બાંગ્લાદેશના પૂર્વ મહિલા વડાપ્રધાનની તબિયત અત્યંત નાજુક, વેન્ટિલેટર પર મુકાયા
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલીદા ઝીયાની તંદુરસ્તી અત્યંત નાજૂક બની ગઈ

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલીદા ઝીયાની તંદુરસ્તી અત્યંત નાજૂક બની ગઈ છે. તેઓને વેન્ટિલેટર પર મુકાયા છે. તેમ તેઓની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બી.એન.પી.)ના નેતાઓએ આજે જણાવ્યું હતું.
ખાલીદા ઝીયા ૮૦ વર્ષના છે તેઓને અનેકવિધ શારીરિક તકલીફોને લીધે ૨૩ નવેમ્બરે એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, ત્યારે તેઓએ છાતીમાં દુ:ખાવો થતો હોવાથી તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે તેવી ફરિયાદ કરી હતી. હૉસ્પિટલમાં તબીબી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેઓને હૃદય તથા ફેફસામાં તકલીફ છે.
ચાર દિવસ પછી તેઓને કોરોનરી કેર યુનિટમાં દાખલ કરાયા હતા. ત્યારે ત્રણ ત્રણ વખત દેશના વડાપ્રધાનપદે રહેલાં મહિલાને અનેકવિધ શારીરિક તકલીફો છે,તેમ જાણવા મળ્યું હતું. તે પછી તેઓને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા હતા. આ માહિતી આપતા બીએનપીના ઉપપ્રમુખ એડવોકેટ અહમદ આઝમખાને એક મીડિયા ચેનલને જણાવ્યું હતું કે તેઓ અનેક પ્રકારની બીમારીઓથી ઘેરાઈ ગયા છે તેઓનું લિવર ખરાબ થઈ ગયું છે. કીડની ફેલ્યોર છે, તેમજ ડાયાબીટીસ, આર્થરાઇટિસ તેમજ આંખોની પણ તકલીફ છે.






