Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Fierce fuel crisis in Russia: Ukraine drone attack shuts down refineries

VIDEO: રશિયામાં ઇંધણની ભયંકર કટોકટી: યુક્રેનના ડ્રોન હુમલામાં રિફાઇનરીઓ ઠપ

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોસ્કો : વળતા હુમલાઓમાં યુક્રેને રશિયાની અનેક ઓઇલ રિફાઇનરીઓ અને ક્રૂડ ઓઇલ ભંડારનો નાશવાળી દીધો છે. જેને પગલે રશિયામાં હાલ ઇંધણની અછત ઉભી થઇ ગઇ છે. પરિસ્થિતિ એટલી કફોડી બની ગઇ છે કે રશિયાએ ભારત પાસેથી પેટ્રોલની ખરીદી કરવી પડી રહી છે. અત્યાર સુધી ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરતું આવ્યું છે. જૂનમાં જ સૌથી વધુ ખરીદી કરાઇ છે જેમાંથી પેટ્રોલને હવે રશિયાને પોતાની અછત પુરી કરવા પરત આપવામાં આવશે તેવા અહેવાલો છે. એવા અહેવાલો છે કે ભારતે ૬૦,૦૦૦ મેટ્રિક ટન પેટ્રોલ રશિયા માટે રવાના કર્યું છે.

App Store

યુક્રેને રશિયાની ઓઇલ રિફાઇનરીઓને નિશાન બનાવીને એક સાથે અનેક ડ્રોન હુમલા કર્યા છે. જેને પગલે મહત્વની રિફાઇનરીઓનો નાશ વાળી દેવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે રશિયાના પેટ્રોલ પમ્પો પર ગ્રાહકોને આપવા માટે ઇંધણ નથી, અનેક એવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં ખાલી પમ્પો દેખાડવામાં આવ્યા હતા. એક વીડિયોમાં લોકો એક કારમાંથી બીજી કારમાં ઇંધણ નાખતા જોવા મળ્યા હતા. રાજધાની મોસ્કોમાં અનેક ગેસ સ્ટેશનો પર ગ્રાહકો લાંબી લાઇનો લગાવતા જોવા મળ્યા હતા.

યુક્રેનના ડ્રોન દ્વારા સીધા ઓઇલ રિફાઇનરી પર હુમલા કરવામાં આવી રહ્યા હોવાથી અનેક જગ્યાએ વિશાળ આગની ઘટનાઓ પણ સામે આવી હતી. એવા અહેવાલો છે કે યુક્રેને ડ્રોનની સાથે મિસાઇલોનો મારો પણ ચલાવ્યો હતો. જેમાં રશિયાની ઓઇલ રિફાઇનરીઓની સાથે ઓઇલ ડેપો, ટર્મિનલ્સ સહિત ઇંધણની તમામ મહત્વની ઇમારતો અને સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. એનર્જી ઇન્ટેલિજન્સના નિષ્ણાત ગેરી પીચે કહ્યું હતું કે જૂન મહિનામાં રશિયા દ્વારા ક્રૂડ ઓઇલને ઇંધણમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયામાં ગયા વર્ષની સરખામણીએ ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ખાસ કરીને પેટ્રોલનું ઉત્પાદન ૧૭ ટકા ઘટી ગયું હતું.

કેટલાક વિસ્તારોમાં હવે વિતરકોએ પ્રતિ વાહન એક લિમિટ સુધી જ પેટ્રોલ આપવાની જાહેરાત કરી છે. જેમ કે ઓમસ્ક વિસ્તારમાં એક વિતરક વિક્ટરે કહ્યું હતું કે અમે પ્રતિ વાહન માત્ર ૪૦ લિટર જ ગેસોલિન આપી રહ્યા છીએ. જ્યારે બુધવારથી કેટલાક શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ જેમ કે બસ વગેરેના ભાડા પણ વધારી દેવામાં આવ્યા છે. રશિયાના અધિકારીઓનું માનવું છે કે યુક્રેનના હુમલામાં રિફાઇનરીઓને જે નુકસાન થયું છે તેના સમારકામમાં ઘણો સમય લાગી શકે છે.

બીજી તરફ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ પણ કહ્યું હતું કે સપ્તાહમાં બીજી વખત અમે રશિયાની ઓઇલ રિફાઇનરીઓને નિશાન બનાવી છે. જે પણ રિફાઇનરીઓને નિશાન બનાવાઇ છે તેમાંથી એક ઉફા યુક્રેનથી એક હજાર કિમી દૂર છે જોકે ત્યાં સુધી યુક્રેનના ડ્રોન અને મિસાઇલો પહોંચી હતી અને તેનો નાશ વાળ્યો હતો. રિફાઇનરીઓનો જ ડાટ વળી ગયો હોવાથી હવે રશિયા ભારતે રિફાઇન કરેલું ઇંધણ જેમ કે પેટ્રોલ વગેરે ખરીદી રહ્યું છે. એવા અહેવાલો છે કે ભારતે ઓછામાં ઓછું ૬૦,૦૦૦ મેટ્રિક ટન પેટ્રોલ રશિયા માટે રવાના કર્યું છે. ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ ટનની ક્ષમતાવાળા બે જહાજો રશિયા તરફ રવાના કરી દેવામાં આવ્યા છે. રશિયા હાલ બેલારુસ સહિતના અન્ય દેશો પાસેથી પણ મદદ માગી રહ્યું છે.