મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: USના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ થતા થયા ઈજાગ્રસ્ત, શૂટરને મરાયો ઠાર

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલી પર ગોળીબાર થયો હોવાની ઘટના સામે આવી છે. આ

VIDEO: USના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ થતા થયા ઈજાગ્રસ્ત, શૂટરને મરાયો ઠાર

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલી પર ગોળીબાર થયો હોવાની ઘટના સામે આવી છે. આ  હુમલામાં ટ્રમ્પ ઘાયલ થયા છે, ગોળી તેના જમણા કાનને અડ્યા બાદ નીકળી ગઈ હતી. તેમના જમણા કાનમાંથી લોહી નીકળવા લાગ્યું અને તેમના ચહેરા પર પણ લોહીના નિશાન જોવા મળ્યા. તેઓ પેન્સિલવેનિયામાં રેલી કરી રહ્યા હતા, ત્યારે એક પછી એક અનેક ગોળીઓ ચલાવવામાં આવી હતી. વીડિયોમાં ટ્રમ્પના કાન પર લોહી દેખાઈ રહ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ સલામત છે - સિક્રેટ સર્વિસ

સિક્રેટ સર્વિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ સુરક્ષિત છે અને તેમની સુરક્ષા માટે પગલાં લાગુ કરવામાં આવ્યા છે. ટ્રમ્પ સ્ટેજ પરથી નીચે આવ્યા પછી તરત જ પોલીસે રેલીનું મેદાન ખાલી કરાવ્યું હતું. સિક્રેટ સર્વિસ આ ગોળીબારને હત્યાના પ્રયાસ તરીકે તપાસ કરી રહી છે. આ દરમિયાન એફબીઆઈની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. એજન્સીએ કહ્યું કે ટીમ આ કેસની તપાસમાં સીક્રેટ સર્વિસ સાથે મળીને કામ કરશે.

આ રેલીનું આયોજન પેન્સિલવેનિયાના ગ્રેટર પિટ્સબર્ગ વિસ્તારમાં બટલર કાઉન્ટીમાં કરવામાં આવી રહ્યું હતું. બટલર કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એટર્ની રિચાર્ડ ગોલ્ડિંગરે જણાવ્યું હતું કે શંકાસ્પદ બંદૂકધારીને ગોળી વાગી હતી અને રેલીમાં ભાગ લેનાર એક વ્યક્તિ પણ મૃત્યુ પામ્યો હતો. જ્યારે અન્ય એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. 

ગોળી મને કાનના ઉપરના ભાગમાં વાગી - ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ ઘટના પર નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું, "આ માની શકાય તેમ નથી કે આપણા દેશમાં આવું થઈ શકે. શૂટર વિશે અત્યારે કોઈ માહિતી નથી, જે હવે મરી ગયો છે. મને ગોળી વાગી હતી જે મારા જમણા કાનના ઉપરના ભાગમાં વાગી હતી, તુંરત મને લાગ્યું કે કંઈક ગડબડ છે, કારણકે મે એક કારણ કે મેં જોરથી અવાજ સાંભળ્યો હતો, ગોળીબાર થયો અને તરત જ લાગ્યું કે ગોળી ત્વચાને ચીરતી જતી રહી.

અમેરિકામાં હિંસા માટે કોઈ સ્થાન નથી:  બાઈડન


 અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ટ્વીટ કર્યું કે મને પેન્સિલવેનિયામાં ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ગોળીબારની જાણ કરવામાં આવી છે. હું તેમના અને તેમના પરિવાર માટે અને ત્યાં રહેલા તમામ લોકો માટે પ્રાર્થના કરું છું. અમેરિકામાં આ પ્રકારની હિંસા માટે કોઈ સ્થાન નથી. આની નિંદા કરવા માટે આપણે એક રાષ્ટ્ર તરીકે એક થવું જોઈએ. હાઉસ સ્પીકર માઈક જોન્સને ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે તેઓ ટ્રમ્પ માટે પ્રાર્થના કરી રહ્યા છે. સ્પીકરે કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

બરાક ઓબામાએ ચિંતા વ્યક્ત કરી 


અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ટ્વીટ કર્યું કે આપણા લોકતંત્રમાં રાજકીય હિંસા માટે બિલકુલ સ્થાન નથી. જો કે અમને હજી સુધી બરાબર ખબર નથી કે શું થયું, આપણે બધાએ રાહત અનુભવવી જોઈએ કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગંભીર રીતે ઘાયલ થયા ન હતા.

અમેરિકા માટે લડવાનું બંધ નહીં કરે


ટ્રમ્પના મોટા પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે અમેરિકન ધ્વજની સામે મુઠ્ઠી ઉંચી કરીને અને લોહીથી ખરડાયેલા ચહેરા સાથેનો તેમનો ફોટો પોસ્ટ કર્યો હતો. પોસ્ટમાં તેમણે લખ્યું કે તેઓ અમેરિકાને બચાવવા માટે લડવાનું ક્યારેય બંધ નહીં કરે. પેન્સિલવેનિયાના ગવર્નર જોશ શાપિરોએ કહ્યું કે કોઈપણ રાજકીય પક્ષ અથવા નેતાને નિશાન બનાવતી હિંસા બિલકુલ અસ્વીકાર્ય છે.

આ સમાચાર શેર કરો