે છે. આ મામલે રિપબ્લિકન સેનેટર જોન કેનેડીએ લુટનિક પાસે જવાબ માગ્યો છે. નાણામંત્રી સ્કોટ બેસન્ટે પણ કથિત વિલંબ અંગે સવાલ કર્યા છે. હવે અમેરિકી વાણિજ્ય વિભાગ મલેશિયા, સિંગાપોર અને થાઇલેન્ડ સહિત દક્ષિણ-પૂર્વ એશિયાના સાત દેશો માટે નવા નિકાસ નિયમો લાવવાની તૈયારી કરી રહ્યું છે, જેથી ચીનની કંપનીઓ અન્ય દેશોમાં રાખવામાં આવેલી Nvidiaની ચિપ્સ સુધી પહોંચી ન શકે.











