કોણ છે જનરલ વકાર, તખ્તાપલટ બાદ જેના હાથમાં આવી શકે છે બાંગ્લાદેશની કમાન!
હિંસાની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દ

હિંસાની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દેતાં સેના વચગાળાની સરકાર બનાવવાની તૈયારી કરી રહી છે. જો સેના સરકાર બનાવશે તો દેશની કમાન સેનાના હાથમાં આવશે. શેખ હસીનાના રાજીનામા બાદ આર્મી ચીફ વકાર ઉઝ જમાને પ્રેસ કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓને તેમની માંગણીઓ પૂરી કરવા કહ્યું હતું. સાથે એમ પણ કહ્યું કે, તમે લોકો અમારી સાથે આવો, અમે પરિસ્થિતિ બદલી નાખીશું. લડાઈ, અરાજકતા અને સંઘર્ષથી દૂર રહો.
આર્મી ચીફે કહ્યું કે, બાંગ્લાદેશમાં ટૂંક સમયમાં વચગાળાની સરકાર બનશે. જો બાંગ્લાદેશમાં સેના વચગાળાની સરકાર બનાવશે તો આર્મી ચીફ પાસે બાંગ્લાદેશની કમાન આવશે. એવામાં આર્મી ચીફ વકાર ઉઝ જમાનની કેટલીક રસપ્રદ વાતો જાણવાનું મન થાય.
કોણ છે વકાર ઉઝ જમાન?
લેફ્ટનન્ટ જનરલ વકાર ઉઝ ઝમાનને હાલમાં જ પ્રમોટ કરીને આર્મી જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 11 જૂન 2024 ના રોજ 3 વર્ષ માટે આર્મી ચીફ તરીકે ચૂંટાયા અને 23 જૂન 2024 ના રોજ ચાર્જ સંભાળ્યો હતો. આ પહેલા તેઓ 1 જાન્યુઆરી 2024થી ચીફ ઓફ જનરલ સ્ટાફ હતા.
તેમણે જનરલ એસએમ સૈફુદ્દીન અહેમદનું સ્થાન લીધું હતું. વર્ષ 1985માં તેમની ઇન્ફન્ટ્રી કોર્પ્સ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને આર્મી ચીફ બનવા સુધીમાં અનેક હોદ્દા પર સેવા આપી છે. અગાઉ ઈન્ફન્ટ્રી બટાલિયન અને ઈન્ફન્ટ્રી ડિવિઝનની કમાન પણ સંભાળી હતી. તે બાંગ્લાદેશ ડિફેન્સ સર્વિસ કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ અને જોઈન્ટ સર્વિસ કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ, યુનાઈટેડ કિંગડમના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.
તેઓ આર્મી હેડક્વાર્ટરમાં મિલિટરી સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. તેણે સરહનાઝ કમાલિકા ઝમાન સાથે લગ્ન કર્યા છે અને તેને બે પુત્રીઓ છે, સમીહા રાયસા ઝમાન અને શાયેરા ઈબનત ઝમાન.
જણાવી દઈએ કે વર્ષ 1975માં પણ સેનાએ બળવો કરીને એ સમયની મુજીબ સરકારને ઉથલાવી હતી અને તે પછી15 વર્ષ સુધી એટલે કે 1990 સુધી દેશનું નિયંત્રણ સેનાના હાથમાં હતું. જણાવી દઈએ કે, બાંગ્લાદેશની આર્મી 145 દેશોમાંથી વિશ્વની 37મી સૌથી શક્તિશાળી સેના છે. સેનામાં લગભગ 1,75,000 સક્રિય સૈનિકો છે અને સરકાર સંરક્ષણ પાછળ 3.8 બિલિયન ડોલર ખર્ચે છે.








