મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકાના ઓરેગનમાં ફેડરલ જજે ઈમિગ્રન્ટ્સની ગેરકાયદેસર ધરપકડને લઈને આપ્યો આદેશ

અમેરિકાના ઓરેગોનમાં યુએસ ઇમિગ્રેશન એજન્ટ્સ (આઇસીઇ) ભાગી જવાનો અંદેશો હોય તે

અમેરિકાના ઓરેગનમાં ફેડરલ જજે ઈમિગ્રન્ટ્સની ગેરકાયદેસર ધરપકડને લઈને આપ્યો આદેશ

અમેરિકાના ઓરેગોનમાં યુએસ ઇમિગ્રેશન એજન્ટ્સ (આઇસીઇ) ભાગી જવાનો અંદેશો હોય તે સિવાય કોઈની પણ વોરંટ વગર કોઈની ધરપકડ કરી શકશે નહી, એવો આદેશ ફેડરલ જજે આપ્યો છે. જજના આદેશમાં હોમલેન્ડ સિક્યોરિટી વિભાગની ઇમિગ્રન્ટ્સને પકડવાની રીતરસમને લક્ષ્યાંક બનાવવામાં આવી છે, તેમનું સૂત્ર છે ધરપડ પહેલા કરો,પછી યોગ્ય ઠેરવો, એમ ટીકાકારોનું કહેવું છે. 

ફેડરલ જજે આપ્યો આદેશ

તાજેતરમાં ઇમિગ્રેશન વિભાગે અમેરિકાના વિવિધ શહેરોમાં શરૂ કરેલી એન્ટિ ઇમિગ્રેશન ડ્રાઇવમાં આડેધડ ધરપકડ કરવામાં આવતા ફેડરલ જજે આ આદેશ આપવાની ફરજ પડી છે. આઇસીઇએ કેટલીય ધરપકડો કોર્ટના વોરંટ વગર જ કરી છે. આના કારણે આખા દેશના નાગરિક અધિકાર જૂથોએ આ રીતે મનમાની રીતે થતી કાયદાકીય કાર્યવાહી સામે ચિંતા વ્યક્ત કરી હતી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના સામૂહિક ડિપોર્ટેશનના પ્રયત્નોના ભાગરૂપે ચાલતી કાર્યવાહીમાં કાયદા અને નિયમોનો ધજાગરો કરવામાં આવી રહ્યો હોવાનું કોર્ટે જણાવ્યું છે.

વોરંટ વગર ઘરપકડ કરતાં એજન્ટ્સના કેસોની કરી હતી સુનાવણી

ઇમિગ્રેશન એજન્ટ્સ સામે મોટાપાયા પર મચેલી હોહાના પગલે ગયા સપ્તાહે યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સના કાર્યકારી વડા ટોડ લિયોન્સે ભારપૂર્વક જણાવ્યું હતું કે એજન્ટ્સે એડમિનિસ્ટ્રેટિવ વોરંટ કે સુપરવાઇઝર દ્વારા જારી કરવામાં આવેલા વોરંટ વગર ધરપકડ કરવી નહીં. જજે ઓરેગનમાં એવા એજન્ટ્સના કેસોની સુનાવણી કરી હતી જેઓએ વોરંટ વગર ધરપકડ કરી હતી. તેમા ૫૬ વર્ષનો ફરિયાદી વિક્ટર ક્રુઝ ગામેઝ છે. તે ૧૯૯૯થી અમેરિકામાં છે. તેણે કોર્ટને જણાવ્યું હતું કે તેની પાસે અધિકૃત વિઝા હોવા છતાં અને વિઝા અરજી પડતર હોવા છતાં ઇમિગ્રશન ડિટેન્શન ફેસિલિટીમાં તેને ત્રણ અઠવાડિયા ગોંધી રાખવામાં આવ્યો હતો. આના પગલે જજે જણાવ્યું હતું કે ઓરેગનમાં આ પ્રકારે વોરંટ વગરની ધરપકડો અત્યંત ક્રૂર બાબત છે. તેમને વહીવટીતંત્ર યોગ્ય પ્રક્રિયાને અનુસરી રહ્યું નથી તેની ચિંતા છે.

રાજ્ય સરકાર અને સ્થાનિક પોલીસ પણ સહકાર આપવા માટે તૈયાર

આ દરમિયાન મિનીયાપોલીસમાં મિનેસોટામાં ટ્રમ્પ તંત્ર ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અધિકારીઓની સંખ્યા ઘટાડવા સંમત થયું છે. રાજ્ય સરકાર અને સ્થાનિક પોલીસ તંત્રએ ઇમિગ્રેન્ટ્સની ધરપકડના મુદ્દે સહકાર આપવાની ખાતરી આપ્યા બાદ તેઓએ આ પગલું ભરવાનો નિર્ણય લીધો છે. લગભગ ૭૦૦ જેટલા ફેડરલ ઓફિસરને તાત્કાલિક અસરથી દૂર કરવામા આવશે, એમ ટ્રમ્પના બોર્ડર સીઝાર હોમેને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ફેડરલ ઓફિસરોએ ટ્વીન સિટીમાં બરોબરનો તરખાટ મચાવતા મોટાપાયા પર ધરપકડ કરી હતી. એક સપ્તાહ સુધી ચાલેલી કવાયતમાં લગબગ બે હજાર જેટલા ફેડરલ ઓફિસર કામે લાગેલા હતા.

આ સમાચાર શેર કરો